Pages

Friday, May 18, 2012

નેતાઓની નીષ્ક્રીયતા વચ્ચે ઉદ્ ભવેલું અન્ધશ્રદ્ધાનું અભ્યારણ્ય

      સમાજમાં બહુધા એવું જોવા મળે છે કે એક છત તળે રહેતા વૃદ્ધો અને યુવાનો વચ્ચે મોટો જનરેશનગેપ રહેતો હોય છે. વૃદ્ધોને જલારામબાપાની કૅસેટ સાંભળવી ગમે છે. યુવાનો માઈકલ જૅક્સનનું પોપમ્યુઝીક સાંભળે છે. યુવાનો ક્યારેક વૃદ્ધોને પીત્ઝા કે બર્ગર ખવડાવે છે; પણ તેમને પાલકના પુડામાં જે મઝા આવે છે તે પીત્ઝામાં નથી આવતી. (બર્ગર–બગરુવાળો રોટલો તેમને વધુ ભાવે છે) બે પેઢી વચ્ચેનું અંતર છેક કૃષ્ણ અને યશોદાના જમાનાથી ચાલ્યું આવે છે. કૃષ્ણ માખણ ખાતા. આજે કૉલેજ–કનૈયાઓના મુખમાં માખણ નહીં; માણેકચંદ હોય છે. કૃષ્ણ ગોપીઓની માત્ર મટકી ફોડતા. આજે યુવાનો ગર્લફ્રેન્ડના ચક્કરમાં માથાં ફોડે છે. તેઓ છોકરીને કૉલેજમાંથી ક્લબમાં લઈ જાય છે, દારુ પાય છે અને શીયળ લુંટીને જ નથી અટકતા; તેની વીડીયો ક્લીપીંગ ઉતારીને મોબાઈલ પર ફરતી કરે છે. કૃષ્ણે કાળીનાગને બાહુબળથી નાથ્યો હતો. આજે યુવાનો બાપના પૈસે પેપરસેટરને નાથે છે. કૃષ્ણના જમાનામાં ટાઈ–ડે નહોતો ઉજવાતો– ગુરુકુળમાં અહર્નીશ જ્ઞાનદીન ઉજવાતો. આજે ‘સારી–ડે’… ‘રોઝ–ડે’… ‘જીન્સ–ડે’… વગેરે ઉજવાય છે. બધું જ બદલાઈ ગયું છે; પણ  ગમે કે ન ગમે તોય સમયનાં પરીવર્તનોને સૌએ સ્વીકારવાં પડે છે.
     નવી પેઢી કેવાં કપડાં પહેરે, કેવી હેરસ્ટાઈલ રાખે અથવા કઈ હૉટલમાં જમે તેની ચીન્તા વૃદ્ધોએ કરવી જોઈએ નહીં.  એમાં એટલું ઉમેરવું છે કે ભલે થોડું બદલાયું હોય પણ સરવાળે તો યુવાપેઢીનું સંસ્કારી સ્વરુપ જ સમાજને પણ સ્વીકાર્ય હોય છે. હું ઘડપણમાં મને મળતા દાળ–રોટી સાથે જ નીસબત રાખું અને મારા દીકરાની અંગત જીવનશૈલી કે દીનચર્યામાં માથું ન મારું ત્યાં સુધી તો ઠીક છે; પરન્તુ ધારો કે દીકરો ડ્રગ્સનો ધંધો કરતો હોય, આતંકવાદીઓ, સ્મગલરો કે ગેંગસ્ટરો સાથે મળેલો હોય અને ખુનખરાબા જેવી બીજી અનેક ગુનાઈત પ્રવૃત્તી કરતો હોય તો મારે તેનો જરુર વીરોધ કરવો જોઈએ. તે ભલે મને સોનાના પાટલે બેસાડીને ચાંદીની થાળીમાં જમાડતો હોય; પણ મારા ભાણામાં પીરસાતી પ્રત્યેક રોટલી અસામાજીક ધંધો કરીને મેળવાતી હોય તો મારે ચુપ ન બેસવું જોઈએ. જો હું એમ કહીને હાથ ઉંચા કરી દઉં કે ‘દીકરો જુવાન થયો છે. એણે કેમ જીવવું તે એની અંગત બાબત છે. મારાથી તેમાં માથુ ન મરાય…’ તો એ બહુ મોટો વડીલદ્રોહ ગણાય.
