Pages

Tuesday, May 22, 2012

ભૌતીકવાદ – નૈતીકતા – અધ્યાત્મવાદ

‘માનવીને તેનું જીવન માત્ર એક જ વાર મળે છે - તો તેણે તેની જીન્દગી એવી રીતે જીવવી જોઈએ કે તે મરતાં મરતાં સંતોષપુર્વક કહી શકે કે ‘મેં મારું સમગ્ર જીવન ઉદાત્તમાં ઉદાત્ત ધ્યેય પાછળ ખર્ચ્યું છે – અને તે છે સમસ્ત માનવજાતની મુક્તી’
–લેનીન


લેનીન ભૌતીકવાદી હતો, નાસ્તીક હતો, નીરીશ્વરવાદી હતો અને છતાં તેણે દુનીયાનાં તમામ ભૌતીક સુખ અને સગવડને ત્યાગી માનવજાતની મુક્તી અર્થે તેનું સમગ્ર જીવન અર્પ્યું હતું. બુદ્ધ નાસ્તીક હતા, નીરીશ્વરવાદી હતા, આત્મા પરમાત્માની ફીલસુફીમાં માનતા નહોતા અને છતાં તેઓએ સમગ્ર જીવન સમર્પીત કર્યું.

ભૌતીકવાદી સંપુર્ણપણે નૈતીક હોય છે, હોઈ શકે છે. તેને નૈતીક મુલ્યોનાં આચરણ માટે સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય, આત્મા, પરમાત્મા, ધર્મ ઈત્યાદીનો આશરો લેવો પડતો નથી. તે નૈતીક મુલ્યોનું હાર્દ બુદ્ધીથી અને તર્કથી બરાબર સમજે છે અને તેથી તેના માટે નૈતીક આચરણ સહજ બની જાય છે.

ઈશ્વરવાદીઓ, આત્મા-પરમાત્મા અને પરલોકની ફીલસુફીમાં રાચનારાઓ અને ધર્મમાં શ્રદ્ધા ધરાવનારાઓ, કેવળ પોતાના જ આત્માના શ્રેય માટે મોટાભાગે સ્વકેન્દ્રી બની જાય છે. તેમને રહેવું છે આ લોકમાં, અને વાતો કરવી છે પરલોકની ! પરીણામે તેમના આચાર-વીચારમાં વીસંગતતા આવી જાય છે. તેમની આ વીસંગતતા નૈતીક મુલ્યોનાં આચરણમાં દંભના રુપે દેખા દે છે. ખાવું, પીવું ને પ્રસન્ન રહેવું એ આલોકવાદી માનવીની મુળભુત પ્રકૃતી છે. ભૌતીકવાદીઓ, માનવીની આ મુળભુત પ્રકૃતીનો સ્વીકાર કરે છે. તેનું અકુદરતી રીતે દમન કરતો નથી અને છતાં તે જ જીવનનું અંતીમ ધ્યેય છે એમ તે કદાપી માનતો નથી. તેનું અંતીમ ધ્યેય માનવજાતીની કષ્ટમુક્તી છે અને સર્વાંગી સુખાકારી જ છે. આ ધ્યેયની એરણ પર તેની દરેક પ્રવૃત્તી-ચીન્તનને તે વારંવાર ચકાસે છે. તેને તેની ખાવા-પીવા અને મોજ કરોની પ્રકૃતીને મારવા – મચકોડવાની આવશ્યક્તા રહેતી નથી. ઈશ્વરવાદીઓ, ધાર્મીક નેતાઓ, આધ્યાત્મવાદીઓ વગેરે માનવસહજ મુળભુત પ્રકૃતીથી પર તો નથી જ. તેઓ પણ આ પ્રકૃતીને સંપુર્ણપણે આધીન હોય છે. પણ તેમની પરલોકવાદી વીચારસરણી તેમને આ જીવનમાં તેમની આ મુળભુત પ્રકૃતીનો કુદરતી અને સહજ સ્વરુપે સ્વીકાર કરવામાં બાધારુપ બની જાય છે. પરીણામે મોટાભાગે તેઓ દંભનો આશરો લે છે. તેમની સ્વકેન્દ્રીય વીચારસરણીના પ્રતાપે તેઓ સમાજાભીમુખ નથી રહી શકતા. તેથી તેનો પડઘો તેમના દ્વારા રચાતા સાહીત્ય, સંગીત, કલા, સમાજશાસ્ત્ર, ફીલસુફી ઈત્યાદીમાં પડે છે.

સવાલ એ થાય છે કે ભૌતીકવાદ એટલે શું ? ‘ખાવું, પીવું અને મોજ કરવું’ એ ભૌતીકવાદ છે ? ના જી. ભૌતીકવાદ એટલે આ જગત જે છે તે સત્ય છે, મીથ્યા નથી – બલકે એ જ સત્ય છે. અને બ્રહ્મ મીથ્યા છે – એક કલ્પના માત્ર છે. આ જગત કોઈ પરમાત્મા – બ્રહ્માનું સર્જન નથી. ચાર્વાકની આવી ફીલસુફીએ તત્કાલીન વેદ, વેદાંત, ઉપનીષદની બ્રહ્મ, આત્મા, પરમાત્મા, ઈશ્વર, પુનર્જન્મ, પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક, જ્યોતીષની વીચારસરણીનું ખંડન કર્યું. ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીએ તત્કાલીન બ્રાહ્મણો, પુરોહીતો, ક્ષત્રીયોનાં સ્થાપીત હીતો પર સીધો ઘા કર્યો, જેના પ્રત્યાઘાત રુપે આ સ્થાપીત હીતોએ ચાર્વાકનાં પુસ્તકોનો નાશ કર્યો અને ‘ઋણ કરીને પણ ઘી પીઓ’ની ચાર્વાકની ઉક્તીનો મનઘડંત અર્થ તારવી ચાર્વાકની ફીલસુફીની ઠેકડી ઉડાડી.

જો આપણે ચાર્વાકની ફીલસુફી ‘ભૌતીકવાદ’નું યથાર્થ મુલ્યાંકન કરી તેને અનુસર્યા હોત, તો ભારત આજે જ્ઞાન-વીજ્ઞાન-ટેકનોલૉજીમાં મોખરે હોત; પણ ‘જગત મીથ્યા છે. બ્રહ્મ સત્ય છે’ એવી અવળી–ઉલટી ફીલસુફીથી આપણો સમાજ સ્થગીત થઈ ગયો – નીજકેન્દ્રી થઈ ગયો. પરદેશીઓનાં આક્રમણનો સફળતાપુર્વક સામનો આપણો સમાજ કરી શક્યો નહીં. આજના સંદર્ભમાં પણ ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફીની એટલી જ આવશ્યકતા છે. પરલોકની કલ્પના ત્યાગી, આજનું અહીંનું જીવન કેમ સ્વચ્છ, આરોગ્યપ્રદ, અભાવમુક્ત, સમરસ બને અને છેવાડાના માણસ સુધી સૌ સુવીધા અને સુખ સમાન રીતે પહોંચે તે જ આપણી નીસ્બત હોવી ઘટે. 
આપણે જો દુનીયાના વીકસીત દેશોની હરોળમા સ્વમાનભેર ઉભું રહેવું હોય તો ચાર્વાકની ભૌતીકવાદની ફીલસુફી આધારીત જ્ઞાન-વીજ્ઞાન અને ટેકનોલૉજીનો સમુચીત વીનીયોગ અત્યંત આવશ્ય છે, અનીવાર્ય છે.
– ગોવીન્દ મારુ – નવસારી

No comments:

Post a Comment