આમ,શાણો માણસ હમેશાં પત્નીની પસંદગીની બાબતમાં સભાન રહેતો હોય છે અને તેની પહેલી પસંદગી પહેલી અને આખરી રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે બધો જ સમય એ શક્ય નથી હોતું કે તે તેણીનાં ગુણ કે ચારિત્ર્યનાં બધાં જ પાસાંને દુકાનદારને ત્યાંથી ખરીદવામાં આવતી વસ્તુની જેમ અવલોકી શકે. નજીવી ખૂટતી બાબતોને પછીથી ઓપ આપી શકાય કે પછી સમાધાન પણ કરી શકાય.
લગ્ન પછી, નેકટાઈ કે બૂટની જેમ, પત્નીને બદલી નાખવાનું કામ તો એ જ માણસ કરી શકે કે જે સ્ત્રીના મરતબાનું મૂલ્ય આંકી નથી શકતો. માતા, બહેન, પત્ની અને પુત્રી જે તે પ્રકારના સંબંધોથી જોડાયા પ્રમાણે સ્ત્રીનાં જ ચાર સ્વરૂપ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે જ્યારે હમેશાં પત્નીની જ ટીકાટિપ્પણી કરવામાં આવતી હોય છે, ત્યારે બાકીનાં તમામને જેવાં હોય તેવાં નિભાવી કે સ્વીકારી લેવામાં આવતાં હોય છે. પત્નીને કુટુંબમાં આયાતી જણસ તરીકે ગણવામાં આવતી હોય છે અને બાકીનાંઓનો પક્ષ લેવામાં આવતો હોય છે અને તેમને પોતીકાં ગણવામાં આવતાં હોય છે. આવી માનસિકતા એ પત્ની પરત્વેનું પક્ષપાતી વલણ કહેવાય અને આવા જ સંજોગોમાં લગ્નજીવન નિષ્ફળતામાં પરિણમતું હોય છે અને છેવટે છૂટાછેડા જેવી દુઃખદ પરિસ્થિતી ઉત્પન્ન થતી હોય છે. કેટલાક સંવેદનશીલ અને ન્યાયી સંજોગોમાં રાજ્ય અને ધર્મના કાયદાઓમાં છૂટાછેડાની જોગવાઈ હોય છે ખરી,પણ અલ્લાહ (ઈશ્વર) તેને પસંદ નથી કરતો. અન્યાયી રીતે આપવા કે લેવામાં આવતા છૂટાછેડા એ ધાર્મિક અને સામાજિક રીતે ગુનો છે અને છૂટાછેડા પ્રાપ્ત કરનાર પાત્રને માટે આજીવન ત્રાસરૂપ નીવડે છે.
લગ્ન એ પ્રાણી વડે ચાલતા ગાડા કે વાહન જેવું છે. પતિ અને પત્ની ઉભય તેને હાંકવા માટે જોતરાય છે. તેઓ જો પરસ્પર સમજદારી, સહકાર અને એકસૂત્રતાથી જોડાય તો જિંદગીની સફર સફળતાપૂર્વક પાર પડી શકે. પણ આપણે જગત આખાયમાં અને જુદાજુદા સમુદાયોમાં જોઈ શકીએ છીએ કે મોટા ભાગે અને હમેશાં લગ્નજીવન આદર્શ જોવા મળતાં નથી.
આ બાબત માટે આપણે એક સરસ મજાનું અવતરણ જોઈએ કે જે આપણને લગ્નજીવનની ફલશ્રુતિ સમજાવશે, જે આ પ્રમાણે છે:” થોડાક જ કિસ્સાઓમાં લગ્ન ઈનામ કે પુરસ્કારરૂપ હોય છે, કેટલાકમાં લગ્નજીવન આશ્ચર્યજનક રીતે પસાર થઈ જતું જોવા મળે છે; પરંતુ ઘણા બધામાં તો લગ્નજીવન નિરાશાજનક અને સજારૂપ હોય છે.” અહીં ‘થોડાક’, ‘કેટલાક’ અને ‘ઘણાબધા’ શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે. હવે એ બાબત આપણા ઉપર આધારિત છે કે આપણે કયા વર્ગ કે સમુદાયમાં આપણું સ્થાન ગોઠવવા માગીએ છીએ.
