skip to main |
skip to sidebar
સ્વામીશ્રી સચ્ચીદાનન્દજીના વરદ હસ્તે જેનું અઢી વર્ષ પહેલાં ઉદ્ ઘાટન થયું હતું એ ઘરડાંઘર નજરે જોવાનું બન્યું. વૃદ્ધો સાથે વાતો કરી. આનન્દ થયો અને દુ:ખ પણ થયું. આનન્દ એ વાતનો કે બધાં સન્તુષ્ટ જણાતા હતાં. તેઓ સંસ્થાના વખાણ કરતાં હતાં તે કરતાંય તેમના ચેહરા પર જે આનન્દ દેખાતો હતો તે સંસ્થા માટેનું સાચું બોનાફાઈડ સર્ટીફીકેટ હતું. એક વૃદ્ધાએ તો કહ્યું કે ‘અમને ઘર આંગણે જેટલાં સુખશાન્તી નથી મળ્યાં, તેટલાં અહીં મળ્યાં છે. આ લોકો જ અમારા સાચા દીકરાઓ છે!’ દુ:ખ કેમ થયું તે પણ જોઈએ.
દરેકની વ્યક્તીગત વીતક જાણી. ઘરડાંઘરમાં કેમ આવવું પડ્યું તે જાણ્યું. ચર્ચા દરમીયાન એક વૃદ્ધે કહ્યું ‘કદી કોઈ વૃદ્ધ અહીં શોખથી રહેવા આવતો નથી. જેમના શ્વાસ બાકી હોય અને સ્વજનોના દરવાજા બંધ થઈ ગયા હોય તેમણે બચેલી જીન્દગી માટે અહીં આવવું પડે છે.’ સૌની વાતનો પ્રધાન સુર એ હતો કે દીકરાઓ તો લડતા વઢતા વેઠી લેવા તૈયાર હતા, પણ વહુઓ કહેતી હતી કે ઘરમાં હવે તમે ના જોઈએ. વૃદ્ધે વૃદ્ધે વેદના જુદી હતી. આંખે આંખે આંસુ જુદાં હતાં. કોકને સન્તાનો ન હતાં. કોકને હતાં, તે ન હોવા બરાબર હતાં. કેટલાંક વળી સન્તાનોને બધા પૈસા આપી દેવાની ભુલ કરી બેઠાં હતાં. (હુકમનું પત્તું વહેલુ ઉતરી દીધું હોવાથી વહુના હુકમને કારણે વનવાસ વેઠવાનો આવ્યો હતો) અનેક વીટમ્બણાઓથી ઘેરાયેલા વૃદ્ધો માટે એક માણસ સવાયો શ્રવણ બની રહ્યો હતો. એ દીકરો તે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી અને સંચાલક એવા શ્રી સતીશ પટેલ. પીતા પ્રત્યેની લાગણીને કારણે એમણે દોઢ કરોડના ખર્ચે સ્વ. પીતાશ્રી ‘ભગુભાઈ ગોવીન્દજી પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ઘરડાંઘર’ સ્થાપ્યું. નામ આપ્યું– ‘માનવ મંદીર વૃદ્ધાશ્રમ’. સતીશભાઈએ વીગતો આપતાં કહ્યું: ‘અમે સરકારી સહાય લેતા નથી. ફ્કત ડોનેશન વડે રોજ માનવ મંદીરમાં આરતીનો દીવડો સળગે છે. વર્ષે દહાડે છથી સાત લાખનો ખર્ચ થાય છે. પ્રારમ્ભે ડોનેશન નહોતું મળતું, ત્યારે બધો ખર્ચ અમે ઉઠાવતા. અઘરું હતું; પણ વૃદ્ધો માટે કંઈક કરવાની ભાવના હતી તેથી પીતાજીની પુણ્ય સ્મૃતીરુપે આ કામ સુપેરે પાર પડ્યું. આજે ઘરડાંઓના ચહેરા પર આનન્દ જોઈને પૈસા વસુલ થયેલા લાગે છે…!’
વાતો દરમીયાન સતીશભાઈએ મહત્ત્વની વાત કરી. સમાજમાં દીકરી માટે તેનો પતી હોય છે, નાનાં સન્તાનો માટે તેનાં માબાપ હોય, પછી પત્ની અને સાસરીયાં વગેરે હોય; પણ ઘરડાં માબાપનું કોઈ હોતું નથી. ઘડપણમાં જો તેમની પાસે પૈસા ન હોય તો તેમની હાલત બુરી થઈ જાય છે. હું આસ્તીક છું; પણ મંદીરમાં સમય બગાડવાને બદલે ભગવાનને ગમે એવાં માનવસેવાનાં કામો કરું છું. ભગવાનને નજરમાં રાખીને વૃદ્ધોની દેખભાળ રાખવામાં સાચી પ્રભુભક્તી સમાયેલી છે. એવી મારી માન્યતા છે. અહીં લાયબ્રેરીનો એ.સી. હૉલ છે. છાપાંઓ તથા મેગેઝીનો આવે છે. ખુણામાં ભગવાનનું નાનું મંદીર છે. વૃદ્ધો રોજ તેમાં આરતી કરે છે.
