Pages

Thursday, May 10, 2012

જાડા કપડાં – પ્રો. ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર


કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહાન વિદ્વાન અને રાજા સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળના ગુરુ હતા. પોતે સાધુ હોવાથી તે વિવિધ સ્થળોએ ફરતા ને લોકોને ધર્મનો ઉપદેશ આપતા. રાજાના ગુરુ હોવાથી એમનો સમગ્ર રાજ્યમાં ઘણો આદર હતો અને ઠેર ઠેર તેમને ભાવભીનો આવકાર મળતો હતો.
એકવાર સૌરાષ્ટ્રમાં એક ગામમાં તેમનું સ્વાગત ગોઠવાયું હતું ને પ્રજાજનો તેમને જાતજાતની ચીજો ભેટ રૂપે આપી રહ્યા હતા. તેમાં એક ગરીબ ખેડૂત પોતાના ભક્તિભાવથી તેમને ભેટ આપવા માટે એક કપડું લઈ આવેલો એ ભેટ તરીકે આચાર્યશ્રીને આપીને તેણે કહ્યું, ‘મહારાજ ! મારી આ ગરીબની નાનીશી ભેટ સ્વીકારો : આપને માટે ખાસ સૂતર કાંતીને આ કપડું તૈયાર કરેલું છે તે આપને ભેટમાં આપવા ઈચ્છું છું.’ આચાર્યશ્રી એ ખેડૂતની ભેટનું એ જાડું ને ખરબચડું કપડું જોયુંને વિચારમાં પડી ગયા. પણ બીજી જ પળે તેમણે પહેરેલું, રાજ્ય તરફથી મળેલું, મુલાયમ રેશમી વસ્ત્ર બાજુએ મૂકી દઈને ખેડૂતનું ખરબચડું જાડું વસ્ત્ર અંગીકાર કરી લીધું અને આખા પરિભ્રમણ દરમ્યાન એ પહેરેલું જ રાખીને રાજધાની પાટણમાં પાછા ફર્યા.
એ વખતે રાજા કુમારપાળ એમના સ્વાગત માટે દોડી આવ્યા અને એમને પગે પડીને બોલ્યા :
‘મહારાજ, તમે મારા અપમાનરૂપ આ ખરબચડું વસ્ત્ર શા માટે પહેર્યું છે; એ ઉતારી નાખો, શું ગુજરાતના રાજાને ત્યાં અમૂલ્ય રેશમી વસ્ત્રની ખોટ છે ને શું તે ભિખારી થઈ ગયો છે કે તમે આવાં જાડાં ખરબચડાં વસ્ત્ર પહેરીને ફરો છો ?’
એ સાંભળીને હેમચંદ્રાચાર્ય બોલ્યા : ‘મહારાજ, તમને આ જાડાં કપડાં અપમાનરૂપ લાગતાં હોય તો એક નહિ પણ લાખો અપમાન લાગવાં જોઈએ, કેમકે તમારા ઘણા પ્રજાજનો આવાં જ વસ્ત્રો પહેરે છે. એમને આવાં ખરબચડાં જાડાં વસ્ત્રોને બદલે સુંદર, શોભતાં વસ્ત્રો પહેરાવવાની તમારી ફરજ છે. તેમના રાજા તરીકે ફરજ તમે અદા કરો. એ બધાં જ્યારે સુંદર કપડાં પહેરશે ત્યારે જ તમારું અપમાન ટળશે અને જ્યાં સુધી એ નહિ બને ત્યાં સુધી હું આ જાડાં કપડાં જ પહેર્યા કરીશ.’ આચાર્યશ્રીની આવી પ્રજાવત્સલ ઉમદા લાગણી જોઈને રાજા કુમારપાળ આનંદ પામી નતમસ્તક થઈ ગયા. અને તરત જ આચાર્યશ્રીની ઈચ્છા મુજબ પ્રજાજનોને ઉમદા વસ્ત્રો પહોંચાડ્યાં.
નોંધ : સોનિયા ગાંધી,શરદ પવાર, લલ્લુપ્રસાદ યાદવ, ચિદમ્બરમ તથા તેમના જેવા અન્ય 
રાજકરણીઓને  સમર્પિત    
(‘અખંડ આનંદ’માંથી સાભાર.)

No comments:

Post a Comment