માનવીના સ્વમાનનું જો કોઈ અપમાન હોય, તો તે ધર્મ છે: સત્ કાર્યો કરવા માટે સજ્જનો છે જ (એમને ધર્મની કોઈ અનીવાર્યતા નથી), એ જ રીતે દુષ્કૃત્યો કરવા માટે આ દુનીયામાં દુર્જનો છે (જેઓને ધર્મ રોકી શક્તો નથી). પરન્તુ જો સજ્જનને દુષ્ટ કૃત્યો કરતો બનાવી દેવો હોય, તો સચોટ માર્ગ છે, તેને ધાર્મીક બનાવી દો !
- સ્ટીવન વેનબર્ગ
મીત્રમંડળીમાં વાતવાતમાંથી ચર્ચા જામી કે, ‘માણસને ભગવાન વીના ચાલે ?’… ત્યારે, પ્રારંભે જ કહી દઉં કે, ઉપસ્થીત આસ્તીક મીત્રોએ જે દલીલો કરી, તે કેવળ ઝનુનપ્રેરીત, સત્ત્વહીન, તર્કરહીત, અર્થહીન અને એકંદરે યુગો જુના એકના એક ચર્વીતચર્વણ જેવી બની રહી; કારણ કે આસ્તીકો પાસે કોઈ નક્કર દલીલ નથી, ક્યારેક તો તેઓની બુદ્ધી જ ઓછી પડતી લાગે છે યા તો છતી આંખે ‘ગાંધારીપાટા’ બાંધેલા પ્રતીત થાય છે, ક્યારેક વળી એમની એવી અસત્ય માન્યતા પાછળનું મુખ્ય પરીબળ શ્રદ્ધા અર્થાત્ અંધશ્રદ્ધા હોય છે.
મારો નમ્ર અભીપ્રાય એવો રહ્યો કે, જો આદીમાનવ ધર્મ અને ઈશ્વરની કલ્પનાજાળમાં ફસાયો ન હોત, તો આજે માનવવીશ્વમાં શાંતી હોત, બંધુતા હોત અને માનવજાત સાચી મુક્તી પણ માણતી હોત. કારણ સ્પષ્ટ છે: ઓશો રજનીશ કહે છે તેમ, આજ સુધીમાં સંસારમાં પંદરસો જેટલાં નોંધપાત્ર ‘ધર્મયુદ્ધો’ થયાં છે; નાનાં છમકલાં તો વધારામાં ! હકીકત સ્પષ્ટ જ છે કે, યુદ્ધોનાં પ્રધાન તથા મુળ કારણો બે જ રહ્યાં છે: કારણ કે વીજ્ઞાને અભુતપુર્વ, અજોડ, ભવ્ય પ્રગતી કરી, માનવી સમક્ષ સત્યો પ્રસ્તુત કર્યાં છે, અને બીજું, દુનીયા આજે ખુબ નાની બની ગઈ છે; એથી એનું એક જ અખંડ રાષ્ટ્ર રચી શકાય, જેથી રાષ્ટ્રવાદની સંકુચીત ઝઘડાખોર ભાવના જ નષ્ટ થાય. સંઘર્ષો, વેરઝેર તથા ભેદભાવ આપોઆપ જ નાબુદ થઈ જાય; કારણ કે ધર્મે બળપુર્વક લાદેલી ફરજીયાત નીતી, વ્યક્તીને માટે સહજ આંતરીક ગુણરુપ નથી હોતી, અને એનો પુરાવો એ જ કે, અવ્યવસ્થા, અંધાધુંધી કે રમખાણો દરમીયાન, ભુંડાંમાં ભુંડાં કૃત્યો આચરનારા લગભગ બધા જ શખ્સો ધાર્મીક હોય છે; જેઓ ઘોર અપરાધનેય સ્વર્ગદાયક ધર્મકૃત્ય ગણાવે છે યા માને છે. બીજી બાજુ, રૅશનાલીસ્ટો સામાજીક નીતીને એક અનીવાર્ય, હીતકારી નાગરીક ફરજ તરીકે, સામાજીક માનવીની સ્વાભાવીક આચારસંહીતા તરીકે અપનાવે છે, પછી તક મળતાં એનો ભંગ કરી લેવાની વૃત્ત્તીને માટે સ્થાન જ નથી રહેતું…
મંડળીમાંના એક સભ્યની દલીલ તો વળી આફલાતુન હતી: તેઓએ આની આ જ દલીલ કદાચ હજારમી વાર જાહેરમાં ફગાવીને, ભોળા ભાવકોને ઠગ્યા છે અને આજે ય તેઓની એ ઠગલીલા ચાલુ જ છે. તેઓ કહે છે: “રશીયાનો સરમુખત્યાર સ્તાલીન નાસ્તીક હતો અને સેક્યુલર હતો. તેણે ભગવાનને વચ્ચે લાવ્યા વીના જ લાખ્ખો કીસાનોની ઠંડે કલેજે કતલ કરાવી. સામ્યવાદી સમાજ સંપુર્ણ નાસ્તીક અને ધર્મરહીત હોય છે…
એવો જ સેક્યુલર નાસ્તીકતાનો ઝંડો ચીનમાં માઓ ત્સે તુંગે ફરકાવ્યો, અને સાંસ્કૃતીક ક્રાંતીને નામે અસંખ્ય માણસોને વધેરી નાખ્યા. વળી, ચીને તીબેટ ઉપર જે અમાનુષી દમન ગુજાર્યું, એમાંય ભગવાન તો ક્યાંય દેખાતો નહોતો… ઈત્યાદી… (આ મીત્ર સેક્યુલર શબ્દનો અર્થ જ સમજતા લાગતા નથી!)
