Pages

Tuesday, May 8, 2012

જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ – એષા દાદાવાળા

[ કાવ્ય અને લેખનક્ષેત્રે યુવાસર્જક એષાબેનનું નામ જાણીતું છે. તેમનો પ્રસ્તુત લેખ શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘જીવને મને શું શીખવ્યું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.સૌજન્ય : રીડ ગુજરાતી ]
ત્યારે હું લગભગ વીસ વર્ષની હતી. જિંદગી એક બહુ મોટી ઈમોશનલ ક્રાઈસિસમાંથી પસાર થતી હતી. હાથમાંથી સરી જતી રેતીને પકડી રાખવા માટે મુઠ્ઠીને ગમે એટલી સજ્જડ વાળી રાખો, રેતી હાથમાંથી સરી જ જાય છે એવી ત્યારે ખબર નહોતી. આંગળીઓમાંથી ઘણું બધું છૂટી રહ્યું હતું અને મન સ્તબ્ધ થઈ ગયું હતું…. એ ક્રાઈસિસમાં ટકી જવા માટે કરેલા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યાં સુધીમાં તો બાકોરું પડી ગયું હતું… આરપાર જોઈ શકાય એવું મોટું બાકોરું. એ વખતે માએ માથે હાથ મૂકીને સમજાવેલું – શાંત રહે, જે થાય એ બધું સારા માટે જ થતું હોય છે…. માનું આ વાક્ય ત્યારે ઍસિડ બનીને મનને દઝાડતું હતું, કારણ કે જે કંઈ બની રહ્યું હતું, બધું મન વિરુદ્ધનું હતું….. પણ એ પછી તો જિંદગી જ ધીમે ધીમે સમજાવતી ગઈ કે મા સાચી હતી…. જે કંઈ પણ થઈ ગયું એ બધું સારા માટે જ !!

એ સમયે એક વાત એવી સમજાઈ કે સત્ય તમારા પક્ષે હોવા છતાં કોઈક વાર સંજોગો સામે તમારે ઘૂંટણ ટેકવવા જ પડે છે. મારે પણ એમ જ કરવું પડેલું. પીઠ ઉપર પડેલા ઘા જોઈ ન શકાય પણ એ પીડા તો આપે જ અને ઊભી થયેલી એ પીડા જ તમને ચોક્કસ ઉપચાર સુધી લઈ જાય. આજે પાછળ વળીને કોઈ ત્રીજા માણસની નજરે આ આખી ઘટના જોઉં છું ત્યારે એટલું તો ચોક્કસ જ સમજાય છે કે એ સમયે કદાચ સંજોગો ખોટા હતા, પણ હું તો સાચી જ હતી !

આજે આ આખી ઘટનાને પાંચ કરતાં વધારે વર્ષો થઈ ગયાં છે અને વીતી ગયેલાં આ વર્ષોમાં મને જિંદગીએ ઘણું શીખવી દીધું છે. હું મારી જાત સાથે પહેલાં કરતાં ઘણી વધારે સ્પષ્ટ થઈ શકી છું. હાથથી કશું પણ છૂટી જાય છે ત્યારે પહેલાં જેટલી તકલીફ હવે નથી થતી, કારણ કે એવું સમજી ગઈ છું કે જે મારા હિસ્સાનું હશે એ મને જ મળવાનું છે. હું 26 વર્ષની છું અને 26 વર્ષ એવી કોઈ ખાસ ઉંમર પણ ના કહેવાય, ખરી જિંદગી તો કદાચ હવે શરૂ થઈ છે. પણ વીતી ગયેલાં આ 26  વર્ષ મારાં માટે ખાસ છે. વીતી ગયેલાં આ 26 વર્ષમાં મેં મારો રસ્તો મારી જાતે બનાવ્યો છે. એ રસ્તા પર ચાલતાં ચાલતાં કેટલીય વાર પડી છું, વાગ્યું છે, ઘણી વાર લાંબા થયેલા હાથમાં મારો હાથ મૂકીને ઊભી થઈ છું તો ઘણી વાર મારા હાથનો ટેકો લઈને જાતે જ ઊભી થઈ છું. એક વાર પડી ગયા પછી જાતે ઊભા થવાની પ્રોસિજર પણ મજાની હોય છે. આ પ્રોસિજર હવે શું નથી કરવાનું એ શીખવતી જાય છે. અને આટલાં વર્ષોમાં હું એવું ચોક્કસ જ સમજી શકી છું કે શું કરવાનું છે એ વાતમાં તો સ્પષ્ટતા જરૂરી છે જ પણ શું નથી કરવાનું એ વિશેની સ્પષ્ટતા વધારે જરૂરી છે, અને હું સ્પષ્ટ છું, મારે શું નથી કરવાનું એ વિશે.


