અમારા એક લેખક મિત્રની અખબારી કૉલમનું શીર્ષક હતું ‘એ જોઈને મારી આંખ ઠરી’ જીવનની ધન્યતાનો અનુભવ કરાવનારા પ્રસંગો એમાં નોંધાતા. એમને અમે પૂછ્યું કે ક્યા પ્રસંગે તમને ધન્યતાનો સૌથી વિશેષ અનુભવ કરાવ્યો ? એમણે કહ્યું કે એક ઝૂંપડપટ્ટીમાં એકબીજાના હાથ પકડીને કૂંડાળે વળીને મોજથી ગીત ગાતાં બાળકો જોઈને મારી આંખ સૌથી વિશેષ ઠરી. એક નગરની શાળાની મુલાકાત વેળા આ લખનારને કાંઈક આવો જ પ્રશ્ન કરવામાં આવેલો : ‘તમને જે જોઈને સૌથી વધુ પ્રસન્નતા થઈ હોય એની વાત કરો. જવાબમાં મેં જણાવેલું કે જ્યારે જ્યારે હું મેલાંઘેલાં લૂગડાં પહેરેલાં, ઉઘાડપગાં, જીંથરકાં માથાંવાળાં બાળકોને, જર્જરિત થેલીઓમાં ભણતરનાં ‘દફતર’ ઉપાડીને ઉમંગભેર નિશાળે જતાં જોઉં છું ત્યારે સૌથી વધારે પ્રસન્નતા અનુભવું છું. કેટલાક લોકોને કોઈ ધર્મસ્થાન જોઈને, કેટલાકને પ્રાકૃતિક સૌન્દર્યસ્થાન જોઈને, કેટલાકને કોઈક અભિનેત્રીને જોઈને પ્રસન્નતાનો અનુભવ થાય છે. મને ગરીબ બાળકોને એક યા બીજી રીતે વિકાસને પંથે જતાં જોઈને આનંદ મળે છે.
આ ઉપરોક્ત ભૂમિકારૂપ ફકરો વિખ્યાત પત્રકાર લેખક દોમિનિક લાપિયરના એક અવતરણને વધાવવા માટે લખ્યો છે. ફ્રાન્સમાં જન્મેલા અને અમેરિકામાં ભણેલા દોમિનિક લાપિયર આ વર્ષે એંશીના થઈ રહ્યા છે અને એમનું નવું પુસ્તક ‘ઈન્ડિયા માય લવ’ (ભારત – મારા પ્રેમનું પાત્ર) પ્રગટ થઈ રહ્યું છે. પોતાના મિત્ર લારી કૉલીન્સના સહયોગમાં ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ (અર્ધી રાતે આઝાદી), ‘ઈઝ પૅરિસ બર્નિંગ ?’ (પૅરિસ સળગવા લાગ્યું ?) વગેરે પુસ્તકો લખનાર લાપિયર ભારતના પ્રેમી છે અને કલકત્તા વિષે ‘સિટી ઑફ જૉય’ (આનંદનું નગર) જેવું વિખ્યાત પુસ્તક એમણે લખ્યું છે. એમના નવા પુસ્તક ‘ઈન્ડિયા માય લવ’ નિમિત્તે સાપ્તાહિક ‘ધી વીક’ વતી રવિ બૅનરજીએ લાપિયરનો ઈન્ટરવ્યૂ લીધો એમાં એક પ્રશ્ન આમ હતો : ‘ઈન્ડિયા માય લવ’ લખતાં પહેલાં તમને કોઈ ખાસ અનુભવ થયેલો ખરો ?
લાપિયરનો ઉત્તર :
‘એક બપોરે એવું બન્યું કે હું બંગાળના ડાંગરના એક ખેતર પાસે હતો અને એના સાંકડા શેઢા પર એક નાનકડી છોકરી ડગુમગુ ચાલી રહી હતી. એને ખભે પુસ્તકો ભરેલી ભારેખમ થેલી હતી. એ નિશાળેથી નીકળીને દૂરને ઘેર પાછી જઈ રહી હતી. એણે કદાચ આગલી રાતથી કશું ખાધું નહોતું. એના થાકેલા અને ઝાંખા ચહેરા પરથી મને એવું લાગ્યું. મને જોઈને એણે મધુર સ્મિત કર્યું અને ઉત્સાહી સલામ કરી. હું દ્રવી ઊઠ્યો અને જલદી જલદી ગજવાં ફંફોસવા લાગ્યો. મારે એને કશુંક આપવું હતું. ગજવામાં ફક્ત એક બિસ્કિટ હતું. તે મેં એની સામે ધર્યું. એણે એટલા અહોભાવથી આભારસૂચક નમન કર્યું જાણે મેં એના હાથમાં ચંદ્ર મૂકી દીધો હોય. એ ચાલી અને દૂર સુધી હું એને જોતો રહ્યો. થોડી મિનિટો પછી મેં જોયું કે એક દૂબળો મડદાલ કૂતરો એની સામે આવી ગયો છે. નાનકડી છોકરીએ પેલા બિસ્કિટના બે ટુકડા કર્યા અને એક ભાગ કૂતરાને આપ્યો. હું મુગ્ધ બનીને જોઈ જ રહ્યો. ભારતે (ભારતની આ નાનકડી બાળાએ) મને મારી જિંદગીનો શ્રેષ્ઠ પાઠ ભણાવ્યો હતો – વહેંચીને ખાવાનો પાઠ.’
(‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)
No comments:
Post a Comment