Pages

Thursday, May 24, 2012

અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા



પશ્ચીમના વીકસીત દેશો વૈજ્ઞાનીક શોધખોળો અને ટૅકનોલોજીનો ઉપયોગ કરી, માનવજીવનને વધારે સુખસગવડભર્યું બનાવે એવાં જીવનોપયોગી સાધનોનું સંશોધન કરી રહ્યા છે; જ્યારે આપણે એકવીસમી સદીમાં પણ મંત્ર–તંત્ર, ભુત–પ્રેત, હોમ–હવન અને મીથ્યા કર્મકાંડોમાં આપણો સમય, શક્તી, બુદ્ધી અને નાણાં બધું જ બરબાદ કરી રહ્યા છીએ.

 

પશ્ચીમના દેશો રોજ નવાં ‘યંત્રો’ બજારમાં મુકે છે અને આપણે રોજ નવાં ‘મંત્રો’ બજારમાં મુકીએ છીએ ! આપણે ત્યાં વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, કમળો ઉતારવાનો મંત્ર, મરડ–મોચ ઉતારવાનો મંત્ર, સફળ થવાનો મંત્ર, વશીકરણનો મંત્ર, વરસાદ લાવવાનો મંત્ર, ગૃહશાંતી સ્થાપવાનો મંત્ર, પનોતી ટાળવાનો મંત્ર, સંતાન પ્રાપ્તી માટેનો મંત્ર, માણસનો કોઈ પણ રોગ મટાડી દેવાનો મંત્ર અને માણસને પતાવી દેવા સુધીનો મંત્ર પણ મળી રહે છે !

 

કોઈ ડૉક્ટર આપણા શરીરમાંથી બગડી ગયેલ કીડની કાઢી નાખે ત્યારે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ બાવો તેના હાથમાંથી કંકુ કે ભસ્મ કાઢે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! મોબાઈલ ફોનનું એક બટન દબાવી અમેરીકામાં રહેતા આપણા સ્વજન સાથે આપણે વાત કરી શકીએ છીએ તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ પાખંડી અતીન્દ્રીય(ટેલીપથી) સંદેશા દ્વારા વાત કર્યાનો દંભ કરે ત્યારે એ આપણને ચમત્કાર લાગે છે ! કોઈ ઓર્થોપેડીક સર્જન આપણાં ભાગી ગયેલાં હાડકાંને જોડી આપણને દોડતાં કરી આપે ત્યારે તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ તાંત્રીક અભીમંત્રીત દોરો બાંધીને આપણને સાજા કરવાનો મીથ્યા પ્રચાર કરે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! કમળાની રસી શોધનાર વીજ્ઞાની આપણને ચમત્કારીક માણસ નથી લાગતો; કમળો મટાડવા માટે મંત્રેલા દાળીયા આપનારો ઢોંગી આપણને ચમત્કારીક માણસ લાગે છે !

 

આજે વૈજ્ઞાનીક યુગમાં પણ ચમત્કાર, પરકાયા પ્રવેશ, ડાકણ અને મેલીવીદ્યાના નામે હજારો માણસોનુ માનસીક, શારીરીક અને આર્થીક શોષણ થતું રહે છે. કુળદેવીને રીઝવવાના નામે કેટલાંયે પશુઓ અને કુમળાં બાળકોના બલી ચડાવી દેવામાં આવે છે. વળગાડ, પ્રેતાત્મા અને ડાકણના નામે આપણા દેશમાં કેટલીય સ્ત્રીઓના ભોગ લેવામાં આવ્યા છે. દુનીયામાં ‘વળગાડ’ નામની કોઈ ચીજ જ અસ્તીતવમાં નથી; વળગાડ માત્ર એક માનસીક બીમારી છે. જગતમાંથી દુર કરવા જેવો કોઈ ‘વળગાડ‘ હોય તો એ ‘અંધશ્રદ્ધા’નો વળગાડ છે. ભારતમાં અને જગતમાં આજે પણ હજારો ભુતીયાં મકાનો ઉભાં છે જ્યાં કોઈ રહેતું નથી. ડૉ. અબ્રાહમ કોવુરે ૫૫ વર્ષ સુધી અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ગહન અધ્યયન કર્યું અને તેઓ દીવસો સુધી ભુતીયાં મકાનોમાં રહ્યા છે. ડૉ. કોવુરે પોતાની જીન્દગીભરના અભ્યાસ પછી જાહેર કર્યું છે કે, ‘ભુતીયાં મકાનો અને ઉપદ્રવી  આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’ 


