ગયે મહીને મુંબઈમાં એક વીશીષ્ટ પ્રકારનું બેસણું થયાના સમાચાર છાપાના એક ખુણેથી વંચાઈ ગયા. ખરેખર મારા જેવો તંત્રી હોત તો તો આ લબાડ રાજકારણીઓના વાણી–વીલાસને બદલે આ ક્રાંતીકારી સમાચારને પહેલે પાને આકર્ષક મથાળું બાંધીને આપત.
પાકટ વયે એક રસીક બહેન ગુજરી ગયાં. તેમને ફુલનાં કુંડાંનો, જુની ફીલ્મોનાં ગીતોનો અને વીવીધ વાનગીઓ બનાવી જમવા–જમાડવાનો શોખ. તેમના મૃત્યુ પછી તેમના, તેવા જ રસીક અને ક્રાંતીકારી પતીએ વીશીષ્ટ પ્રકારનું બેસણું રાખ્યું.
બેસણાના સ્થળે પહોંચવાના રસ્તાની બન્ને બાજુ ફુલનાં કુંડાંઓની હારમાળા કરવામાં આવી હતી. ભજનોની કેસટ કે ભજનીકોની ભજન–સંધ્યાને બદલે જુની ફીલ્મોનાં ગીતોની કેસેટ વાગતી હતી. ત્યાં બોર્ડ મુકવામાં આવેલું હતું કે, ‘સ્વર્ગસ્થને ગમતાં ફુલનાં કુંડાં અને વીસરાતા સુરને માણ્યા પછી તેમને ગમતી વાનગીનો આસ્વાદ કરીને જશો તો સદ્દગતના આત્માને શાંતી મળશે.’
હા જી, બેસણામાં ભોજન ! અને ફીલ્મીગીતો !! આ સમાચારથી હું તો અત્યંત પ્રસન્ન થઇ ગયો !!! વાચક છાતી ઉપર હાથ મુકીને કહે કે બેસણામાં જવાનું થાય છે ત્યારે શી લાગણી થાય છે ? સફેદ કપડાં પહેરીને, સોગીયું મોં રાખીને (અને વળી કેટલાંક ભાઈ–બહેનો તો તે માટેનો મેકઅપ બ્યુટી પાર્લરમાં કરાવીને) જવાનું, ત્યાં મુકેલ ફુલો કે પાંખડીઓ લઈ મૃત શરીરના ફોટાને ચડાવવાનાં અને એક ખુણે બેસી શાંત–પરલોકને યાદ કરાવે તેવું ભક્તીસંગીત સાંભળવાનું. સતત પ્રવૃત્તીમાં રહેનારને તો 10–15 મીનીટ મુગા બેસી રહેવાનું મુશ્કેલ હોય છે; તેથી આ પ્રસંગેય બાજુની વ્યક્તી સાથે વાત કર્યા વગર રહેવાતું નથી. પતી–પત્ની સાથે ગયાં હોય તો, 5–7 મીનીટ થઈ ન થઈ અને એક બીજા સામે જોયા કરે. ક્યારે ઉઠે ને અહીંથી વીદાય થઈએ. હાથ જોડીને ઉભા થઈ રસ્તે પડવાનું. તદ્દન નીર્જીવ, દંભી દેખાડો આવાં બેસણામાં હોય છે.
તેને બદલે સમાચારમાં જણાવ્યા મુજબનું બેસણું નવી ભાત પાડનારું ગણાય. આ ચીલો પાડવા જેવો ખરો. મુંબઈ જેવા શહેરમાં કે ગામડામાં બે–ચાર કલાક જવા–આવવાના થતા હોય ત્યાં પાણી અને કંઈ ખાવા–પીવાની ચીજ પહોંચતા માણસોએ રાખવી જોઈએ. નહીં તો બેસણામાં જનાર કે નીકળનાર બહાર કાંઈક ને કાંઈક પેટમાં ઓરીને જ જાય છે.