હું પાંચમા ધોરણમાં હતી અને વિજ્ઞાનમેળાની એક વક્તૃત્વ સ્પર્ધામાં મારે બોલવા જવાનું હતું. મારી સાથે મારી સિનિયર પણ એ જ સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી. સ્પર્ધાના સ્થળે ગયા પછી ખબર પડી કે સ્પર્ધાના નિયમ પ્રમાણે હું અને મારી સિનિયર – અમે બેમાંથી કોઈ એક જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકીએ. ટીચરે બે ચિઠ્ઠી બનાવી કહ્યું કે ચિઠ્ઠી ઉપાડીએ અને જેનું નામ નીકળે એ સ્પર્ધામાં ભાગ લેશે. મેં ચિઠ્ઠી ઉપાડી એમાં મારું નામ નહોતું. મારી સિનિયરે એ સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાર બાદ ટીચરે ભૂલથી પેલી બેઉ ચિઠ્ઠી મારા હાથમાં મૂકી દીધી. મેં ચિઠ્ઠી ખોલી, તો બેઉ ચિઠ્ઠીમાં મારી સિનિયરનું જ નામ લખેલું હતું. મેં ટીચરના હાથમાં એ બેઉ ચિઠ્ઠી મૂકી તો એમણે કહ્યું, ‘સૉરી બેટા, ક્યારેક ક્યારેક આવું પણ કરવું પડે….’ અને હું બહુ રડેલી. દસ વર્ષની ઉંમરે મારી જ સ્કૂલે મને શીખવી દીધેલું કે બીજા દસ-પંદર વર્ષ પછી – બહારની દુનિયામાં આવું જ બધું થવાનું છે. આજે મારી પ્રૉફેશનલ દુનિયામાં આવું બને છે ત્યારે સાવ ઠંડા દિમાગે જરાયે રડયા કકળ્યા વગર હું એ પરિસ્થિતિમાંથી બહાર આવી જાઉં છું અને ત્યારે પેલા સાયન્સ ટીચરને મનોમન થેંક્સ કહી દઉં છું.

કોઈની પાસે કશું પણ માગવું મને ક્યારેય ગમ્યું નથી. આ અણગમો મને જિંદગીએ આપ્યો છે અને જિંદગીએ આપેલા આ અણગમા સામે હું બહુ ખુશ છું, કારણ કે આ અણગમાએ મને એટલી ખાતરી ચોક્કસ જ આપી છે કે મારી પાસે જે કશું પણ હશે બધું મારી મહેનતનું – મેં મેળવેલું હશે. નાનપણથી હું થોડી જિદ્દી છું, જે ધારું છું અથવા તો જે ઈચ્છું છું એ કરીને રહું છું. મેં જે ઈચ્છયું એ બધું જ મા-પપ્પાએ હંમેશાં સ્વીકારી લીધું છે. બારમાની બૉર્ડની એકઝામના આગલા દિવસે અકાદમીની સ્પર્ધામાં નાટક પર્ફોર્મન્સ કરવા ગયેલી અને બંનેએ વાંધો લીધો નહોતો. બ્રાઈટ ઍકૅડેમિક કૅરિયર છોડીને ગમતી લાઈનમાં એડમિશન લીધું ત્યારે પણ બેઉ જણ કશું નહોતાં બોલ્યાં. એમણે નહીં ઈચ્છેલા નિર્ણયો લીધા ત્યારે પણ એમણે મને સપૉર્ટ જ કર્યો છે…. આજે જાતે કમાયેલા પૈસાથી મા કે પપ્પાને કશું ગિફટ કરું છું કે ઘર માટે કશું લઈ જાઉં છું ત્યારે એમની દીકરી માટે એમના ચહેરા પરનો આનંદ મને અજીબ સંતોષ આપી જાય છે. મા પાસેથી જિંદગીએ ઊભા કરી આપેલા સંજોગો સામે ઝઝૂમતાં શીખી છું તો પપ્પા પાસેથી કશી પણ ફરિયાદ વગર જિંદગીએ ઊભા કરી આપેલા સંજોગોને સ્વીકારી લેતાં શીખી છું. આગળ મૂકેલો પગ ફરી પાછો પાછળ મૂકવો પડે એવી પરિસ્થિતિમાં જિંદગી મૂકી આપે ત્યારે આગળ મૂકેલા પગને જમીનથી અધ્ધર કરી ત્યાં પડેલાં આપણાં ફૂટપ્રિન્ટ્સ ભૂંસી નાખી, પછી કશુંય બોલ્યા વગર પગ પાછળ લઈ લેવાનો – આવું જિંદગી પાસેથી શીખી છું. પરિપક્વતા મારા હિસ્સે થોડી વહેલી આવી છે પણ જ્યાં મને એવું લાગે કે મારે મારી જાતને પ્રોટેક્ટ કરવાની જરૂર નથી ત્યાં હું સાવ નાની થઈ જાઉં છું.