સતીશભાઈએ આગળ કહ્યું– ‘અમે મારી માતાના નામે અહીં એક સાઉન્ડ પ્રુફ સેન્ટ્રલી એ.સી. હૉલ બનાવવાના છીએ. જેનું બજેટ આશરે પંદર લાખથી વધુ થશે. પરન્તુ તેનાથી વૃદ્ધોની સુખશાન્તીમાં વધારો થશે. અત્યારે પણ દરેક રુમમાં મ્યુઝીક સીસ્ટમ છે. દરેક રુમમાં સંડાસ બાથરુમ તો ખરાં જ; પણ રુમની બહાર દરેક રુમ દીઠ સેપરેટ હીંચકો પણ મુક્યો છે. વૃદ્ધોના દવા વગેરેના ખર્ચ ટ્રસ્ટ ચુકવે છે. શરુઆતમાં વૃદ્ધો માટે ગરમ પાણીની તકલીફ હતી. દાંતેજના સેવાભાવી શ્રી છોટુભાઈએ બાણું હજારના ખર્ચે સોલર હીટર મુકાવી આપ્યું છે, ત્યારથી વૃદ્ધોને ચોવીસ કલાક ગરમ પાણી મળી રહે છે. પત્તાં, કેરમ જેવી રમતો માટેનાં સાધનો પણ વસાવ્યાં છે. માઈક છે… હારમોનીયમ છે… વૃદ્ધો સુન્દર ભજનો ગાય તે અમે પણ માણીએ છીએ. તેમના આનન્દમાંથી અમને સાર્થકતાની પહોંચ મળે છે. અમે રુમે રુમે ફીલ્ટર વૉટરની વ્યવસ્થા કરી છે. બજારમાં ગમે તેટલું મોઘું શાકભાજી હોય; પણ ભોજનમાં નીયમીત લીલાં શાકભાજી, કઠોળ અને દુધ આપીએ છીએ. દરેક વૃદ્ધને રોજ રાત્રે ખાંડ, ઈલાયચી અને તુલસી નાંખીને ઉકાળેલું દુધ ફરજીયાત પીવડાવીએ છીએ. જેમની પાસે સેલફોન ન હોય તેમને માટે સંસ્થાના ફોનનું એક્સ્ટેન્શન આપ્યું છે. ગમે ત્યારે એમને ડૉક્ટરની જરુર પડતી હોય છે એથી ડૉ. વીનીત ચૌહાણ માનદ્સેવા આપે છે. જાણીતા યુરોલોજીસ્ટ ડૉ. પરેશ નાયક તો ડોનર અને વાઈસ પ્રેસીડેન્ટ તો ખરા જ; પણ સમય કાઢીને સંસ્થાની નીયમીત મુલાકાત લે છે. એટલું જ નહીં; કોઈ વૃદ્ધને એમના વીષયનો રોગ હોય તો વીના મુલ્યે તેની સારવાર પણ કરે છે. આ માનવ મન્દીર જે પીલરો (સ્થમ્ભો) પર ઉભું છે તેમાં આવા તો ઘણા મહત્વના માનવસ્થમ્ભોનો ફાળો રહેલો છે. સર્વશ્રી ડૉ. ખુશાલભાઈ, શકુન્તલાબહેન, અનુપભાઈ, વીક્રમભાઈ… અને પરદેશમાં બેઠાંબેઠાં અમારી કાળજી લેતાં અસંખ્ય મહાનુભવો અને અનેક દાનવીરો છે. કેટલાં નામ ગણાવું…?
વૃદ્ધોની માંદગી અંગેની માહીતી જણાવતાં સતીશભાઈએ કહ્યું– ‘અમારી પાસે પોતાની એમ્બ્યુલન્સ નથી; પણ જરુર પડે ત્યારે હું મારી ‘સ્કૉર્પીયો’ને એમ્બ્યુલન્સમાં તબદીલ કરી દઉં છું. રસોડામાં તમે જોશો તો મોટું ફ્રીઝ તો ખરું જ; પણ એ સીવાય ડીપ ફ્રીઝર પણ છે. જેમાં ઈલાયચી, કાચી કેરી, વટાણા, અથાણાં, મસાલા જેવાં પદાર્થો રખાય છે. સંસ્થા પાસે દળવાની ઘંટી, વોશીંગ મશીન બધું જ છે. સંસ્થાના વીકાસ માટે અમારે દાનની જરુર છે. પરન્તુ અમારી શરત એટલી કે… (શરત તો ન કહેવાય પણ અમારી ભાવના એ છે કે) તમે અહીં આવીને પહેલાં અમારું માનવ મન્દીર જુઓ. અહીં વૃદ્ધો માટે અમે કેવું સ્વર્ગ ઉભું કર્યું છે તે નજરે જુઓ. પછી યોગ્ય લાગે તો જ ડોનેશન આપો… દાન ભલે ન આપો પણ એકવાર મુલાકાત તો જરુર લો… ભોજનની વાત નીકળતાં એમણે કહ્યું, ‘વૃદ્ધોને અમે મહીનામાં બેથી ત્રણ વાર મીષ્ટાન્ન (શીરો, દુધપાક, શ્રીખંડ, સેવ વગેરે) આપીએ છીએ. આ સીવાય રોજ બે ટાઈમ ચા અને નાસ્તામાં બટાકાપૌંઆ, ઉપમા, ઈદડાં, ખમણ, ઈડલી વગેરે આપીએ છીએ. એ સીવાય તેમને વર્ષમાં ત્રણેકવાર ટુરમાં પણ લઈ જઈએ છીએ. એમાંનો એકાદ પ્રવાસ ધાર્મીક સ્થળોનો હોય અને બીજો સાપુતારા જેવા રમણીય સ્થળોનો હોય.’
અંતે મનોરમ્ય બાગ, લોન, એક્વેરીયમ અને સુંદર વૃક્ષો વગેરેથી શોભતું પટાંગણ બતાવી સતીશભાઈએ કહ્યું– ‘હમણાં એક સરકારી અધીકારી આ બધું જોઈને પ્રભાવીત થયા અને કહ્યું– ‘હું રીટાયર્ડ થયા પછી થોડા દીવસ ફેમીલી સાથે અહીં રહેવા આવવાનો છું…!’ તરેહ તરેહનાં દુ:ખ–દર્દોથી ભરેલા આ માનવસમાજમાં વૃદ્ધોને માટે આવું સુંદર માનવ મન્દીર સ્થાપનાર સતીશભાઈ અને સૌ દાતાઓ તથા ટ્રસ્ટી મહાનુભાવોને અભીનન્દન આપીએ.. બહાર નીકળ્યો ત્યારે ચીત્તમાં એક પ્રશ્ન થયો– કોણે કહ્યું કે ઘરડાઘર સમાજનું કલંક છે? કદાચ યુવાન સન્તાનો માટે એ ભલે કલંક કહેવાતું; પણ જ્યાં વૃદ્ધોની દેવની જેમ કાળજી લેવાતી હોય તે ઘરડાંઘર મન્દીર કરતાંય વધુ પવીત્ર ગણાય.
ધુપછાંવ
સતીશભાઈએ વૃદ્ધોની ખાસીયતની એક રસપ્રદ વાત કહી. વૃદ્ધાવસ્થામાં અહીં બધાં દુ:ખથી કંટાળીને કે દીકરાવહુથી ત્રાસીને આવેલા હોય છે એથી એમનો સ્વભાવ ચીડીયો થઈ ગયો હોય છે. ક્યારેક તેઓ ગુસ્સે પણ થઈ જાય છે. એથી અમારે તેમની લાગણીની ખાસ કાળજી રાખવી પડે છે. વૃદ્ધો જમવા બેસે ત્યારે અમારા મીત્ર અને ટ્રસ્ટી શ્રી શશીકાંત ખેરગામકર ત્યાં ખાસ એટલા માટે હાજર રહે છે કે પીરસનારાઓ દ્વારા જાણ્યેઅજાણ્યે કોઈનું અપમાન ન થઈ જાય.
-દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 29 ઓગસ્ટ, 2010ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
માનવ મન્દીર વૃદ્ધાશ્રમનો સમ્પર્ક:,
Shri Vinodbhai (Satishbhai) Bhagubhai Patel
Shree Bhagubhai Govindji Patel Charitable Trust
N. H. No. 8, At. Nani Chovisi, Po. Chovisi – 396 427.
Ta. Dist. Navsari. Gujarat (INDIA) Phone: (O) +91 2637 236703
(Cell) +91 922 787 1113 Email : help@manavmandir.org
No comments:
Post a Comment