ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે. એનો ખેદ વ્યક્ત કરીએ તો લોકો લખનારા પર ‘નાસ્તીક કે પાપી’ જેવાં વીશેષણો ઠોકી દે છે !
આ લખનારે ઘરમાં આજપર્યંત સત્યનારાયણની કથા, પુજા કે યજ્ઞો કરાવ્યાં નથી. ઉપવાસો કર્યાં નથી. રામકથા સાંભળી નથી. કાશી-મથુરા કે હરદ્વાર ગયો નથી. છતાં એકંદરે સુખી છું. બીજી તરફ જેઓ એ બધામાં રચ્યાપચ્યાં રહે છે, છતાં તરેહ તરેહનાં દુ:ખોમાં રીબાતાં જોવા મળે છે. એવી સેંકડો ઘટનાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યા પછી એવું સમજાય છે કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે – કર્મકાંડોમાં નથી. પણ જેમને એ માર્ગે પરમ શાંતી મળે છે, તેમનો મેં કદી વીરોધ કર્યો નથી. શક્ય છે ક્યાંક મારું તારણ ખોટું હોય… આપણી જાણ બહારનું કોઈ અકળ કારણ ભાગ ભજવતું હોય. સ્વ. કવી શ્રી રમેશ પારેખની પંક્તીમાં કહું તો- ‘એમ ના કહેવાય કે વરસાદ ના પડ્યો….. કહો કે આપણે ના પલળ્યાં…..!’
ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડમાં નવા તારા, નક્ષત્રો કે ગ્રહો શોધે છે. સ્વર્ગ-નર્કના ઈલાકા તેમના દુરબીનમાં ક્યાંય દેખાયાં નથી. ધર્મગુરુઓએ પઢાવેલા મોક્ષના પાઠ માણસને એવા કંઠસ્થ થઈ ગયા કે ગાય હતી જ નહીં અને માણસ જીવનભર ખાલી ખુંટાને ઘાસ નીરતો રહ્યો ! એક હાથમાં તપેલી અને બીજા હાથમાં ઘાસ….. દુધનું ટીપુંય મળતું નથી પણ કર્મકાંડો વગર માણસને ચાલતું નથી.
માણસને પણ ધર્મગુરુઓએ કેટલાક ખોટા જવાબો ગળથુથીમાં ઘુંટાવ્યા છે. દીકરો સમજણો થયા પછી સત્ય સમજી શકે; પણ માણસ ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર થાય તો પણ પેલાં ધાર્મીક અસત્યોને ફગાવવા તૈયાર નથી. કર્મકાંડોથી મુકદ્દર નથી બદલી શકાતાં. છતાં તે તરેહ તરેહના કર્મકાંડો કર્યે રાખે છે. લગ્ન ન થતાં હોય તો લોકો અખબારોમાં જાહેરાત આપવાને બદલે બ્રાહ્મણોને ખેરાત કરે છે. કોઈને બાળક ન થતાં હોય તો ગાયનેકોલૉજીસ્ટને બદલે પામીસ્ટને મળે છે. વરસાદ ન પડે (અથવા અમીતાભ બચ્ચન બીમાર પડે) તો આખો દેશ યજ્ઞો કે પુજાપાઠ કરાવે છે. ધંધો ના ચાલતો હોય તો ગુરુવાર કરે છે. એ યાદ રાખવું પડશે કે વ્રત કરો પણ જીભ પર ઈમાનદારીનું સત ના હોય તો મુશ્કેલી ઉભી થાય. કોઈ યુવાન ઉપવાસમાં એક ટાઈમ અન્નનો ત્યાગ કરે. પણ દીવસમાં ગુટકાની ચોવીસ પડીકી આરોગી જાય ત્યારે સમજવું કે એ અમૃત ત્યજીને ઝેર પીવાની ભુલ કરે છે. (ભુલ પણ કેવી…? અન્નનો અપરીગ્રહ અને વ્યસનનો વ્યાસંગ…!) મળસ્કે ઉઠીને અગીયાર વાર માળા ફેરવો પછી ગલ્લા પર બેસીને બાવીસ ગ્રાહકોને લુંટો તો બચી ન શકાય. આજનો કહેવાતો ધર્મ માણસને અનીતીથી બચાવે એવી ઢાલ બની રહેવાને બદલે પાપને પોષતી દીવાલ બની ગયો છે.