‘ડુમ્મસનો સોની પરીવાર તાંત્રીકના રવાડે’ શીર્ષક હેઠળ અખબારોમાં ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. સોની પરીવાર પોતાને ત્યાં વારંવાર બની રહેલ ચોરીના બનાવોથી વ્યથીત હતો. પોતાની આ ચાલતી ‘પનોતી’ દુર કરવા તેમણે તાંત્રીક હનુમાનદાસ તીવારીનો આશરો લીધો હતો. ‘ઘરમાં એક હાડકું દટાયેલું છે તે દુર કરવાની વીધી કરવાથી પનોતી ટળી જશે’, એવું તાંત્રીકે આશ્વાસન સોનીપરીવારને આપ્યું હતું. પડોશમાં રહેતા નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળક રવીને બોલાવી, તેના પર કંઈક વીધી કરી, ઘરમાં ખોદેલા ખાડામાં રવીને ઉતારવામાં આવ્યો. ‘હાડકું ક્યાં દટાયું છે ?’ એવા પ્રશ્નો રવીને પુછવામાં આવ્યા. પડોશમાં જ રહેતી રવીની માતાને પોતાના દીકરા પર કંઈક તાંત્રીક વીધી થઈ રહ્યો છે એવી જાણ થતાં તે ઘટના સ્થળે દોડી આવ્યાં. પોતાના દીકરા રવીને ઉંડા ખાડામાં જોઈ, ‘રવીનો બલી ચડાવાઈ રહ્યો છે’ એવી તેની માતાએ બુમો પાડતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે તાંત્રીકે આ પનોતી નીવારણનો વીધી કરવા માટે સોનીપરીવાર પાસેથી ૫૦૦૦ રુપીયા એડવાન્સ લીધી હતા. બલીની વાતમાં તથ્ય હતું કે નહીં એ તો પોલીસ તપાસનો વીષય છે. રવી તો નહીં; પણ તેના ૫૦૦૦ રુપીયા બલી ચડયા એ વાત પાકી ! સુરત–ઉમરા પોલીસે આ તાંત્રીક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વીધી દ્વારા બીજાની આફત નીવારવા નીકળેલો તાંત્રીક પોતે જ આફતમાં આવી ગયો ! મને ઘણીવાર લાગે છે કે, કેટલાક માણસો પોતાની તીજોરી ખુલ્લી રાખે છે અને પોતાનું દીમાગ સાવ બંધ રાખે છે !

 

જાત–ભાતના તાંત્રીકો, પાખંડીઓ, ઢોંગીઓ અને તકસાધુઓ ધર્મના ઓઠા હેઠળ ફુટી નીકળ્યા છે ! કોઈ મંત્રેલું પાણી આપે છે, કોઈ મંત્રેલો પ્રસાદ આપે છે, કોઈ મંત્રેલું માંદળીયું કે તાવીજ આપે છે, તો કોઈ વળી ભભુતી આપે છે ! દોરા–ધાગા અને મંત્ર–તંત્રાદી કરવામાં કેટલાંયે બીમાર બાળકોને સમયસર દાક્તરી સારવાર નહીં મળવાના કારણે આ દેશમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

 

ગામડાંઓમાં આપણે જોયું છે, ભુવાઓ બીમાર માણસ કે ઢોરને સાજા કરવા માટેના ‘દોરા’ કરે છે ! કોઈ પણ દુખાવામાં કામ આપે એવા મલ્ટીપરપઝ દોરા આપણે ત્યાં મળે છે ! અરે, ભેંસ દોહવા ન દેતી હોય તો તેનો પણ દોરો મળે અને દુધ વધારે આપે એના માટે પણ દોરો મળે !

 

મંત્ર–તંત્રથી જો માણસને સાજો કરી શકાતો હોત તો, આપણા દેશમા તો એટલા બધા મંત્રનીષ્ણાતો છે કે બધાં દવાખાનાંને તાળાં જ મારવાં પડે ! કોઈ આરોપીને પોતાની ધરપકડ થશે એવો ડર લાગે તો તે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે છે, એવી રીતે કોઈ માણસને બીમાર પડી જવાનો ભય લાગે તો આગોતરા મંત્રોચ્ચાર પણ કરાવી શકે ! સદાય નીરોગી રહેવાનો કેટલો આસાન ઈલાજ ! મીત્રો, દોરા–ધાગા માત્ર એવા રોગોમાં જ કામ કરતા હોય છે જે રોગો સમય જતાં આપોઆપ મટી જતા હોય છે.

 

કોઈ માણસને બંદુકની ગોળી વાગી હોય ત્યારે દોરો બંધાવવા જાય છે ખરો ? અકસ્માતમાં ખોપરી ફાટી જાય અને લોહીની શેડો ફુટતી હોય ત્યારે કોઈને કદી દોરો યાદ આવ્યો છે ખરો ? હાર્ટએટેક આવે ત્યારે માણસ કોઈ તાંત્રીક પાસે પહોંચવાને બદલે કેમ સીધો જ કાર્ડીયાક હૉસ્પીટલમાં પહોંચી જાય છે ? માથું દુખે ત્યારે માણસને દોરો યાદ આવે છે; પરતું માથું ફુટે ત્યારે કોઈને દોરો યાદ નથી આવતો !

 

મેં ગામડાંમાં ભુવાઓને ડાકલાં કરતા અને ધતીંગ કરતા પણ જોયા છે. કલાકો સુધી પોતાની પીઠ પાછળ લોખંડની સાંકળ વીંઝતા પણ જોયા છે સાંકળપ્રુફ હોવાનો દાવો કરનાર કોઈ પણ ભુવો પાંચ મીનીટ માટે એ સાંકળ સુરતની સત્યશોધક સભાના માજી–ઉપપ્રમુખ અને ૨૦૧૦ના વર્ષના ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક વીજેતા’ શ્રી. મધુભાઈ કાકડીયાના હાથમાં આપે અને પછી જીવી બતાવે તો એ ખરો ભુવો !

