Pages

Friday, May 4, 2012

જસ્ટ લવ ઈટ

સન્ડે રણકાર - સંજય વિ. શાહ

ઘરથી સ્ટેશન બે કિલોમીટર દૂર હોય તો હવે માણસ ચાલતો જાય છે કે? નથી જતો. ઓલમોસ્ટ નથી જતો. પણ એ માણસને જ વૈષ્ણોદેવી મોકલી દો તો તળેટીથી શિખર પગે પગે જાય છે કે નથી જતો? જાય છે, ઓલમોસ્ટ જાય જ છે. બહુ વિચિત્ર વાત નથી? બસની લાઈનમાં ઊભવાનો કંટાળો (ઘણાને શરમ પણ) આવે પણ લગ્નના રિસેપ્શનમાં એ લોકો જ સખણા ઊભા રહે છે કે નથી રહેતા? અંદરખાને થતું એડજસ્ટમેન્ટ એટલે બધા હાહાકાર, બધી હાડમારી કે બધી ખુશીનું હેડક્વોર્ટર. બાળકને જુઓ. એના જેટલી સહજતાથી કોઈ એડજસ્ટમેન્ટ કરી જ શકતું નથી. ખાલી પેટે રડી રડીને હોકો ચૂસીને બાળક જ તૃપ્ત થઈ શકે છે ને? પણ મોટાઓને ભરેલા પેટે, કસાયેલા શરીરે ભેંકડા તાણવામાંથી ફુરસદ જ મળતી નથી. રિઝલ્ટ શું આવે છે એનું? તમામ સુખ-સાહ્યબી, સાધન-સામગ્રી પછી પણ મોઢા પર એક જ ગીત, ‘ઈસ શહર મેં હર શખ્સ પરેશાન સા કયૂં હૈ...’’

માગ્યું મળે તો માણું એવી લવારાબાજી જરા બંધ થાય હવે, પ્લીઝ? જિંદગી સૌને લક્ઝરી ક્રુઝ જેવી ખપે છે પણ મોટે ભાગે તો સૌને તરાપો જ નસીબ થાય છે. તરાપો માણવો નથી એટલે સફર ઝુરાપો થાય છે. જેમ જેમ મોટા થવાય છે તેમ માંહ્યલો વધારે ઘવાય છે, ‘આ રહી ગયું, પેલું નહીં મળ્યું...’ અરે ચૂપ. પિનડ્રોપ સાઈલન્સ કરી નાખો હવે. એન્ડ જસ્ટ એન્જોય.

મંદ મંદ વાતા પવનના મ્યુઝિક જેવી છે આ મથામણ. આવડત હશે તો એને માણી શકાય. આવડત ઊભી કરો યાર. જેવી છે તેવી જિંદગી માટે કોઈક કહેશે જસ્ટ લિવ ઈટ, આપણે તો કહેવું લવ ઈટ. આ ચહેરો વણમાગ્યો મળ્યો તોય વહાલો થયો. જિંદગીમાં તો કેટલાયે ફેરફાર ઈચ્છાએ, ગડબડે, ભૂલથી કે લોચાથી થયા, પણ બધું કર્યું છે જાતે. એનો જશ્ન જો મનાવી શકાય તો અને માત્ર તો, આગળ જતાં વધારે સારું ને ઓછું ખરાબ થાય, કારણ કે પથારી કાંટાળી મળે તોય ઊંઘ તો વટવાળી માણવી જ પડે છે. જે માણી શકે છે એની સવાર જ તાજીમાજી પડે છે. ટ્રાય ઈટ.

No comments:

Post a Comment