હજુ, મારા બ્લોગનો વિષય કેટલાક પ્રશ્નો સાથે ચાલુ રહે છે, જેના જવાબોની હું કોઈ અપેક્ષા રાખતો નથી; હા, તેના ઉપર મારા વાચકો ગંભીરતાપૂર્વક જરૂર વિચારણા કરે ! મારા પ્રશ્નો આ પ્રમાણે છે: શું આ બધી જવાબદારીઓ સ્ત્રીઓને પણ લાગુ ન પડે, જ્યારે કે કેટલાક પશ્ચિમના કે પશ્ચિમ જેવી વિચારસરણી ધરાવતા લોકો સ્ત્રી-પુરુષના સમાન અધિકારોમાં માને છે ? એવા બિચારા પુરુષોનું શું કે જેઓ સ્ત્રીઓ દ્વારા ઉગામાયેલ છૂટાછેડાના હથિયારનો ભોગ બનીને દુખમય કૌટુંબિક જીવન વ્યતીત કરતા હોય ? એ સ્વમાન અને મરતબાનું શું કે પોતે પતિ હોય કે પત્ની,પણ છૂટાછેડા પછી કાયદા વડે પ્રાપ્ય ભરણપોષણ મેળવતાં હોય ? નિર્દોષ અસરગ્રસ્ત બાળકોનું શું ? તેમના ભવિષ્ય કે તેમના માનસિક સંતાપોનું શું ?
શાંતિમય સમાજની સ્થાપના માટે કુટુંબો શાંતિમય હોવાં જોઈશે. ગૃહ અદાલતો ઘટાડવા માટે ગૃહ માર્ગદર્શન કેન્દ્રો વધારવાં પડશે. દુનિયાના ઘણા દેશોના સમજદાર લોકો વર્તમાન પરિસ્થિતિમાં ફેરફાર ઇચ્છે છે કારણ કે દિનપ્રતિદિન પરિસ્થિતિ કથળતી જાય છે. પણ બિલાડીની કોટે ઘંટડી કોણ બાંધે ?
આગળ વધુ કોઈક અજ્ઞાત લેખકનું ગુજરાતી અખબારમાં આવેલું અવતરણ વાંચો કે જે વ્યક્તિગત રીતે દરેકને પરોક્ષ માર્ગદર્શન પૂરું પાડશે કે કેવી રીતે શાપિત શબ્દ “છૂટાછેડા” ઉપર વિજયી થઈ શકાય. તેના શબ્દો આ પ્રમાણે છે:” જ્યારે હું વીસ વર્ષનો હતો, ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક કહેતો કે હું આખી દુનિયાને બદલી નાખીશ.પરંતુ, ધીમે ધીમે તે મને મુશ્કેલ લાગવા માંડ્યું.પછી હું ત્રીશ વર્ષની ઉંમરે પહોંચ્યો અને મારા લક્ષાંકને બદલીને દુનિયામાંથી મારા દેશ અને આસપાસના સમાજ પૂરતો સીમિત કરી નાખ્યો. પણ અફસોસ ! હું નિષ્ફળ પુરવાર થયો. આજે હું મરણ પથારીએ છું અને મને પહેલી જ વાર એ સનાતન સત્યની પ્રતીતિ થાય છે કે હકીકતમાં પહેલાં મારે મારી જાતને જ પહેલેથી બદલવી જોઈતી હતી અને તો જ હું મારી ઈચ્છા મુજબ આખી દુનિયાને બદલી શક્યો હોત !”
અહીં મારી બ્લોગ પોસ્ટના સમાપન પહેલાં, હું મને પોતાને ‘પ્રેમલગ્ન’ વિષેના એક વધુ અને આખરી કથનને રજૂ કરતાં નથી રોકી શકતો. તે આ મુજબ છે:” પ્રેમલગ્ન આકર્ષણથી શરૂ થાય છે, (કદાચ) મોટા ભાગે નિરાશામાંથી પસાર થાય છે અને છેવટે જુદાઈમાં અંત પામે છે.”
મારા ભલા વાચકો, આપનું દાંપત્યજીવન અર્થસભર, ફળદાયી અને પરોપકારમય નીવડે તેવી શુભ કામના સાથે આટલેથી વિરમું છું
સલામસહ,
વલીભાઈ મુસા
ટીપ: લગ્ન પહેલાં થેલેસેમીઆ, હેપીટાઈટીસ બી, એચઆઇવી વગેરે જેવા જરૂરી ટેસ્ટ કરાવી લેવા હિતાવહ છે કે જેથી પરિણીત યુગલ કે ભાવી સંતતિની તંદુરસ્તીને કોઈ હાનિ ન પહોંચે. પાણી પહેલાં પાળ બંધાય તો સારું.
No comments:
Post a Comment