 

આપણે સૌએ ગામમાં કહેવાતી તાંત્રીક વીદ્યા અને મંત્રશક્તી ધરાવતા ભુવાઓનાં ઘર પણ જોયાં છે. મીત્રો, જે ભુવા પાસે ઘરનું નળીયું બદલવાની શક્તી ન હોય; જે ભુવા પાસે બીજી જોડી કપડાં લેવાની શક્તી ન હોય; જે ભુવા પાસે પોતાનાં સંતાનોને સાત ચોપડી ભણાવવાની શક્તી ન હોય અને જે ભુવા પાસે પોતાની ઉંમરલાયક દીકરીને પરણાવવા માટેની શક્તી ન હોય એ ભુવા પાસે બીજી તો કઈ શક્તી હોય ?

 

હોમ–હવન અને યજ્ઞોમાં પણ આપણે આપણાં કીમતી દ્રવ્યો બરબાદ કરી રહ્યા છીએ. હવન કરવાથી ન તો આપણે દુષ્કાળને ટાળી શક્યા છીએ કે ન તો વીશ્વશાંતીની સ્થાપના કરી શક્યા છીએ. જો યંજ્ઞો કે મંત્રોચ્ચારથી વરસાદ થતો હોત તો આપણે ત્યાં તો એટલા બધા યજ્ઞો થાય છે કે અતીવૃષ્ટીથી હોનારત થવી જોઈએ ! જે દેશ મંત્રોચ્ચારથી સતત ગુંજતો રહેતો હોય એ દેશની પ્રજાને તો લીલાલહેર ન હોય ? મીત્રો, મહેનત વગર માત્ર મંત્રોચ્ચારથી કશું પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ જ ખરો જીવનમંત્ર છે.

 

આપણે જંગલોને આડેધડ કાપી નાખ્યાં, પર્યાવરણને મનફાવે તેમ બગાડ્યું અને પાણીનો તો અપરાધની કક્ષાએ બેફામ વેડફાટ કર્યો છે. ઈઝરાયલે રણને જંગલમાં ફેરવ્યું; આપણે જંગલને રણમાં ફેરવી રહ્યા છીએ ! જ્યાં સખત મહેનત, વીવેક અને આયોજનની જરુર હોય ત્યાં મંત્રોચ્ચાર, યજ્ઞો કે હોમ–હવન કરવા બેસી જઈએ તો આપણો કદી પણ ઉદ્ધાર સંભવ ખરો ?

 

મંત્ર–તંત્ર અને ચમત્કારની વાતો સાચી હોત તો આપણો દેશ આજે આટલો દુઃખી અને પછાત કેમ છે ? દુનીયામાં સૌથી વધુ સંખ્યામાં ચમત્કારીઓ આપણા દેશમાં વસે અને છતાં આપણે આટલા ગરીબ, પીડાગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત ! ઢોંગીઓ અભીમંત્રીત જળ આપવાને બદલે, પાણીના અછતગ્રસ્ત વીસ્તારમાં ડોલ ભરીને પીવાનું શુદ્ધ પાણી આપશે તો પણ થોડાક તરસ્યા માનવીઓની તરસ મટશે. હવામાંથી બીનજરુરી કંકુ કે ભસ્મ કાઢવાને બદલે મુઠી અનાજ કાઢશે તો પણ એક ભુખ્યા માણસનું પેટ ભરાશે.

 

સંસારમાં રહેલા કપટી, પાખંડી અને ઢોંગી ધુતારાઓએ સદીઓથી સમાજમાં રહેલી પ્રજાની અજ્ઞાનતા અને નીર્બળતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. પ્રત્યેક કાળમાં સમાજમાં રહેલા નીષ્ઠાવાન આગેવાનોએ, સમાજસેવકોએ અને પ્રગતીશીલ વીચારકોએ પ્રજાને આ ષડ્યંત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર એવું બન્યું છે કે ‘પ્રગતીશીલ વીચારકો’ કરતાં ‘પ્રગતીશીલ પાખંડી’ઓ સમાજમાં ઉંચો માનમોભો ધરાવતા હોય છે. આમ બને ત્યારે તંદુરસ્ત સમાજના નીર્માણની આશા વધારે ધુંધળી બને છે.

 

એક દીવસ આપણી અજ્ઞાનતા ટળે અને લેભાગુઓને પોતાનો ધંધો સમેટવાની અને બદલવાની ફરજ પડે એવા દીવસોની મને પ્રતીક્ષા છે….


પ્રસાદ

‘જે પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી તે ઠગ છે, જેનામાં ચમત્કાર ચકાસવાની હીંમત નથી તે ભોટ છે અને જે ચકાસણી વગર જ તેને માનવા તૈયાર થાય છે તે મુર્ખ છે.’

ડૉ. અબ્રાહમ કોવુર


લેખક–શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા

અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર


No comments:

Post a Comment