Pages

Monday, March 5, 2012

ધર્મોની વૈજ્ઞાનીકતા

અવારનવાર વાંચવા અને સાંભળવા મળે છે કે અમારો ધર્મ પુરો વૈજ્ઞાનીક છે. આવું કહેનાર કશું વીચાર્યા વગર ક્યાંકથી સાંભળેલું આગળ ચલાવ્યે રાખે છે. આવો ખ્યાલ ઘરાવનારને અને ફેલાવનારને વીજ્ઞાન શું છે એની ખાસ સમજ નથી.

કોઈ પણ ધર્મ વૈજ્ઞાનીક નથી – હોઈ પણ ન શકે. બન્નેનું ધ્યેય ભલે માનવજાતનું ભલું કરવાનું હોય; પણ બન્નેની વીચારપ્રક્રીયા અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. અન્ય ધર્મોની સરખામણીએ બે–ચાર વધુ બાબતો વૈજ્ઞાનીક નીયમોને મળતી આવે એનાથી કોઈ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો.

બીજા ધર્મોની આલોચના કરવી વાજબી નથી. પોતાના ધર્મની આલોચના સમધાર્મીક સાથે કરી શકાય; કારણ એમાં દ્વેષભાવ નથી હોતો બલકે એમાં રહેલી વીસંગતતાઓ તેમ જ ક્ષતીઓ વગેરે સમજી, સ્વીકારી એ સુધારવાની વૃત્તી હોય છે.

સૌથી પહેલાં વીજ્ઞાન શું છે તે સમજવું જરુરી બને છે. કુદરત કે પ્રકૃતી કઈ રીતે વર્તે છે તે સમજવાનો તર્કબદ્ધ અભ્યાસ એ વીજ્ઞાન છે. શોધાયેલા વૈજ્ઞાનીક સીદ્ધાન્તને અમલમાં મુકવાનો, માણસના ઉપયોગમાં લાવવાનો પ્રયાસ એ ટેકનૉલૉજી કે એન્જીનીયરીંગ છે. એ દીશામાં બુદ્ધીને કેળવવી એ વૈજ્ઞાનીક અભીગમ છે.

વૈજ્ઞાનીક શોધોની શરુઆત અનુભવ કે અવલોકનથી થાય છે. એની ઉપર વીચાર–વીમર્શ અને ચર્ચા થાય છે. એમાંથી જે પણ નીષ્કર્ષ નીકળે ત્યાં એનો અન્ત નથી આવતો. શક્ય હોય એવા દરેક પ્રયોગ કરી એને સાબીત કરાય છે. વૈજ્ઞાનીક સમાજ દ્વારા સ્વીકારાયા પછી તે જાહેર જનતા સમક્ષ આવે છે. એ વીષય પર વધુ માહીતી મળે તો એમાં સુધારાનો અવકાશ હોય છે.

વીજ્ઞાનનો સમ્બન્ધ ક્રીયા અને પરીણામ સાથે છે, એના હેતુ સાથે નથી. વૈજ્ઞાનીક સીદ્ધાન્તો વસ્તુલક્ષી અને વીષયલક્ષી હોય છે; વ્યક્તીલક્ષી નથી હોતા. ચોક્કસ વસ્તુને કે ક્રીયાને લગતા નીયમ, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તે વ્યક્તી દ્વારા અજમાવાતા સાચા ઠરે છે. કોઈ એક વ્યકતીને માત્ર ચીન્તન દ્વારા લાધેલાં ‘સત્યો’ વૈજ્ઞાનીક અભીગમમાં સ્વીકાર્ય નથી; કારણ કે તે વ્યક્તીલક્ષી હોવાથી સ્વતન્ત્ર અને જાહેર રીતે એની ચકાસણી થઈ શકતી નથી.

વીજ્ઞાન માણસના આચરણને પાપ–પુણ્યમાં મુલવતું નથી. એ બધાં નીતી અને ધર્મનાં ક્ષેત્રો છે. વીજ્ઞાન આ બાબતોથી અલીપ્ત છે. જ્યારે બધા જ ધર્મોએ વીજ્ઞાનના નામે કેટલાયે ગપગોળા વહેતા મુક્યા છે. ધર્મ અને વીજ્ઞાનને એકબીજા સાથે સરખાવવાં યોગ્ય નથી અને જરુરી પણ નથી; કારણ કે બન્નેનું કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતી સાવ અલગ છે. છતાં ધર્મના નામે, કુદરતી નીયમો વીરુદ્ધની, જાહેર અનુભવ વીરુદ્ધની અગણીત વાતો ફેલાવવામાં આવે છે અને અન્ધશ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી એને સ્વીકારે છે.

