Pages

Friday, February 24, 2012

આપણી અધોગતીનું મુળ ઈશ્વર પરાયણતા

જીવન અને જગતની સમસ્યા અને રહસ્યને વીવેક બુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના અધીષ્ઠાન પર સમજવાની જગ્યાએ, કાલ્પનીક ધર્મ-અધ્યાત્મની તરંગી શ્રદ્ધા-અંધશ્રદ્ધા પર સમજવાના આપણા અતાર્કીક અભીગમને કારણે આપણે વીશ્વમાં ઘણા પછાત રહી ગયા છીએ.

આપણી કુટુમ્બ સંસ્થા અને આપણી શીક્ષણ સંસ્થાઓ એ આપણા ધાર્મીક શ્રદ્ધા-અંધશ્રદ્ધાનાં સૌથી મોટાં પ્રચાર કેન્દ્રો છે. નવજાતશીશુ જન્મતાની સાથે વીસ્મય દૃષ્ટી અને નીરપેક્ષ જીજ્ઞાસાવૃત્તી સાથે જન્મ લે  છે. પ્રત્યેક બાળક સર્જનશક્તી, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટી લઈને જન્મતું હોય છે. પરંતુ આવા બાળક પર બાળઉછેરના નામે આપણી કુટુમ્બ સંસ્થા અને કેળવણીના નામે આપણી શીક્ષણ સંસ્થાઓ એવા તો અવૈજ્ઞાનીક, અવીવેકી અને સંવેદનબધીર અમાનવીય કુપ્રયોગો અને કુસંસ્કારોનું આક્રમણ કરે છે કે જેને કારણે પેલું નવજાત–નીર્દોષ બાળક સર્જનશીલતા, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટીવીહોણા અને સમસ્યાસર્જક યુવાનમાં રુપાંતર પામતું રહે છે.

દરેક ઘટના, દરેક સમસ્યા કે દરેક અકસ્માત એટલે ‘ઈશ્વરની મરજી’ – જેવા ભ્રામક અર્થઘટને આપણી આખેઆખી પ્રજાને પલાયનવાદી–નીર્માલ્ય બનાવી દીધી છે. આવી ઈશ્વર પરાયણતાને કારણે સરેરાશ દરેક ભારતીયને વીવેકબુદ્ધી વગરનો, અવૈજ્ઞાનીક અભીગમવાળો અને દૃષ્ટીવીહોણો બનાવી દીધો છે.

ઈશ્વર પરાયણતા અને ધાર્મીક અંધશ્રદ્ધાના આક્ર્મણે ભારતીય યુવાનની કોઈપણ વીચાર કે ઘટનાને સંશય–દૃષ્ટીથી તપાસવાની વૃત્તી ને જ હરી લીધી છે અને તેની જીજ્ઞાસાવૃત્તીનું પણ સાવેસાવ નીકંદન કાઢી નાખ્યુ છે ! દરેક સારી – નરસી ઘટનામાં ઈશ્વરને જવાબદાર ઠેરવી દેવાની મનોવૃત્તીએ કોઈપણ પરીણામનું વીવેકબુદ્ધીથી, વૈજ્ઞાનીક અભીગમથી સંશોધન કે પરીક્ષણ કરવાના અભીગમને ગળે જ ટુંપો દઈ દીધો છે !

ધર્મશ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ઈશ્વર પરાયણતાને કારણે ભારતવર્ષમાં બાવા-બાવીઓ, ધુતારા–કર્મકાંડીઓ અને ધર્મઢોંગીઓનો રાફડો પેદા થયો છે. તો બીજી બાજુએ પ્રારબ્ધવાદી, આળસુ અને અંધશ્રદ્ધાળુ આમ જનતા ગરીબી, ગુલામી અને નીર્માલ્યતામાં સરી પડી છે. જ્યારે પશ્વીમ અને યુરોપની પ્રજા વીવેકબુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના આધારે પોતાનો, પોતાના સમાજનો તથા રાષ્ટ્રનો આલોક સુધારી ચુક્યા છે.

જો ભારત વર્ષે પ્રગતીના પંથે આગળ વધવું હોય તો ધર્મપ્રેરીત શ્રદ્ધા-અંધશ્રદ્ધા તથા ઈશ્વર પરાયણતામાંથી મુક્ત થઈ વીવેકબુધ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદને રસ્તે જ કદમ માંડવા પડશે. કુટુમ્બ સંસ્થા અને શીક્ષણ સંસ્થાઓ તે માટે બદલાવું પડશે.

- ઉત્તમ પરમાર