‘બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે.’ રોજ માળા કરો પણ વ્યવહારમાં કર્મ કાળાં કરો તો બચી ના શકો. કર્મકાંડોથી નહીં, (થઈ શકવાનું હોય તો) સદ્દકર્મોથી જ માણસનું કલ્યાણ થઈ શકે છે. સ્વર્ગ–નર્ક હોય કે ન હોય; પણ માનવતા અને સૌજન્યપુર્ણ વર્તાવ જેવું સ્વર્ગ બીજું એકે નથી. સુખી થવા માટે ધર્મગ્રંથો કરતાંય માણસનાં મન વાંચવાની વીશેષ જરુર છે. યાદ રહે સુખશાંતી મંદીરમાંથી નહી; મનમાંથી પ્રગટે છે. રોજ મળસ્કે ઉઠીને ગીતાના ચાર અધ્યાય વાંચતો માણસ કોકની મીલકત પચાવી પાડવા કાવાદાવા કરે તો કૃષ્ણ રાજી ન થાય બલકે હાલત કૌરવો જેવી થાય. કોક નાસ્તીક મંદીરે ન જાય પણ ઝુંપડપટ્ટીમાં જઈને ભુખ્યાં બાળકોને અન્ન કે વસ્ત્રો પુરાં પાડતો હોય તો સંભવત: ઈશ્વર એને ખુદ પુછે- ‘બતા તેરી રઝા ક્યા હૈ ?’
તાત્પર્ય એટલું જ – ધર્મ એટલે ઘીનો દીવો, અગરબત્ત્તી કે નારીયેળ નહીં. ધર્મ એટલે ફરજ, પ્રામાણીકતા, માનવતા, ઈમાનદારી અને દુ:ખીઓનાં આંસુ લુછવાની ભાવના. સ્વામી વીવેકાનંદે કહેલું- ‘ઈશ્વર સામે જોડાતા બે હાથ કરતાં દુ:ખીઓનાં આંસુ લુછવા આગળ વધતો એક હાથ વધુ ઉપયોગી છે !’ ખરી વાત એટલી જ, કોઈ પણ ધર્મ પાળો પણ માનવધર્મને અગ્રક્રમે રાખો. ધર્મને નામે અધર્મની આરતી ના ઉતારો. પથ્થરની મુર્તી સમક્ષ થાળ ભલે ધરો પણ ઝુંપડપટ્ટીનાં ભુખ્યાં બાળકોને પણ થોડું ભોજન આપો. શીવલીંગ પર દુધ રેડશો તો એ ગટરમાં ચાલ્યું જશે. ભુખ્યાઓનાં જઠરને શંકરનું લીંગ સમજીને એમાંનું અડધું દુધ એ સુકી ગટરમાં ઠાલવો. શંકરના આશીર્વાદ જરુર મળશે. શ્રદ્ધાથી મનને શાંતી મળતી હોય તો બેશક શ્રદ્ધાનું સ્થાન હાથરુમાલ જેવું છે. તે ગજવામાં શોભે-ખભે નહીં. માણસ મૈયતમાં ખભે ટુવાલ નાંખતો હોય છે. બુદ્ધીનું ઉઠમણું થાય ત્યારે તે અંધશ્રદ્ધાનો ટુવાલ ખભે નાખીને ફરે છે. આખું જીવન પાપ કરો પછી પાપ ધોવા ગંગામાં ડુબકી મારો ત્યારે ખીસ્સાનો રુમાલ ટુવાલ બની ખભે આવી પડે છે.