મને સંબંધોએ પણ ઘણું શિખવાડ્યું છે. પહેલાં હું એવું માનતી કે સામેવાળા પર એક વાર વિશ્વાસ મૂકી દો પછી આપણા એ વિશ્વાસને સાચવવાની જવાબદારી એની થઈ જાય છે. હવે એવું માનતી નથી. ઑબ્ઝર્વેશન મને ગમે છે. અઘરી પરિસ્થિતિમાં માણસ કેવું રિઍક્ટ કરે છે એ પરથી એનું આખું વ્યક્તિત્વ સમજી શકાય છે. મને માણસોનાં મન વાંચવાં ગમે છે. બીજાની જિંદગી પરથી મારે મારી જિંદગીમાં શું નથી કરવાનું અથવા તો શું નથી થવા દેવાનું એવું શીખી લેતી હોઉં છું….. પહેલાં હતી એવી હું નથી. મનથી ઘણી સ્થિર થઈ છું. નાનીમોટી કોઈ પણ વાતમાં બહુ સમજી-વિચારીને રિઍક્ટ કરતાં શીખી ગઈ છું. કશું નહીં બોલીને પણ માત્ર વર્તન દ્વારા જ ઘણા બધા મુદ્દાઓ રજૂ કરી શકાય છે એવું મિત્રો પાસેથી શીખી છું. જોકે સંબંધો અને લાગણીઓની બાબતમાં પહેલાં હતી એના કરતાં વધારે પ્રામાણિક થઈ છું. હવે હું એવું શીખી છું કે જ્યારે સાચું બોલી શકાય એવું ના હોય ત્યારે જુઠ્ઠું પણ ના બોલવું જોઈએ. ડૉ. મુકુલ ચોકસી પાસેથી પ્રત્યેક સંબંધની પૉઝિટિવ બાજુ જોતાં શીખી છું. મુકુલમામાને હંમેશાં પ્રત્યેક માટે પૉઝિટિવ જોયા છે. આપણા પોતાના પર્સનલ બાયસને બાજુ પર મૂકીને ચાલીએ તો સંબંધોને સાચવવા પડતા નથી એવું એ માને છે અને એ જ રીતે વર્તે પણ છે. જોકે એમને ક્યારેય કોઈ માટે બાયસ હશે કે કેમ એવો સવાલ મને એકલીને નહીં ઘણાને થયો જ હશે.

જિંદગીએ જ્યારે જ્યારે અણગમતા નિર્ણયો લેવડાવ્યા છે ત્યારે હંમેશાં તકલીફ થઈ છે. આવું મારા પક્ષે જ કેમ ? એવા પ્રશ્નો પણ થયા છે. પણ, સામી બાજુએ ઈચ્છા બહારનું સુખ – જિંદગીએ જ્યારે મારા ખોળામાં ભરી આપ્યું છે ત્યારે પેલી બધી જ તકલીફો ભુલાઈ ગઈ છે. જિવાય ગયેલાં પચીસ વર્ષોમાં જિંદગીએ – સંજોગોએ મને જે કંઈ પણ શિખવાડ્યું છે એમાંની ત્રણ વાતમાં હવે મને સૌથી વધારે શ્રદ્ધા છે…. એક, જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ… બીજું, જે કંઈ પણ આપણા હિસ્સે લખાયું હોય એ બધું આપણને મળે જ છે અને ત્રીજું, જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે લડી લેવાનું, ન્યાય વહેલોમોટો આપણા પક્ષે જ આવે છે.

અગિયારમા ધોરણમાં સાયન્સ લાઈન નહીં લઈને ગમતી લાઈનમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો એ દાદાને બહુ ગમ્યું નહોતું. એ વખતે મેં દાદાને પ્રૉમિસ આપેલું, ‘જિંદગીમાં જે કશું પણ કરીશ શ્રેષ્ઠ જ કરીશ.’ એ પછી શીખતી ગઈ, ભૂલો કરતી ગઈ – શીખતી ગઈ અને આજે નક્કી કરેલા મુકામો સુધી પહોંચી છું ત્યારે દાદા નથી. પણ લર્નિંગની આ પ્રૉસેસમાં જિંદગીએ વાસ્તવિકતાને સ્વીકારી લેવાનું શીખવી દીધું. દાદાની ગેરહાજરીની વાસ્તવિકતા મેં સ્વીકારી લીધી ત્યારે જિંદગી પાસેથી એક નવી સમજણ મળી : ‘જે થવાનું હોય એ થઈને જ રહે છે !!’

No comments:

Post a Comment