આવી બધી વીધીઓને જીવતી–જીવન્ત કરવાની જરુર છે. સામાન્ય માણસથી આ નહીં થાય. વીચારકો અને સામાજીક કાર્યકરોએ સમાજને આંચકો આપવા આવા ક્રાંતીકારી ફેરફારો કરવા જોઈએ.
બેસણામાં કરવા જેવો એક સુધારો સુચવું. સદ્દગત વીશે બે શબ્દો લખી શકાય, તે માટે બે–ત્રણ ઠેકાણે પ્રવેશદ્વારે ઉંચાં ટેબલ ઉપર નોટબુક અને પેન રાખવાં જોઈએ. તે સાથે ટપાલપેટી જેવી પેટીઓ પણ રાખી શકાય. ઘરેથી લખીને લાવનાર તેમાં તે નાખી શકે. વળી, મૃત વ્યક્તીની ઓળખાણ સૌને એક સરખી નથી હોતી નથી, તેથી તેમની જીવન–ઝરમર અને શક્ય હોય તો જીવનમાંથી પ્રેરણા લેવા જેવી બાબતો–પ્રસંગોને સમાવતી નાનકડી પુસ્તીકા (ઉપર તેમના ફોટા સાથેની) આપી હોય તો પ્રાસંગીક થાય. સફેદ વસ્ત્રો અને સોગીયાં મોઢાંનીયે જરુર ન ગણાય.
અલબત્ત, બેસણું કરવું એ જરુરી ન લેખાવું જોઈએ. જેમ સમારંભો–સંમેલનોમાં ‘રુબરુ ન આવી શકો તો સંદેશો મોકલી આપશો’ એવું લખાણ ઘણા કરે છે તેમ; બેસણાની જાહેરાતમાં જ ‘રુબરુ આવવાની પ્રતીકુળતા હોય તો આપનો સહાનુભુતીપત્ર મોકલી આપશો’ એવું તા.ક.માં છાપી શકાય.
બેસણામાં આવનાર અને આવી ન શકાતાં સંદેશો મોકલી આપનાર સૌને મૃત વ્યક્તીને ગમતી કોઈ એક કે અનેક ચોપડીઓ પૈકીની એક–એક ચોપડી ભેટ આપી–મોકલી શકાય. તેમાં ચારેક પાનાં ફોટા અને જીવનઝરમરનાં ચોંટાડી શકાય.
આની સાથે મરવાના અયોજનનુંયે વીચારવા જેવું છે. નામ તેનો નાશ નીશ્ચીત છે. સૌને વહેલા–મોડા આ દેહ છોડીને જવાનું જ છે. એટલે શાણા માણસો મરતાં પહેલાં વસીયતનામું કરી નોંધાવી રાખે છે. આ વસીયતનામું મોટે ભાગે સ્થાવર જંગમ મીલકતોની વહેચણીનું જ હોય છે. આ અંગેય વીચારવા જેવું છે. માનવ–જીવનમાં માત્ર અર્થનો જ પુરુષાર્થ કરવાનો નથી. ધર્મ–અર્થ–કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કરવાના હોય છે. એ ચાર પૈકી પોતે શું શું કર્યું અને શું શું કરવાનું બાકી છે, તેનું ચીંતન સાઠીમાં આવ્યા પછી દરેકનું થવું જોઈએ. સાઠી એટલે ઓગણસાઠથી અડસઠ વરસ–એવી મારી સમજ છે. સાઠીમાં પ્રવેશતાં આ ચીંતન શરુ થાય ને નવ વરસમાં તેનું સુરેખ આયોજન થઈ જાય. સામાન્ય રીતે સીત્તેર ટકા લોકો સાઠીમાં દેહમુક્ત થઈ જાય છે.