નમ્રતાપુર્વક સત્ય જાહેર કરું કે, આ ત્રણે દલીલો (કે દાખલા) છલના છે, છેતરપીંડી છે અને કદાચ આત્મછલના પણ છે. કારણ કે આ મીત્ર નાસ્તીકતા (એથીઝમ) અને રૅશનાલીઝમ વચ્ચેનો તાત્ત્વીક અને મહત્ત્વનો ભેદ જ નથી જાણતા. સ્તાલીનને રૅશનાલીસ્ટ ગણવો- એ ભારે હાસ્યાસ્પદ જુઠાણું છે. મીત્ર, નાસ્તીકતા અર્થાત્ કેવળ ઈશ્વરનો ઈન્કાર એ રૅશનાલીઝમ નથી. રૅશનાલીસ્ટ અચુક નીરીશ્વરવાદી હોય; પણ બધા જ નાસ્તીકો રૅશનાલીસ્ટો નથી હોતા. રૅશનાલીઝમ એટલે તો વીવેકબુદ્ધીવાદ, જ્યારે સ્તાલીન કે માઓનાં અનેક ઘોર દુષ્કૃત્યોમાં કોઈ વીવેકદૃષ્ટી, સારાસારનું, ઉચીત- અનુચીતનું ભાન વરતાતું નથી, હતું જ નહીં; કારણ એની પાછળ સામ્યવાદનું ઝનુન જ પ્રેરકબળ હતું. આ બાબતમાં બર્ટ્રાન્ડ રસેલે બહુ સચોટ તથા સત્યમુલક દલીલ કરી છે; તે કહે છે, સોવીયેત રશીયાએ પોતાને ત્યાંથી ચાલુ ધર્મને હાંકી કાઢ્યો, પરંતુ ત્યાં જ આજે સામ્યવાદ એક નવો ધર્મ બની ગયો છે ! આમ, સ્તાલીન-માઓનાં હત્યારા ઝનુનને ‘ધાર્મીક ઝનુન’ જ લેખાવી શકય. એની સાથે રૅશનાલીઝમને કોઈ જ સંબંધ નથી.
ખરેખર તો, આવી વાહીયાત, અતાર્કીક દલીલોથી કશું જ સીદ્ધ થતું નથી, સીવાય કે ભોળા અને અજ્ઞાન જનોને છેતરી શકાય છે, જે આસ્તીકોનો માનભર્યો ધંધો છે. બાકી કોઈ પણ ઝનુની સરમુખત્યારના રાજકીય-વૈચારીક હત્યાકાંડમાં આસ્તીકતા-નાસ્તીકતાનો મુદ્દો લેશમાત્ર સંડોવાયલો હોતો જ નથી: જેમ કે નાસ્તીક એવા સ્તાલીન-માઓએ કત્લ-એ-આમ ચલાવી, તો એ જ રીતે પાકા ઈશ્વરપરસ્ત આસ્તીક માંધાતાઓએ પણ એવી જ ઘોર માનવ કતલ ચલાવી છે. દા.ત. નાદીરશાહે જ્યારે દીલ્હીમાં ક્ત્લ-એ-આમ ફરમાવી, ત્યારે તે પાક મુસલમાન જ હતો. હીટલર પણ ખ્રીસ્તી ધર્મમાં માનનાર આસ્તીક એવો હત્યારો સરમુખત્યાર હતો; જેણે લાખો યહુદીઓને ભાજીમુળાની જેમ વાઢી નાંખ્યા… ઈસ્વીસનની શરુઆતની સદીઓમાં ભારતવર્ષમાં બૌદ્ધોની કતલ કરવાની એક મોટી ઝુંબેશ (ધર્મયુદ્ધ) આદરવામાં આવેલી. સનાતની આર્ય બ્રાહ્મણ ધર્મે, બૌદ્ધોને મારી મારીને યા મારી નાખીને ભારતમાંથી ભગાડ્યા, સદંતર કાઢ્યા. સમ્રાટ અશોક પછી થયેલા શૈવધર્મી રાજા પુષ્યમીત્ર શુંગે (યા અન્ય કોઈ એવા રાજવીએ) એવી ઘોષણા કરેલી કે, એક બૌદ્ધ સાધુનું કાપેલું મસ્તક લઈને દરબારમાં આવનારને સો સોનામહોરોનું ઈનામ આપવામાં આવશે… આ રીતે તથા અન્યથા દસ હજાર બૌદ્ધ સાધુઓની કતલ કરવામાં આવી.