      દોસ્તો, વર્ષોથી આપણા નેતાઓ લોકોને ‘માઈબાપ’ ગણતા રહ્યા છે; પણ તેઓ ખુદ બગડેલા દીકરા જેવી ભુમીકા ભજવતા આવ્યા છે. એ સંજોગોમાં ‘માઈબાપ’ની એ ફરજ છે કે દીકરાઓના કાન આમળી તેમને પાછા વાળવા. આપણા નેતાઓ અનીતી આચરવાની કે ભ્રષ્ટાચાર કરવાની એકે તક છોડતા નથી; પરન્તુ તે સર્વમાં એક અક્ષમ્ય ભુલ એ છે કે તેઓ ઘોર અન્ધશ્રદ્ધામાં રાચતી આપણી પ્રજાની અબૌદ્ધીક જીવનશૈલીને એમ કહીને નજરઅંદાજ કરે છે કે ‘ધર્મ અને શ્રદ્ધા એ પ્રજાનો અંગત વીષય છે. એમાં રાજકારણની ડખલ ઉચીત નથી.’ નેતાઓના એવા સ્વાર્થી પલાયનવાદને કારણે ગુજરાતમાં તરેહતરેહની અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો પ્રવર્તે છે. અન્ધશ્રદ્ધા એક ઉદ્યોગ બની ગઈ છે. હા, કોણે કયો ધર્મ પાળવો અથવા ઈશ્વરમાં માનવું કે નહીં, તે જરુર અંગત બાબત ગણાય; પણ સમાજમાં ચોમેર અન્ધશ્રદ્ધાઓનું સામ્રાજ્ય છવાયેલું છે તેનું શું ?. નેતાઓના નાક નીચે એ બધું બેરોકટોક ચાલે છે; પણ તેઓ એ અનીષ્ટો તરફ આંખ આડા કાન કરે છે. એ લાપરવાહી ખાસ્સી ગુનાઈત છે. લોકોનું બૌદ્ધીક સ્તર જેટલું નીચું કે અવીકસીત રહેશે, તેટલો રાષ્ટ્રનો વીકાસ ઓછો થશે. ભગતભુવા, મેલીવીદ્યા, જ્યોતીષ કે ભુતપ્રેત જેવા વહેમને કારણે માણસની નજર હમ્મેશાં સીન્દુરીયા રંગે રંગાયેલા પથરા પર જ મંડાયેલી રહે છે.
      એક નજર આપણી અન્ધશ્રદ્ધાઓની અનુક્રમણીકા પર કરી લઈએ. હૉસ્પીટલો કે ડૉક્ટરોના ક્લીનીકની બારસાખે લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે. તાન્ત્રીકો મૃતાત્માઓ સાથે વાતો કરવાનો ને કરાવી આપવાનો દાવો કરે છે. કેટલાક માનસીક રોગો એવા હોય છે કે તેમાં માણસ ગાંડા જેવી વીચીત્ર હરકતો કરે છે. સાઈકીયાટ્રીસ્ટોની સારવારથી એવા રોગો સાજા થઈ શકે છે; પણ તેને પ્રેતાત્માનો વળગાડ સમજી લોકો કેવા કેવા તમાશા કરે છે તે તો જુઓ ! દરદીને પીર કે દરગાહે લઈ જઈને સાંકળથી મારવામાં આવે છે. જુતાં બોળેલું પાણી પીવડાવવામાં આવે છે. દેહ પર ડામ મુકવામાં આવે છે. દરદીના મોંમા મળ સુધ્ધાં મુકવામાં આવે છે. ગામડાઓમાં સગો દીકરો માને ડાકણ સમજી મારી નાખે છે. મેલી વીદ્યા હાંસલ કરવા દેવને બલી ચઢાવવા સગો બાપ દીકરાનું માથુ કાપી નાખે છે.
