Pages

Sunday, February 26, 2012

વંદો– મધુસૂદન પારેખ


[ ‘ગુજરાત સમાચાર’ રવિપૂર્તિની લોકપ્રિય કૉલમ ‘હું શાણી ને શકરાભાઈ’માંના કેટલાક ચૂંટેલા લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય મધુર મધુર’માંથી સાભાર. ]

‘ઓ મા !’ પટલાણીએ રસોડામાંથી જોરદાર ચીસ પાડી. એ ચીસના પ્રત્યાઘાતથી પેથાભાઈના હાથમાં ચાનો કપ ધ્રૂજી ગયો. થોડી ચાએ એમના બુશર્ટ પર છંટકાવ કર્યો. પેથાભાઈ ચાનો કપ જેમનો તેમ રહેવા દઈને આશ્ચર્ય અને આઘાતથી ઊભા થઈ ગયા. એમને થયું કે પટલાણીને આજે, અત્યારે એકદમ મા ક્યાંથી સાંભરી આવી. હજી ભાદરવાના સરાધિયા તો આવ્યા નથી.
એ એકદમ રસોડામાં દોડ્યા. પટલાણીને કંપવા થયો હોય તેમ તેમના હાથ-પગ કાંપતા હતા. એકદમ તીણા, ગભરાટભર્યા અવાજે પટલાણીએ કહ્યું :
‘પણે જુઓ….’
‘પણે ? એટલે ક્યાં ?’
‘રસોડાના પ્લૅટફૉર્મ પર…..’ એમ બોલતાં પટલાણી પ્લૅટફૉર્મથી દૂર જઈને ઊભાં રહ્યાં.
પેથાભાઈએ પ્લૅટફૉર્મ પર નજર દોડાવી… ‘અહીં તો કશું નથી ? ગરોળી હતી ?’
‘અરે, એ મૂઈનું હવાર-હવારમાં ક્યાં નામ લ્યો છો ? રસોડાની સિન્કમાં જુઓ…..’ પેથાભાઈએ ધારીને સિન્કમાં જોયું. એક મૂછાળા વંદા મહાશય સીંકમાં આરામ ફરમાવતા હતા. પેથાભાઈએ કહ્યું :
‘અહીં તો વંદો છે….. એમાં ડરી ગઈ ?’
‘અરે મૂઓ મારા સાડલા પર ઊડીને બેઠો. મેં ગભરાટથી સાડલો ખંખેરીને ચીસ પાડી એટલે રસોડાની સિન્કમાં ઊડીને પડ્યો.’
‘તારી ચીસથી ગભરાઈને એ સિન્કમાં કૂદી પડ્યો હશે. મારા હાથમાંનો ચાનો કપ પણ તારી કૂકર જેવી ભયંકર વ્હીસલથી ગભરાઈને ધ્રૂજી ઊઠ્યો ને જો આ ચાનાં છાંટણાં.’ પટલાણીનું ધ્યાન વંદા પર હતું. એમણે કહ્યું :
‘એને પકડીને બહાર નાખી આવો.’
‘અરે, એ એની મેળે હમણાં ઊડી જશે. વંદાની જાત લપ્પી હોતી નથી. એ તો ઊડતારામ, ફરતારામ કહેવાય.’
‘ના, ના. પણ મને વંદાની બહુ બીક લાગે છે…. તમે ગમે તેમ કરીને તેને પકડીને પડોશીના ઓટલા પાસે નાખી આવો.’
‘પડોશીના ઓટલા પાસે ? કેમ ?’
‘આપણા ઓટલા પાસે નાખો તો મૂઓ ઊડીને પાછો આપણા જ ઘરમાં પેસી જાય.’
પેથાભાઈને જરા ગમ્મત પડી – આપણા ઘરની સમૃદ્ધિ ભલે પડોશીને ઘેર જજો. વંદા, માંકડ, જીવાત, મરેલી ઉંદરડી, ગરોળી…. એ બધી વિવિધ સમૃદ્ધિ. આપણામાં કહેવત છે ને કે આપણને નહિ પણ આપણા પડોશીને હજો !
‘હજી ઊભા ઊભા શા વિચાર કરો છો ? વંદો ઊડીને પાછો ક્યાંક ભરાઈ જશે તો ઝટ નીકળશે નહિ.’
‘ના, ના. ગરોળી ગમે ત્યાં ભરાઈ જાય. વંદા મહાશયો તો ખુલ્લામાં જ મૂછો ફરકાવતા ઊડે.’
‘હશે…. પણ તમે ઝટ પકડીને ઉઠાવો.’
‘શેનાથી ઉઠાવું ?’
‘સાણસીથી…..!’ પટલાણી ચિડાઈને બોલ્યાં, ‘લોકો વંદાને શેનાથી ઉઠાવતા હશે ? તમે છાપાનો એક કાગળ લાવો. તેમાં તેને ઉપાડો ને બહાર નાખી આવો. પણ પાછા આખું છાપું ના ફાડશો.’
પેથાભાઈ કહે : ‘કાતર છે ? છાપામાંથી કટકો કાપીને લઈ આવું.’ પટલાણીને આ બધી ગમ્મત ગમી નહિ. એ ફટાફટ રદ્દી છાપાનો એક લાંબો પહોળો ટુકડો કાપી લાવ્યા. પેથાભાઈને જરા મૂંઝવણ થઈ. જીવજંતુને પકડવાનો પ્રયોગ તેમણે જિંદગીમાં ક્યારેય કર્યો નહોતો. તેમણે મસ્તીથી બેઠેલા વંદાજી પર કાગળ મૂકવા પ્રયત્ન કર્યો ત્યાં જ વંદાજી ઊડ્યા અને માટલા પરના બુઝારા પર ઠંડકમાં બેઠા.