સાઠીમાં પ્રવેશ્યા પછી અર્થ અને કામનો પુરુષાર્થ સમેટી લેવો ઘટે. એટલે લોહીની સગાઈ નથી તેવાં સગાં–પડોશી–મીત્રો કે તદ્દન અજાણ્યાયે આપણાં જ છે, એવી ભાવના કેળવવી અને તે નોકર–ચાકર–મજુર સુધી પહોંચાડવી. વાણીને પણ તેને અનુરુપ કેળવવી. ધન હોય તો બને ત્યાં સુધી સદ્કાર્યમાં તેનો વ્યય કરવો. અત્યાર સુધી પુત્રો–પૌત્ર–પૌત્રીઓ માટે મીઠાઈ–રમકડાં–પુસ્તકો લાવતાં હવે તેનું વર્તુળ વીસ્તારવું. મોંઘી ચીજો નહીં, તો સીંગચણાયે વહેંચી શકાય. નજીકનું બાલમન્દીર, ગરીબ અને પછાત બાળકોનાં છાત્રાલય, ગરીબોની ઝુંપડપટ્ટી કે વાસ સુધી તે પહોંચાડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દાદા કે બા કોનાં ? તો સૌ કહે, ‘આપણાં’, એવો રણકો ચોમેરથી સાંભળવા મળે તો આપણો પ્રયત્ન ફળ્યો. કોઈ માંદું આપણા થકી દવા–સારવાર પામે, કોઈ ગરીબ વીદ્યાર્થી પુસ્તકો, નોટ, ફી કે શીષ્યવૃત્તી પામે, વાર–તહેવારે ભુખ્યાઓ ભોજન પામે એવું આયોજન કરવું જોઈએ.
જીવતાં જે કંઈ થયું તે જ સાચું, વીલમાં લખેલું પરમાર્થમાંનું કામ, આપણા જેટલી જ લગનથી, તીવ્રતાથી આપણા વારસદારો કરવાના નથી, નથી ને નથી જ– એ વાસ્તવીકતા સ્વીકારી લેવી જોઈએ.
વૃદ્ધાવસ્થા પછી દેહને જવા માટે કોઈ બહાનું તો જોઈએ જ, તેથી કોઈક ને કોઈક વ્યાધી આવે તેમ બને. સાઠી વટાવી દીધી હોય, કરવાનું કામ કોઈ બાકી ન હોય, ધંધો–વ્યવસાય પુત્રોએ સંભાળી લીધો હોય તો પછી આ દેહને ટકાવી રાખવાના નાહક ઉધામા ન કરવા જોઈએ. હૉસ્પીટલમાં દાખલ કરવાનું, વાઢકાપ કરવાનું, શરીરને ખેંચાવા ઑક્સીજન કે ગ્લુકોઝના બાટલા ચડાવવા, આઈ.સી.યુ.માં દાખલ કરવા વગેરેની પળોજણ મોત બગાડનારી છે. પુત્રો અને વારસદારોનો નાહકનો ખર્ચ અને દોડધામ બચાવવાં જોઈએ. શાંતીથી સદ્ચીન્તન કરતાં કરતાં આહાર ઓછો કરતા જવું જોઈએ. જીન્દગીભર જાતજાતનું ખાધું–પીધું છે. હવે તેમાંથી મનને વાળી લેવું જોઈએ. સગાં–વહાલાંઓએ પણ દુનીયાદારીના ડરથી હૉસ્પીટલ–દાક્તરો–દવાઓ દોડાદોડી ન કરવી જોઈએ.
છેલ્લું આયોજન દેહના વીસર્જનનું છે. ભાગ્યે જ કોઈ તેનું આયોજન કરે છે. હમણાં મૃત વ્યક્તીનું નેત્રદાન પ્રચલીત થતું જાય છે. રડ્યોખડ્યો કોઈ દેહદાન પણ કરે છે. ખરેખર, આ બાબત જેટલું ઉંડાણથી વીચારવું જોઈએ તેટલું વીચારાતું નથી. શબનો નીકાલ સામાન્ય રીતે બાળીને, દાટીને, નદી–દરીયામાં વહેડાવી અને પારસીઓમાં પક્ષીઓને ખોરાક તરીકે આપીને થાય છે. બાળવામાં લાકડું, છાણાં, ગેસ, વીજળીનો ઉપયોગ થાય છે. આજના જમાનામાં પર્યાવરણને પ્રાધાન્ય આપીએ તો મડદાં પાછળ લાકડાં વેડફાવાનું યોગ્ય નથી. આમેય છાણાંનો ઉપયોગ બાળવામાં ન થવો જોઈએ. તેનો ઉપયોગ ખેતરમાં ખાતર માટે જરુરી છે. ગેસ અને વીજળી પણ મોંઘાં છે. દાટવાનું એક જ જગ્યાએ કરવાથી કબ્રસ્તાનમાં ઘણી જગ્યા રોકાઈ જાય છે. જ્યાં વાડો–ખેતર કે પડતર જમીન હોય ત્યાં મડદાં દાટવાથી વખત જતાં તે માટીમાં એકાકાર થઈ જાય છે. અને તેની ઉપર વૃક્ષ પણ વાવી શકાય તો એક સ્મરણ રહી શકે છે. પાણીમાં વહેડાવવામાંયે પ્રદુષણ તો થાય જ.
