Pages

Wednesday, March 7, 2012

મંગલકારી યાત્રા : યે જિંદગી કે મેલે

વર્ષો પહેલાંનો મારો આ જાતઅનુભવ આજે લખું છું. ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ ખાતેની કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો અને કૉલેજ-હૉસ્ટેલનો ખર્ચ કાઢવા નેશનલ ટુરિસ્ટ કંપનીમાં પાર્ટ-ટાઈમ સર્વિસ કરતો હતો. તેથી હૉસ્ટેલનો ખર્ચ નીકળી જતો હતો. પણ બુક્સ, ટર્મ ફી, (દર છ મહિને) નીકળવી મુશ્કેલ હતી. સંચાલક શ્રી ડાહ્યાભાઈ પંડિતને મારી અંગત મુશ્કેલી જણાવી તો એમણે રસ્તો બતાવ્યો : ‘ઉનાળાના વૅકેશનમાં કાશ્મીર-કુલુ-મનાલી અને દિવાળી વૅકેશનમાં દક્ષિણ ભારતની ટૂર લઈને તારે જવું અને આ કામના બદલામાં ટર્મ ફી વગેરેની જોગવાઈ થઈ શકશે.’ મેં એ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને આ સિલસિલો છ વર્ષ ચાલ્યો.
એક વર્ષ દિવાળી વૅકેશનની દક્ષિણ ભારતની ટૂર લઈને રેલવેના ટૂરિસ્ટ કોચમાં વી.ટી. સ્ટેશનથી પ્રસ્થાન કર્યું. ટૂરિસ્ટ કોચમાં કોચના બન્ને છેડે ખુલ્લી વિશાળ જગ્યા અને બારી પાસે બેસવાની પાટલી અને રાત્રે આ ખુલ્લી જગ્યામાં પથારી થતી. વચ્ચેના ભાગમાં નાનું રસોડું અને એક ચાર વ્યક્તિ સૂઈ-બેસી શકે તેવી કૅબિન હોય છે. આ કૅબિનમાં મૅનેજરની હેસિયતથી મને અને 25 થી 35 વર્ષની વયની ત્રણ બહેનોને જગ્યા આપવામાં આવી હતી. મારું સ્થાન ઉપરની બર્થમાં મેં નિશ્ચિત કર્યું હતું. કુલ પચાસ સ્ત્રી-પુરુષો હતાં. સૌનાં પોતપોતાનાં ગૃપ હતાં. પણ આ ત્રણ બહેનોનું કોઈ ગૃપ નહોતું. ટ્રેન ઊપડી કે તુરત જ એ ત્રણે બહેનોએ મારી આ કૅબિનમાં દેવ-દેવીઓના નાના-મોટા ફોટાઓ લગાવી, ફૂલહાર ચડાવી, દીવાબત્તી, અગરબત્તી કર્યાં. આસનસ્થ થઈને પ્રભુપ્રાર્થના કરી. આમ લગભગ એક માસના સમગ્ર પ્રવાસ દરમિયાન આ દૈનિક ક્રમ ચાલ્યો. કોચમાં રાત્રિ દરમિયાન ભજન-કીર્તનની રમઝટ જામતી, જેમાં આ ત્રણ બહેનો શિરમોર રહેતી. આથી સૌને તેમના પ્રત્યે વિશેષ અનુરાગ રહેતો. આ ત્રણેય બહેનો જ્યારે ‘દો આંખે બારાહ હાથ’ની પ્રાર્થના- ‘અય માલિક તેરે બંદે હમ….’ તન્મય થઈને ગાતાં ત્યારે કોચમાં ભક્તિભાવનું વાતાવરણ લહેરાઈ ઊઠતું.
ધાર્મિક સ્થળોમાં જ્યાં જ્યાં દર્શનાર્થે ગયાં ત્યાં પૂરા ભક્તિભાવથી પૂજા-અર્ચના આ ત્રણેય બહેનો કરતાં. તેમનો પરિવેશ અત્યંત સાદો, સ્વભાવ સરળ, ધાર્મિક વિચારો, અત્યંત સાહજિક રહેણી-કરણીથી તે સૌનાં આદરપાત્ર બની ગયાં હતાં. ચેન્નાઈ, તાંજોર, ત્રિચિનપલ્લી, મદુરા, રામેશ્વરમ વગેરે પવિત્ર સ્થળોની યાત્રામાં સમય ક્યાં વ્યતિત થઈ ગયો તેની ખબર પડી નહીં. અમે યાત્રા પૂરી કરી મુંબઈ પરત આવ્યાં. સ્ટેશને સૌએ એકબીજાને સરનામા આપ્યાં. પણ આ ત્રણેય બહેનો સરનામાની આપ-લેથી અલિપ્ત રહ્યાં. મને થોડું વિચિત્ર લાગ્યું. હું કૅબિનનો સહયોગી હતો તેથી મને વિશેષ પરિચય હતો. તેમની એડ્રેસ ન આપવાની વૃત્તિથી મેં તેમને એડ્રેસ પૂછ્યું નહિ. વી.ટી. સ્ટેશને યાત્રીઓને રીસિવ કરવા તેમનાં કુટુંબીજનો આવ્યાં હતાં ત્યાં મારું ધ્યાન છેક છેલ્લે પોતાનો સામાન જાતે ઉતારતાં આ બહેનો તરફ ગયું કે તેમને લેવા માટે કોઈ આવ્યું નહોતું. સ્ત્રી દાક્ષિણ્યની ભાવનાથી પ્રેરાઈને વિવેક કર્યો- સામાન સ્ટેશનની બહાર લાવ્યો અને પૂછ્યું, ‘તમારે ક્યાંની ટૅક્સી કરવાની છે ?’ જવાબ મળ્યો, ‘ફોરાસ રોડ.’ આ સાંભળીને હું આઘાતથી તેમની સામે જોતો રહી ગયો. દેહવિક્રયની આ બદનામ વસ્તીમાં વસનારી બહેનો ! ટૅક્સીમાં બેસતાં બેસતાં તેમાંની એક આધેડ વયની બહેને હસતાં હસતાં કહ્યું, ‘દેહવિક્રયના સ્થાનનું એડ્રેસ તમારા જેવા કૉલેજીયનને ન અપાય. વ્યાસજી, અમને માફ કરજો.’ ને એમની ટૅક્સી મુંબઈના માનવ-મહેરામણમાં વિલીન થઈ ગઈ. પણ મને વિચારોના વમળમાં મૂકતી ગઈ !
તિરસ્કારથી જે સમાજને આપણે જોઈએ છીએ તે કેવો અને કેટલો પવિત્ર હોઈ શકે છે તેનો અહેસાસ આજે પણ અનુભવું છું.
 – કનૈયાલાલ જી. વ્યાસ

No comments:

Post a Comment