પટલાણી ચિલ્લાઈ ઊઠ્યાં : ‘અરે, એ ઊડી ગયો. તમે શું કર્યું ? ઝડપથી પકડી ના લીધો ?’
પેથાભાઈ કહે : ‘મારી ઝડપ કરતાં વંદાની ઝડપ વધારે હતી એટલે એ ઊડી ગયો.’
‘પણ પાણીના બુઝારા પરથી એને ઝટ ઉડાડો. મારે તો બુઝારું ધોવું પડશે.’
પેથાભાઈ કંટાળ્યા : ‘ફેન્ટા ઘરમાં નથી ? એને બોલાવ ને !’
‘એ ઘરમાં હોત તો તમને જખ મારવા બૂમ મારી હોત ?’ પટલાણી હવે ઉશ્કેરાટમાં હતાં. તેમણે કહ્યું : ‘તમે એમ કરો. કપડાનો એક કટકો લઈ આવીને એમાં એને ઝડપી લ્યો. મને તો તમે ભારે ટેન્શન કરી નાખ્યું !’
‘મેં કે વંદાએ ?’ પેથાભાઈને પ્રશ્ન થયો, પણ ગળી ગયા. અને એક નૅપ્કિન લઈ આવ્યા. પટલાણી ફરી ગૅસ પરની કીટલીની જેમ ગરમ થઈ ગયા : ‘અરે, આવો સારો નૅપ્કિન બગાડવો છે?’
‘એમાં બગડવાનો ક્યાં સવાલ છે ? નૅપ્કિન ધોઈ નંખાશે.’
પણ પટલાણીને વંદા જેવા તુચ્છ જંતુને વૈભવી વસ્તુથી પકડવાનો વિચાર ગમ્યો નહિ. તે એક ગાભો લઈ આવ્યાં અને કહે : ‘હવે આનાથી પકડો. જોજો, પાછો એ ઊડી જાય નહિ.’ પેથાભાઈએ ગાભો હાથમાં પકડ્યો અને ‘સંશયાત્મા’ની જેમ પગલાં ભરતા માટલા પાસે આવ્યા. અને એકદમ ઝડપથી ગાભો વંદા પર ઝીંક્યો. વંદામહાશય ગાફેલ રહ્યા. ગાભામાં કેદ થઈ ગયા. પેથાભાઈને થયું કે જંગ જીત્યા. ખુશ થઈને તેમણે પટલાણીને અભિનંદનની નહિ તો શાબાશીની આશાએ કહ્યું : ‘જો, કેવો ઝડપાયો !’ એમ કહીને તેમણે ગાભો બતાવ્યો. પણ એમ કરવા જતાં ગાભામાંથી વંદામહાશય સરકીને નીચે પડવાને બદલે પાંખો ફફડાવી ઊડ્યાં અને પટલાણીના સાડલા પર મોહી પડ્યા.
પટલાણીની વળી પાછી જોરદાર, એક્સપ્રેસ ટ્રેન જેવી ચીસ. એકદમ તેમણે જોરથી સાડલો ખંખેર્યો. વંદો બિચારો ‘નષ્ટો મોહ’ની અવસ્થામાં નીચે પડ્યો. પેથાભાઈ એકદમ તેની પાછળ દોડ્યા. વંદાને પકડવા જતાં તે ઊંધો થઈ ગયો અને પ્રાણ બચાવવા તરફડવા મંડ્યો. એની તમામ તાકાત ખતમ થઈ ગઈ. એનું મૃત્યુ નજીક જોઈને પેથાભાઈએ તેને હળવેથી ગાભામાં કેદ કરી લીધો.
પટલાણી કહે : ‘હવે ગાભો જેમનો છે તેમનો તેમ રાખીને, વંદો એમાંથી પાછો સરકી ન પડે તેમ સાચવીને લઈ જાવ.’ પેથાભાઈ પત્નીની આજ્ઞા શિરોધાર્ય ગણીને, સાવચેતીપૂર્વક ગાભો જાણે મોટી મિરાત હોય તે રીતે પકડીને પગલાં પાડતા મકાનના બારણા પાસે આવ્યા. ત્યાં તેમની સિવિક સેન્સ-નાગરિક જવાબદારી યાદ આવી કે પડોશીને આંગણે વંદો નાખવો તેમાં શોભા નહિ. એ ધીમેથી ઓટલો ઊતર્યા અને પાસે કચરાની ટોપલી હતી તેમાં ગાભો નાખ્યો. વંદા મહાશય ગાભામાં રહ્યા કે કચરામાં ગયા તે જોવા પેથાભાઈ થોભ્યા નહિ.
પેથાભાઈએ ગૃહપ્રવેશ કરતાં જ પટલાણીએ પૂછ્યું : ‘બરાબર નાખ્યો ને !’
‘બરાબર. હવે પછી એ આપણું ઘર જોવા નહિ આવે.’
પટલાણી ખુશ થયાં, પૂછ્યું : ‘ગાભો ક્યાં ગયો ?’
‘ગાભો ?’ પેથાભાઈને જબરો શૉક લાગ્યો. ‘મેં ગાભા સાથે તો વંદાને પધરાવ્યો.’
‘અરે, ગાભો તો બહુ કામનો હતો : તમે વંદા સાથે ગાભોય નાખી દીધો ? પડોશીના આંગણામાં જ હજી પડ્યો હશે ને….’
‘મેં તો જરા દૂર જઈને કચરાની ટોપલીમાં ગાભા સાથે વંદાને પધરાવ્યો.’
પટલાણી અફસોસ કરી રહ્યાં કે એક વંદાને પકડીને નાખવામાં કેટલાં બધા કામનો ગાભોય એવા એ નાખી આવ્યા. પુરુષજાતને કસર મળે જ નહિ.