ઝાઝો હોબાળો કર્યા વીના થોડીક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે: (1) ભગત-ભુવાથી ભાગ્યના લેખ મટતા નથી. (2) સદ્ કર્મોથી જે કલ્યાણ થઈ શકે તે કર્મકાંડોથી નથી થતું. (3) પુજા– પાઠ કરાવવાથી સંતોનો પરીક્ષામાં પાસ થતાં નથી.
મોરારીબાપુની સલાહ કાનની બુટ ઝાલીને માનવી પડશે- ‘ઘરમાં ઉદ્ ભવેલી સમસ્યાનો ઉપાય હરદ્વારમાંથી ન મળે. એ તો ઘરમાં જ ઉકેલવી પડે ! (બચુભાઈ ઉમેરે છે- ‘માથાનો દુ:ખાવો પગના તળીયે બામ ઘસવાથી દુર ન થાય.) આગ પ્રવાહીથી હોલવી શકાય; પણ તે પેટ્રોલ હોય તો ન ચાલે. સંસારની સમસ્યાઓને વીવેકબુદ્ધીના પાણીથી હોલવી શકાય. અંધશ્રદ્ધાનું પેટ્રોલ છાંટશો તો ભડકા મોટા થશે. સગો પીતા દૈવીશક્તી પ્રાપ્ત કરવા માટે પોતાના દીકરાનો બલી ચઢાવે ત્યારે જે ભડકો થાય છે તેની જ્વાલાઓ પેપરના પાને પ્રગટી ઉઠે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવા ભડકા વીશેષ થાય છે. (હમણાં એવા સમાચાર મળ્યા કે સૌરાષ્ટ્રના કોઈ ગામમાં સગી માતાએ દીકરાનો બલી ચઢાવી દીધો.) એકવીસમી સદીમાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઉપગ્રહોની બોલબાલા ભેગી અંધશ્રદ્ધાઓની બલા પણ રેસમાં ઉતરી છે.
ચુંટણીમાં પંજો જીતે કે કમળ તેથી ખાસ નુકસાન નથી, પણ જીવન વ્યવહારમાં અંધશ્રદ્ધા બીનહરીફ ચુંટાતી આવી છે તે ઓછા દુ:ખની વાત નથી. ચાલો આપણે સૌ ભેગા મળી એવા પ્રયત્નો કરીએ કે વીવેકબુદ્ધીનો વીજય થાય અને અંધશ્રદ્ધાની ડીપોઝીટ ડુલ થાય.
જરા વીચારો તો ખરા કરોડો માણસોના હજારો ધર્મો અને સેંકડો ભગવાનો… દુ:ખ સૌનાં સરખાં… લોહી સૌનું સરખું… આંસુ અને આઘાતોમાં કોઈ ફેર નહીં… સૌના ભોગવટા, જીવનવટા અને સ્મશાનવટા સરખાં તો ધર્મવટા કે સંપ્રદાયવટા કેમ જુદા…? ઈન્સાન સૌ સરખા તો ભગવાન કેમ જુદા…? અંધશ્રદ્ધાળુઓનું તો સમજ્યા પણ શા માટે એક વકીલ કે ડૉક્ટરની કારમાં સ્ટીયરીંગ આગળના અરીસા પર લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે ? શીક્ષીત લોકો આ એકવીસમી સદીમાંય હજી અંધશ્રદ્ધામાં કેમ અટવાય છે ? સુરેશ દલાલે સાચી ફરીયાદ કરી છે- ‘ભણેલાં આટલાં અભણ કેમ ? – ચાલો વીચારીએ…..
-દીનેશ પાંચાલ
લેખકના અને ‘લાટસાહીત્ય’ના સૌજન્યથી સાભાર…
અક્ષરાંકન: –ગોવીન્દ મારુ
No comments:
Post a Comment