આમ, મૃતદેહના નીકાલ માટે જમીનમાં દાટીને ઉપર વૃક્ષ વાવવાનો વીકલ્પ સારો છે. હા, મેડીકલ કૉલેજના વીદ્યાર્થીઓને ભણાવવામાં કે શરીરનાં ઉપયોગી અવયવોનો ફેર ઉપયોગ કોઈ જરુરીયાતવાળાને માટે થતો હોય તો દેહ–દાન કરવું ખોટું નથી; પણ તે સર્વજન માટે સુલભ નથી .
આમ, જીવન જીવતાં સૌને ખપમાં આવવું ને કોઈને નડવું નહીં તથા જીવનની સમાપ્તી પછી મૃતદેહ પણ કોઈને નડે નહીં, તે નીમીત્તે સૃષ્ટીની સંપત્તી વેડફાય નહીં એવું ચીન્તન જરુરી છે.
મરનારને વરસોવરસ યાદ કરી છાપામાં તેમના ફોટા છાપવાનો કુરીવાજ હમણાં હમણાં વ્યાપક થતો જાય છે. આવો દેખાડો શાનો ? પૈસા ખર્ચીને છાપામાં દર વરસે યાદ કરવાની શી જરુર ? આવું જો બધાં જ દર વર્ષ કરવા માંડે તો છાપામાં વાંચવાના કોઈ સમાચાર કે લેખની જગ્યા જ ન બચે ! અથવા તો અનેક પાનાંઓનું છાપું નીકળે ને કાગળનો નર્યો વેડફાટ જ થાય. કાગળ પણ વાંસ અને વનસ્પતીમાંથી બને છે. એટલે વનોનું નીકન્દન નીકળી જાય. મરનારના ગુણો સ્મરીને આપણું જીવન સમૃદ્વ બનાવવાનો સંકલ્પ દર વર્ષે ઘરના કુટુમ્બીજનો ભેળા મળી કરી શકે–જો બહુ લાગણી હોય તો. કેટલીક વાર તો મરનારે જીવનભર યેનકેન પ્રકારેણ પૈસો ભેગો કર્યા સીવાય બીજું કોઈ કામ ન કર્યું હોય; તેવાને દર વરસે છાપે ચડાવી તેમને મનોમન લોકો પાસે ગાળો દેવડાવવાની જરુર નથી હોતી. જેણે સેવાનાં, પરમાર્થનાં કાર્યો કર્યાં હશે, તેમને તો દુનીયા આમેય યાદ કરવાની છે જ.