જૈન ધર્મની વૈજ્ઞાનીકતાની તરફેણમાં ખાસ સંભળાતો એક દાખલો છે– વનસ્પતીમાં જીવ હોવાની શોધ જૈન તીર્થંકરોએ કરી છે. વીજ્ઞાને તો હમણાં એ કબુલ્યું છે.

અન્ય સજીવોની જેમ વનસ્પતી પણ જન્મે છે (ઉગે છે), વૃદ્ધી પામે છે અને મૃત્યુ પામે છે. એને પણ વધવા માટે હવા, પાણી, ખોરાક અને સુર્યપ્રકાશ જોઈએ છે. વનસ્પતીને રોગ પણ થાય છે. એ પોતાનો વંશવેલો આગળ વધારે છે. જો કે અન્ય સજીવોની જેમ તે જોઈ કે સાંભળી શકતી નથી, હલનચલન કરી શકતી નથી કે પોતાના વંશજોની સમ્ભાળ રાખી શકતી નથી. આ એની મર્યાદા પણ છે.

બધા આટલું જાણે છે અને જોઈ શકે છે. આ જાહેર અનુભવ એટલો સ્પષ્ટ છે કે એને સામાન્ય શોધ પણ ન કહેવાય. અન્ય પ્રાચીન સંસ્કૃતીઓના સાહીત્યમાં પણ એનો ઉલ્લેખ છે. જો વનસ્પતીના સજીવપણાને શોધ કહીએ તો બીજી ઘણી સામાન્ય કુદરતી ઘટનાઓને પણ શોધ કહેનારા મળી આવે. દા.ત. રોજ બે વખત દરીયામાં ભરતી–ઓટ આવે છે, પક્ષીઓ જ ઉડી શકે છે, પ્રાણીઓ નહીં; વગેરેને પણ શોધ કહેવી પડે. શોધ એને કહેવાય જે વાતની અન્ય કોઈને ખબર ન હોય અને એ વાતની સાબીતી સાથે કોઈ વ્યક્તી રજુઆત કરે.

વનસ્પતીના સજીવપણાની વાત આટલેથી અટકતી નથી. ઘણા લોકો આ શોધનું શ્રેય ભારતના આગવા વૈજ્ઞાનીક જગદીશચન્દ્ર બોઝને આપે છે. એક સદી પહેલાં થયેલા બોઝ (1858-1937) ભારતમાં થયેલ થોડા શ્રેષ્ઠ વૈજ્ઞાનીકોમાંના એક છે. એમણે વનસ્પતીશાસ્ત્ર ઉપરાન્ત રેડીયો અને માઈક્રોવેવ ઓપ્ટીક્સમાં પણ ઘણું કામ કર્યું છે. એમણે પ્રાણીઓ અને વનસ્પતીના કોશોમાં રહેલી સમાનતા શોધી હતી. તેમ જ વનસ્પતીમાં પણ પ્રાણીઓની જેમ સમ્વેદનાઓ છે અને આસપાસના વાતાવરણથી પ્રભાવીત થાય છે એવું પ્રયોગો દ્વારા સાબીત કર્યું હતું. આ શોધો અને ‘વનસ્પતી સજીવ છે’ની કહેવાતી શોધ વચ્ચે ઘણો ફરક છે. વનસ્પતીનું સજીવપણું એ કોઈની પણ શોધ નથી, એ જાહેર અવલોકન છે. ઉતાવળીયા અણઘડ લોકો દ્વારા ફેલાવાતી આવી બીજી ‘વાંદરામાંથી માણસ થયો’ જેવી અધુરી સમજની છણાવટ મારા આગલા એક લેખમાં કરી છે.

આવી સામાન્ય બાબતોના થોડા વધુ દાખલાઓ ઉમેરીએ તોય કોઈપણ ધર્મ વૈજ્ઞાનીક નથી બની જતો. આની સામે ધર્મગ્રંથોમાં વર્ણવાયેલ બાબતોના એવા દસ ગણા દાખલાઓ આપી શકાય જે અવૈજ્ઞાનીક હોય અથવા સત્યથી વેગળા હોય.