એક મીત્રે વળી ભગવાન ઈસુના પ્રેમધર્મનો મહીમા, ધર્મની મહત્ત્તા, ગુણવત્ત્તા અને આવશ્યક્તારુપે ટાંક્યો. ત્યારે મંડળીમાંથી અન્ય એક રૅશનાલીસ્ટ મીત્રે ઈતીહાસ ટાંકતા જણાવ્યું કે, 18મી-19મી સદીમાં એકલા યુરોપમાં જ, એક-એક લાખ સ્ત્રીઓને ડાકણ ઠરાવીને ધર્મ-અદાલતે જીવતી સળગાવી દીધી હતી. એ ઉપરાંત, અમુક-તમુકના દેહમાં સેતાન પ્રવેશ્યો છે; જેથી તે ધર્મવીરોધી વાત કે વર્તાવ કરે છે; એવા આક્ષેપ સાથે એવા ‘પાપી’ પુરુષોને પણ જીવતા જલાવી દેવામાં આવતા. દા. ત. પૃથ્વી ગોળ છે અને સુર્ય ફરતે ફરે છે, એવું સત્ય પ્રતીપાદીત કરવા બદલ બ્રુનોને જીવતો સળગાવી માર્યો; જ્યારે ગેલેલીયો પર અમાનુષી જુલમ ગુજારવામાં આવ્યો. માટે જ જીવતી જલાવી દેવામાં આવેલી ફ્રાન્સની વીરાંગના જ્હોન ઓફ આર્કે અંતીમકાળે પોકારેલું કે, ‘હે પ્રભુ, આ બધું ક્યાં સુધી ?’ અમે રૅશનાલીસ્ટો પણ અહીં-ઉદગાર કાઢીએ છે કે ધર્મ અને ઈશ્વરને નામે આટઆટલા અત્યાચારો ક્યાં સુધી ? ભારત દેશના તો વળી ધર્મને નામે જ ભાગલા પડ્યા અને ત્યારે ઈતીહાસમાં અભુતપુર્વ એવાં કત્લેઆમ તથા અત્યાચારો ગુજર્યાં… અને આજનો આ આતંકવાદ પણ વળી શું છે ?
રૅશનાલીસ્ટ વ્યક્તી પ્રેમભાવ વીહોણી, લાગણીશુન્ય હોય છે, એવો પણ એક કુપ્રચાર બદઈરાદાથી જોરદાર ચલાવાય છે. હકીકતે તો, રૅશનાલીઝમનો પ્રધાન ગુણધર્મ જ માનવતા છે, એટલે તમામ માનવીય સંવેદનોનું એમાં સ્વીકૃત સ્થાન છે જ. પરીણામે આસ્તીકોની જેમ જ, રૅશનાલીસ્ટોમાં પણ પ્રકૃતી વૈવીધ્ય, સ્વભાવભેદ સ્વાભાવીક જ પ્રવર્તે: કોઈ લાગણીભીનો, ઋજુ હૃદયનો કોમળ જન હોય, તો બીજો વળી કઠોર, મક્કમ, મજબુત મનનો રૅશનાલીસ્ટ પણ હોઈ શકે, ઈત્યાદી. સાવ અક્કલ વીનાની વાત તો એક સભ્યે એવી કરી કે, રૅશનાલીસ્ટ પોતાનાં સંતાન પ્રતી વાત્સલ્ય-પ્રેમ પુરો દર્શાવી શકે, સેવી શકે?
અરે, પ્યારા મીત્ર, જનનીનાં પ્રેમ-લાગણી એ તો પ્રાણી માત્રમાં નૈસર્ગીક વૃત્ત્તીભાવ છે. એમાં વળી શ્રદ્ધા ક્યાંથી આવી ? સ્થળ-સંકોચવશ ચર્ચા નથી કરતો, પણ વાત્સલ્ય, સ્નેહ તથા લાગણીથી સંતાનો માટે મરી ફીટવા તત્પર એવી રૅશનાલીસ્ટ માતાની હું તમને રુબરુ મુલાકાત કરાવી શકું, મારું ભાવભીનું નીમંત્રણ છે ! એ જ રીતે, દુર કે જુદાં વસતાં સંતાનોનો નામોચ્ચાર માત્ર કાને પડતાં જ જેની આંખો પ્રેમાશ્રુથી ઉભરાઈ જાય છે, અને જેણે સંતાનોના હીત ખાતર સ્વેચ્છાએ જ ચુપચાપ અનેકવીધ ભોગ આપ્યા છે અને હસતે મોંએ મુશ્કેલીઓ વેઠી છે; એવા એક રૅશનાલીસ્ટ વૃદ્ધની મુલાકાત પણ હું તમને કરાવી શકું, તો આવજો !
ભરતવાક્ય:
No comments:
Post a Comment