Pages

Friday, March 9, 2012

આવ ભાઈ હરખા !

ભીડભાડથી ભરેલું રેલવે સ્ટેશન. આખા દિવસમાં કેટલીય ટ્રેનો આવે ને જાય. કીડિયારાની જેમ ઊભરાતાં લોકો પરસેવાથી રેબઝેબ અને સામાન ઊંચકીને થાકીને ઠુસ થઈ ગયેલાં. પ્લેટફોર્મ પર ચા-કૉફીના, ખાણી-પીણીના, છાપાં-મેગેઝીનના કેટલાય સ્ટોલ હતા પણ બધામાં ફાસ્ટફૂડના સ્ટૉલનો તો રુઆબ જ જુદો. બહાર પિત્ઝા, બર્ગર, પૉટેટો ચીપ્સ અને પેસ્ટ્રી તથા કેકનાં એવાં મોટાં રંગીન ચિત્રો મૂકેલાં કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. ન ખાવું હોય એને ય ખાવાનું મન થઈ જાય.
સ્ટૉલવાળાને વળી રમણ નામનો એવો ચાલાક છોકરો મળી ગયો હતો કે જે આવતાં-જતાં લોકોને ‘આવો સાહેબ, આવો મેડમ’ એમ લળી લળીને કહેતો અને એમને ફાસ્ટફૂડ સેન્ટરમાં બોલાવ્યે જ છૂટકો કરતો. સ્ટૉલના માલિક પણ ક્યારેક કદરદાનીરૂપે રમણને વધ્યાં ઘટ્યાં બર્ગર કે ચીપ્સ પકડાવી દેતા. પણ એનો આધાર એમની મહેરબાની પર રહેતો. ક્યારેક કશું ન મળે તો રમણે પોતે જ ખાવાનો વેંત કરવો પડતો.
આજે શી ખબર ક્યાંથી બે ટાબરિયાં સ્ટૉલ આગળ આવીને ઊભાં રહી ગયાં. મેલાં-ઘેલાં કપડાં અને પગમાં તૂટેલી સ્લીપર. બંને સ્ટૉલ પાસે ઊભાં રહીને રાડો પાડવા લાગ્યાં,
‘પૂરી-ભાજી લેવી છે, પૂરી-ભાજી ? દસ રૂપિયામાં પૂરી-ભાજી.’
નાનો છોકરો વળી વધુ ચબરાક હતો, ‘ટેસ્ટફૂલ ને વળી તાજી, એવી છે અમારી પૂરી-ભાજી. સાહેબ, ખાઈને પૈસા આપજો.’ રમણે જોયું ન જોયું કર્યું. છોને વેચતા પોતાનો માલ, એમ કરીને છોકરાઓની દયા પણ ખાધી. જેને ફાસ્ટ ફૂડનું મોંઘુંદાટ ફૂડ પરવડે એમ નહોતું એવાં લોકો આવી આવીને પૂરી-ભાજી ખરીદવા લાગ્યાં. સ્ટૉલના માલિકે પોતાના કાઉન્ટર પરથી જોયું કે આ છોકરાઓને લીધે એની ઘરાકી તૂટતી હતી. વળી, ભૂખડીબારસ જેવા છોકરાઓને જોઈને થોડા શ્રીમંત ગ્રાહકો દરવાજામાંથી પાછા વળી જતા હતા. તરત એણે રમણને બોલાવીને ખખડાવવા માંડ્યો,
‘કેમ સાલા, તને અહીં નોકરીએ શેને માટે રાખ્યો છે ? ભજન કરવા ?’
‘શું થયું સાહેબ, મારી કંઈ ભૂલ થઈ ?’
‘ના, ના, તારી તે કંઈ ભૂલ થતી હશે ? આ સ્ટૉલ મારો ને આ આલતુ-ફાલતુ છોકરાઓ અહીં આવીને પોતાનો ધંધો કરે એમાં ભૂલ તારી કે મારી ?’
‘પણ સાહેબ, એ તો…. એ તો…..’
‘એ તો ને બે તો હું કાંઈ ન જાણું. ખદેડી કાઢ એ બેયને અહીંથી. સારા સારા ઘરાકો પાછા જતા રહે છે. ભાન પડે છે કંઈ ?’
‘હમણાં બેઉને કાઢું છું સાહેબ, ચિંતા ન કરો.’
સાહેબ પાસે નરમઘેંસ બની ગયેલો રમણ શુરવીર બનીને બહાર નીકળ્યો.
‘ચાલો, ભાગો જોઉં બેઉ અહીંથી ! કોને પૂછીને અહીં ઊભા છો ? મારા માલિકની ઘરાકી બગાડો છો તે !’
બેઉ છોકરાઓ સિંયાવિયા થઈ ગયા : ‘આટલી પૂરી-ભાજી વેચાઈ જાય એટલે હાલ્યા જઈશું ભઈ ! ઘડીક ઊભા રે’વા ધ્યો તો મે’રબાની !’
‘ભઈ, અમારી મા માંદી છે. જેમતેમ આટલી પૂરી-ભાજી બનાઈ આલી છે.’ નાનકાએ કહ્યું.
‘હવે જાવ છો કે મારા શેઠને બોલાવું ? શેઠ આવીને એવી ધોલાઈ કરશે કે…..’ બેઉ છોકરાઓ ગભરાઈને ભાગ્યા. રમણ છાતી ફુલાવતો શેઠ પાસે ગયો અને પોતાની પરાક્રમગાથા વર્ણવતાં બોલ્યો : ‘શેઠ ખદેડી મૂક્યા બંનેને. તમારું નામ દીધુંને એટલે ઊભી પૂછડીએ ભાગ્યા.’ શેઠે ખભો થાબડીને શાબાશી આપી એટલે રમણને થયું કે, આજે શેઠ વધુ મહેરબાન થશે. પછી તો આખો દિવસ એવો દોડધામમાં નીકળી ગયો કે કંઈ વિચારવાની ય ફુરસદ ન મળી. ગ્રાહકોને આવકારવાનાં, ટેબલ સુધી દોરી જવાનાં, ટેબલ સાફ કરવાનાં, પાણીના ગ્લાસ આપવાનાં- આ બધામાંથી કોઈ પણ કામ માટે રમણના નામની બૂમ પડે ને રમણ દોડીને હાજર થઈ જાય.
જેમ જેમ રાત પડતી ગઈ તેમ અવર-જવર ઘટવા લાગી, ઘરાકી ઓછી થતી ગઈ. અગિયાર-સાડા અગિયાર થયા ને સ્ટૉલનો સંકેલો કરવાનો સમય થઈ ગયો. બધું પતાવીને નીકળ્યો ત્યારે રમણ થાકીને લોથપોથ થઈ ગયો હતો. ભૂખથી બેવડ વળી જવાતું હતું. છેક સુધી કંઈક તો મળશે, એવી આશા હતી પણ ત્યારે શેઠ સ્ટૉલ બંધ કરીને ચાવીનો ઝુમખો લઈને ચાલવા લાગ્યા ત્યારે એ સમજી ગયો કે, હવે પેટનો ખાડો પૂરવા પોતે જ કંઈક કરવું પડશે. પાઉં-વડાના સ્ટૉલ પર જઈ એણે ચાચાને પૂછ્યું :
‘ચાચા, કંઈ ખાવાનું છે ?’
‘કંઈ નથી દીકરા. આ છેલ્લી ટ્રેન ગઈ એમાં બધો માલ વેચાઈ ગયો.’
‘ચાચા, બપોરે બે છોકરાઓ અમારા સ્ટૉલ આગળ ઊભા હતા એને જોયા ?’ ચાચાએ નામાં ડોકું ધુણાવ્યું. રમણ નિરાશ થઈ ગયો. પેટમાં જાણે અગન બળતી હતી. બાજુમાં જ પેપર વેચતા અસલમને, પાણીની બૉટલ અને પાઉચ વાળા મનિયાને બધાને પૂછી વળ્યો પણ કોઈએ છોકરાઓને જોયા નહોતા.
થાક્યાપાક્યા રમણે પ્લેટફોર્મ પર દૂર સુધી નજર દોડાવી. એકદમ છેવાડે પાણીના નળ પાસે બંને છોકરાઓ દેખાયા ને એના જીવમાં જીવ આવ્યો. દોડીને એ એમની પાસે પહોંચ્યો ત્યારે બંને ભાઈઓ છાપાંના કટકામાં પૂરી-ભાજી મૂકીને ખાતા હતા.
‘થોડી પૂરી-ભાજી છે ?’ બપોરે એમને ધમકાવ્યા હતા એ યાદ આવતાં રમણે કંઈક સંકોચથી પૂછ્યું. પછી હાથમાંનો પાંચ રૂપિયાનો સિક્કો બતાવતાં કહ્યું, ‘મારી પાસે દસ રૂપિયા નથી. અડધી પ્લેટ હોય તો આપોને ! બહુ ભૂખ લાગી છે.’ મોટા છોકરાએ એનો હાથ પકડીને બાજુમાં બેસાડતાં કહ્યું, ‘મને ખબર છે, આખો દિવસ કામ કરીને આપણને બધાને કેવી ભૂખ લાગે છે ! જે છે તે ત્રણે ભેળા મળીને ખાઈ લઈશું. પૈસા રહેવા દે તારી પાસે.’

– આશા વીરેન્દ્ર
(જ્ઞાનદેવ મુકેશની હિંદી લઘુકથાને આધારે)
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર. ]
સૌજન્ય : રીડગુજરાતી 

No comments:

Post a Comment