અવારનવાર સંભળાતી બીજી વાત છે, ‘વીજ્ઞાન આજે જે પણ શોધી રહ્યું છે તે બધું હીંદુ અને જૈન શાસ્ત્રોમાં પહેલેથી જ હતું. પશ્વીમના દેશો આપણા શાસ્ત્રોમાંથી ઉઠાંતરી કરી ગયા છે, વગેરે વગેરે’. ભણેલીગણેલી વ્યક્તીઓની નાદાનીયત ક્યારેક નવાઈ પમાડે છે. આપણી પાસે પહેલાં બધું હતું તો આજે કેમ કંઈ દેખાતું નથી ? આપણા શાસ્ત્રોમાંથી બીજાઓ પ્રેરણા મેળવે છે કે માહીતી મેળવે છે તો એવું કરતાં આપણને કોણ રોકે છે ? આપણે કેમ નવી શોધોમાં આટલા પાછળ છીએ ?

પ્રાચીન કાળનું પરીવહન જાનવરો અને એમના વડે ખેંચાતાં પૈડાંવાળાં વાહનો પુરતું મર્યાદીત હતું. મધ્ય યુગ સુધી એ જ ચાલતું રહ્યું. અર્વાચીન યુગ શરુ થતાં; પહેલાં સાઈકલ, પછી વરાળ વડે ચાલતી ટ્રેન, પછી પેટ્રોલ–ડીઝલ વડે ચાલતી ગાડીઓ અને પછી વીમાન શોધાયાં છે. જો પ્રાચીન કાળમાં પણ વીમાનો હોત તો ક્યાંક સાઈકલ, ટ્રેન કે કારનો ઉલ્લેખ અવશ્ય હોત. કારણ કે એ બધાને બનાવવા પ્રમાણમાં સહેલા હતા. એમનો ઉલ્લેખ ક્યાંય નથી. તેમ જ એમનાં અવશેષ પણ ક્યાંયથી મળ્યાં નથી. સાવ સ્પષ્ટ વાત છે કે જટીલ યંત્રો ત્યારે શોધાયાં જ નહોતાં. આ ઉપરાંત યાન્ત્રીક વાહનો ચલાવવા માટે ઈંધણ પણ જોઈએ. આવા કોઈક ઈંધણનો કોઈ ઉલ્લેખ ક્યાંક તો હોવો જોઈએ !

યંત્ર નહીં; પણ મંત્ર–તંત્રથી ઉડી શકાય અને અદૃશ્ય થઈ શકાય એવી વીદ્યાઓ હોવાની પણ એક માન્યતા છે. ફરી એ જ સવાલ. જો એવી વીદ્યાઓ હતી તો આજે કેમ નથી ? સમય સાથે તે વધુ વીકસીત થવી જોઈતી હતી. યોગ, આયુર્વેદ જેવું જે વાસ્તવીક હતું તે આજે પણ જળવાયેલું છે. જે આજે નથી તે હતું જ નહીં એમ સ્વીકારવું વધુ વાજબી છે.

પ્રાચીન કાળથી આજ સુધી ભારતની સંસ્કૃતી અતુટ એકધારી રહી છે. રામાયણ મહાભારતના લાખો શ્લોક કંઠસ્થ રખાયા હતા. તેમ જ લખાયા પણ હતા. તો આવા મનુષ્ય ઉપયોગી મન્ત્ર–તન્ત્ર જો સાચે જ હોત તો અવશ્ય કંઠસ્થ કર્યા હોત કે લખાયા હોત. વાસ્તવીકતા એ છે કે ભારતના પ્રાચીન સાહીત્યમાં ધાર્મીક આધ્યાત્મીક વાતો વધુ છે; વૈજ્ઞાનીક વાતો નહીંવત્ છે. ત્યારે ગણીત અને ખગોળ હતું; કારણ કે એમાં પ્રયોગ કરવાના નથી હોતા. રસાયણશાસ્ત્રની શરુઆત હતી; પણ યન્ત્રશાસ્ત્રને નામે કશું નહોતું, સીવાય કે પૈડાં જેવી સામાન્ય વસ્તુઓ. વીમાન બનાવવું દુર રહ્યું; સાદાં યંત્રો બનાવવામાં પણ યન્ત્ર–શાસ્ત્રનું ઉંડુ જ્ઞાન હોવું જરુરી છે. વીજ્ઞાનના છુટા છવાયા નીયમોની જાણકારી માત્રથી યન્ત્ર નથી બનાવી શકાતાં.