     કમળો ઉંજાવવાથી સાજો થઈ શકે એવી વ્યાપક માન્યતા ફેલાયેલી છે. ગામડામાં સાપ કરડે ત્યારે માણસને હૉસ્પીટલને બદલે ભગત પાસે લઈ જનારાઓની સંખ્યા મોટી છે. કમ્પ્યુટરથી જ્યોતીષ જોઈ આપનારાઓનો ધંધો ધમધોકાર ચાલે છે. માનેલી માનતા પુરી કરવા લોકો ઉંધા પગે પાવાગઢ જાય છે. વચ્ચે વળી મોટા પાયા પર એવી અફવા આવી હતી કે બહેને બાંધેલી રાખડી ભાઈ છોડીને ફેંકી નહીં દે તો તેનું મૃત્યુ થશે.
      યાદ કરો કેટલાંક વર્ષો પર ગણેશજીએ દુધ પીધું હતું. લોકો નાનાં છોકરાંઓનાં મોઢાંમાંથી  દુધની બાટલી છીનવી ગણેશજીના મન્દીરે દોડતા હતા ત્યારે અમારા બચુભાઈ બધાને ગાજીબજાવીને કહેતા હતા કે, ‘પથ્થરની મુર્તીમાં કેશાકર્ષણ થવાથી તેમાં દુધ શોષાઈ જાય છે. તમારામાં તાકાત હોય તો ચાંદીની કે પીત્તળની મુર્તીને દુધ પાઈ બતાવો ?’ પણ કોણ સાંભળે ? વચ્ચે શંકરની મુર્તી આપમેળે ખસ્યાની વાત આવી હતી. કોઈ ઠેકાણે વળી ભેંસને બાળકી જનમ્યાની વાત વહેતી થઈ હતી. હનુમાનજીની આંખોમાંથી આંસુઓ ટપકતા હોવાનું પણ સાંભળવા મળેલું. આરતી ટાણે મન્દીરમાં ઝુમ્મર હાલ્યાની વાત તો ખાસ્સી ચગી હતી. આજે પણ છાસવારે છાપાંઓમાં છપાય છે : ‘વેંગણમાં ‘ૐ’ દેખાયો અથવા શંકરજીના મન્દીરમાં નાગસાપ દેખાયો’ અને આખું ગામ હાથમાં પુજાની થાળી લઈને દોડ્યું ! વાસ્તુશાસ્ત્રના નામે લોકોનાં ઘરો તોડાવવાનો વ્યવસ્થીત વેપાર ચાલે છે. કથા, યજ્ઞો કે ગણેશોત્સવની ઉજવણી માટે ગામડામાં યુવાનોનું મોટું ટોળું બીલબુક છપાવીને રસ્તે જતાં લોકોને આંતરીને નાણાં ઉધરાવે છે. અમદાવાદમાં આષાઢી બીજને દીવસે નીકળતી પ્રચંડ રથયાત્રામાં દર વર્ષે થોડાક લોકો ભાગદોડમાં કચડાઈ મરે છે. તે ઉઘાડે છોગે થતાં મરણની સરકારને ચીન્તા નથી અને ફરજીયાત હેલ્મેટ પહેરવાનો કાયદો ઠોકી બેસાડી સરકારે ગત વર્ષ પુરા બે કરોડથીય વધુ દંડ વસુલ કર્યો. બોલો, સરકાર પાસે છે કોઈ જવાબ ? (સરકારનો અધોષીત જવાબ કંઈક એવો હોઈ શકે: ‘અમે અહીં દેશની પ્રજાને સુધારવા થોડા બેઠા છીએ ? પ્રજા સુધરી જશે તો અમારી ચામડી ઉતરી જશે…! અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે પ્રજા ધર્મ, શ્રદ્ધા કે ભક્તીના નામે અન્ધશ્રદ્ધામાં ચકચુર રહે અને અમારી તીજોરી તર થતી રહે !’)  

ધુપછાંવ

પ્રત્યેક નેતા ‘જયહીન્દ’… ‘ભારત માતાકી જે’…
‘જય જવાન જય કીસાન’… વગેરે બોલે છે
પણ તેમના દીલમાં અસલી નારો તો એક ગુંજે છે:
‘પ્રજા ભલે અન્ધશ્રદ્ધામાં રાચતી રહે…
અમારી ખુરશી હમ્મેશાં સચવાતી રહે… !’.

-દીનેશ પાંચાલ

અક્ષરાંકન:  ગોવીન્દ મારુ

No comments:

Post a Comment