સાઠીમાં પ્રવેશ્યા પછી ‘બુદ્ધી નાઠી’ – એવી કહેવતને સાચી ન પાડવાનો પ્રબળ પુરુષાર્થ સૌએ કરવો જોઈએ. ઉલટું, વૃદ્ધની બુદ્ધી અને અનુભવ તો વધે છે. તેનો માત્ર કુટુમ્બીજનોને જ નહીં, સમાજ સમસ્તને લાભ મળવો જોઈએ. આપણી પાસે કાન બે; પણ જીભ તો એક જ છે ! તેનો ખ્યાલ રાખી વૃદ્ધે વાણી ઉપર સંયમ રાખવાથી પરીવારમાં શાંતી રહે છે. હા, પુછનારને તેઓ જરુર જવાબ આપે, સલાહ ન આપે. નાછુટકે જ બોલવાનું રાખે તો વૃદ્ધો અકારા ન થાય. પૌત્ર–પૌત્રીઓ સાથે હળવા–મળવાનું, તેમને વાર્તા કહેવાનું, ફરવા લઈ જવાનું, શાળાએ મુકવા–લેવા જવાનું, તેમની દૈનીક ક્રીયામાં તેની માને(તે ઈચ્છે તેટલું જ) મદદરુપ થવાનું, શાક લાવી આપવાનું, સમારી આપવાનું, બજારની નાની મોટી ખરીદી કરી લાવવાનું, પુત્રવધુ ચીંધે તે અને તો કરવાનું રાખવાથી વૃદ્ધો ઘરમાં ઉપયોગી થશે. તેઓ પોતાની વયના મીત્રો–સગાંઓ વચ્ચે વધુ હળેમળે ને કાવ્ય, શાસ્ત્ર, વીનોદ કરે તે સારુ છે ; પણ પુત્ર–પુત્રવધુ કે ઘરના અન્યની નીન્દા–કુથલીમાં ન પડી જવાય, તેનો ખ્યાલ રાખે તો મરણ સુધરે.
ઘરમાં મર્યાદીત આવક હોય તો વૃદ્ધો પુત્રો પાસે અનાવશ્યક માંગણીઓ કરવાનું ટાળે. ‘ઈન્દ્રીયોને સમેટી લેવાની છે’ તેવી જાગ્રતી રહે તો તેના ભોગ માટેની સામગ્રી ન ખરીદાવે તો સારું. મનોરંજન–ભોજન ઘરમાં જે કાંઈ ચાલતું ને પીરસાતું હોય તેમાં ફાવશે–ચાલશે–ગમશે–ભાવશેની વૃત્તીથી ભળી જવાય તો તેનાથી રુડું બીજું કાંઈ નહીં.
અત્યારે સમાજમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. વૃદ્ધાશ્રમો કરવાની પ્રવૃત્તી શરુ થઈ છે; પણ વૃદ્ધાશ્રમ અનીવાર્ય અનીષ્ટ છે એમ માનવું જોઈએ. ઘરમાં–કુટુમ્બમાં જ વૃદ્ધ રહે ને સૌને ઉપયોગી ને પ્રીય થઈ શકે, તે જ આદર્શ વ્યવસ્થા છે. ગાયને માટે પાંજરાપોળ અને વૃદ્ધ માટે વૃદ્ધાશ્રમ સરખાં છે. હા, જેનો પરીવાર જ ન હોય, તેઓ જરુર વૃદ્ધાશ્રમને નીવાસ બનાવે.
વૃદ્ધાવસ્થા, બીમારી, મરણ, મરણ પછીનું બેસણું અને અન્ય ક્રીયાઓ વીશેનું આ ચીન્તન સાઠી પસાર કરનારાં અને પસાર કરી ગયેલાં વૃદ્ધ વાચક ભાઈ–બહેનોને ખપ લાગશે, તેવી આશા છે. સીનેમાના એક ગીતની કડી અત્રે યાદ આવે છે :
“જીયો તો ઐસે જીયો જૈસે સબ તુમ્હારા હૈ,
મરો તો ઐસે કી જૈસે તુમ્હારા કુછ ભી ન થા” ………. અસ્તુ !
–જગદીશ શાહ
તા. 01 ફેબ્રુઆરી 2006ના ‘ભુમીપુત્ર’ના અંકમાંની એમની ‘સમાચારને સથવારે’ કૉલમ તેમજ ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ : બે – અંક : 94 – માર્ચ 25, 2007માંથીઆંશીક ફેરફાર સાથે સાભાર… –ગોવીન્દ મારુ
અક્ષરાંકન: –ગોવીન્દ મારુ – govindmaru@yahoo.co.in
No comments:
Post a Comment