આજે ‘સ્ટાર વૉર્સ’, ‘સ્ટાર ટ્રેક’ જેવી ફીલ્મોમાં પ્રકાશની ગતીએ ઉડતા અવકાશયાનોમાં તારાઓની દુનીયામાં ફરતા માનવો અને યંત્રમાનવો બતાવવામાં આવે છે. ‘ટાઈમ મશીન’ અને ‘બૅક ટુ ધ ફ્યુચર’ જેવી ફીલ્મોમાં જોઈએ એટલાં ભુતકાળમાં કે ભવીષ્યમાં પહોંચાડી દેતાં યંત્રો બતાવાયાં છે. સુપરમેન કે સ્પાઈડરમેન જેવા અલૌકીક તેમ જ અવાસ્તવીક શક્તી ધરાવતાં પાત્રોવાળી ફીલ્મો બને છે. લખાણ કરતાં દૃશ્યો વધારે અસરકારક અને સાચાં લાગે એવાં હોય છે.

આ બધી આજના માનવીની કલ્પનાઓ છે. આપણે એમને માત્ર મનોરંજન તરીકે માણીએ છીએ. પાંચસો કે હજાર વરસ પછીના લોકો આ બધી વાર્તાઓને જો આજની વાસ્તવીકતા માનવા લાગે, આવાં પાત્રોની મુર્તી બનાવી એને પુજવા લાગે, તો તે સાચા કે શાણા નહીં ગણાય. જ્યારે ત્રણ–ચાર હજાર વરસ પુરાણી વાતોને આપણે આસાનીથી અને શ્રદ્ધાથી ત્યારની વાસ્તવીકતા તરીકે સ્વીકારી લઈ પોતાને જ્ઞાની સમજીએ છીએ.

આજના જેવી કલ્પનાઓ તો માણસ પહેલેથી કરતો આવ્યો છે. કલ્પનાઓ કરવી એ માનવવંશને મળેલી ખુબ અગત્યની ભેટ છે. કલ્પના નવા વીચારોની જનેતા છે. પૌરાણીક પાત્રો સાચે જ થઈ ગયાં છે કે માત્ર કવી–કલ્પના છે એની ચર્ચામાં આપણે નથી પડવું. છતાં પણ એમના વીશે સંભળાતી દરેકે દરેક વાત અક્ષરશ: માની લેવી એ આસ્તીકતાનો માપદંડ નથી. કુદરતી નીયમ વીરુદ્ધની વાતો ન માનનારા નાસ્તીક નથી થઈ જતા. ખરી રીતે જોઈએ તો તેઓ શક્ય-અશક્ય પારખનાર વાસ્તવવાદી છે.

છેલ્લાં બસો વરસમાં પકૃતી વીશેની આપણી સમજમાં કેટલાયે ગણો વધારો થયો છે. જેમ વધુ જાણીએ છીએ તેમ કેટલું બધું જાણવાનું હજી બાકી છે તેનો ખ્યાલ આવતો જાય છે. બધું જ જાણતા હોવાનો દાવો કોઈપણ સાચો વૈજ્ઞાનીક નહીં કરે. જ્યારે માત્ર ચીન્તન કે સ્ફુરણા દ્વારા બધું જાણી લેવાનો દાવો ઘણા કરતા આવ્યા છે.

પ્રાચીન સાહીત્યની અસલ પ્રતો ભાગ્યે જ કોઈ વાંચતું હશે. એટલે એમાં શું લખેલું છે તે જાણવું લગભગ અશક્ય જેવું છે. છતાં પ્રાચીન ગ્રંથોના નામે ગેરસમજ ઉભી કરતા, અતીશયોક્તી કરતા કે સરાસર જુઠાણું ફેલાવતા બીજા ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. માત્ર કુદરતી નીયમોની વીરુદ્ધની નહીં; પણ ઈતીહાસ અને ભુગોળ જેવા વીષયો સાથે પણ અસંગત હોય એવી ઘણી વાતો ફેલાવાય છે. કમનસીબે ભોળા લોકો એને સાચી માને છે. એની છણાવટ માટે અલગ લેખ જોઈશે.

મુરજી ગડા

અક્ષરાંકન: ગોવીન્દ મારુ  

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર