Pages

Thursday, March 29, 2012

કામ બોલે છે

ઘણા માણસો એવા જોવામાં આવે છે કે જેઓ કામ ઓછું કરતા હોય છે અને પોતે ઘણું કામ કરી રહ્યા છે એવી જાતનો ઢંઢેરો પીટતા જોવામાં આવે છે. આવી મનોવૃત્તિવાળા માણસો જીવનમાં જલદી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને એક ઠેકાણે કદી લાંબો સમય ટકી શકતા નથી. એમની ભાષાની ભભકથી અને ધાંધલિયા સ્વભાવથી થોડા વખત માટે એવી છાપ જરૂર પડે છે કે આ લોકો ખૂબ કામ કરી રહ્યા છે, પણ કાર્ય પછી ભલે ગમે એવું મોટું હોય કે નાનું, એ પરિણામ દર્શાવ્યા વિના રહેતું જ નથી. આવા માણસના પરિચયમાં આંકડા નજર સમક્ષ આવીને ઊભા રહે છે ત્યારે આપણને ભાન થાય છે કે ખોટી ધાંધલ એ કાર્ય નથી.
 
હાથમાં લીધેલું કાર્ય તો ત્યારે જ ખીલી ઊઠે છે કે જ્યારે માણસની વાણી મર્યાદિત બને છે અને શક્તિઓ બધી કામે લાગે છે. માણસ પોતે પોતાના કાર્ય વિષે બોલે એના કરતાં કાર્ય પોતે જ બોલી ઊઠે એમાં જ સિદ્ધિનાં દર્શન આપણને થાય છે. જે ખરેખર કાર્યકર્તા છે એ કદી પણ બહુ બોલતો નથી. અને બીજા લોકોને એમ કહેતો નથી કે આ બધું હું જ કરી રહ્યો છું અને મારે લીધે જ બધું ચાલે છે. કોઈ પણ વસ્તુના સર્જન વખતે શબ્દો હમેશાં મૌન ધારણ કરે છે. કવિ, ચિત્રકાર, લેખક, કલાકાર, કારીગર કે શિલ્પી જ્યારે ખરેખર સર્જન કરવા બેસે છે ત્યારે એની જીભ તદ્દ્ન શાંત થઈ જાય છે. જીભ પરનો સંયમ માણસ જ્યારે મેળવે છે ત્યારે એના અંતરમાં એવા પ્રકારની એક શક્તિ પેદા થાય છે કે જેને લીધે એનું કાર્ય વધુ ને વધુ આગળ ધપતું જાય છે. કાર્ય સાધતી વખતે મૌન ધારણ કરવું એ કુદરતનો ક્રમ છે. સિંહ જ્યારે શિકાર ઉપર કૂદી પડવાનો હોય છે ત્યારે તે કદી ગર્જના નથી કરતો. અને ગાજ્યા મેહ વરસતા નથી તેમ જ ભસતા કૂતરા કરડતા નથી એ કહેવત પાછળ પણ આ જ હેતુ છુપાયેલો છે ! ટૂંકમાં, આપણે બહુ બોલબોલ કરીએ છીએ ત્યારે આજુબાજુના બે-પાંચ માણસો જ એ વાત સાંભળે છે, પણ જ્યારે કામ બોલે છે ત્યારે આખી દુનિયા જાણે છે !
-વજુ કોટક 
[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]

No comments:

Post a Comment