Pages

Monday, February 20, 2012

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ટરનેટી–અંધશ્રદ્ધાનો વ્યાપ !



આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા ફેલાવવામાં પાછા પડતા નથી ..લખે કે ‘દસને ફોરવર્ડ કરો તો આ લાભ અને ન કરશો તો ફલાણો ગેરલાભ !!!’
સને ૧૯૯૨માં પોતાના પાંચ મીત્રોનાં નામ-સરનામાં ટાઈપ કરી, નીચે પોતાની સહી કરી નવા પાંચ પત્રો વૈશ્વીક સ્તરે ‘ગુડલક’ મેળવવા મોકલવામાં આવતા હતા. આ પત્રમાં એક સુચના આવતી કે, ‘આ પત્ર નેધરલેન્ડથી શરુ થયો છે અને આખા વીશ્વમાં લગભગ ૨૦ વાર તો તે ફરી ચુક્યો છે ! જ્યાં પણ પહોંચ્યો છે તેમને સૌને ‘ગુડલુક’ પ્રાપ્ત થયું છે. જે જે વ્યક્તીએ આ ચેઈન તોડીને પત્ર નથી લખ્યો તેનું ધનોત-પનોત નીકળી ગયું છે. આ પત્ર સાચવીને રાખશો નહીં, કોઈ પૈસા મોકલશો નહીં. તમારા સેક્રેટરી પાસે આની ચાર વધુ નકલો બનાવડાવી, તેને તમારા પાંચ મીત્રોનાં સરનામે પોસ્ટ કરી દો. જે મીત્રને આ પત્ર મળશે તેનું નસીબ ખુલી જશે તથા આજથી ચાર દીવસમાં તેમને ‘ગુડલક’ પ્રાપ્ત થશે.’ આ કોઈ ગમ્મત (Joke) નથી. તે સમયે– અર્થાત્ દોઢ દાયકા પહેલાના– સીએટ ટાયરના પ્રમુખ, સીટી બેંકના ઉપ-પ્રમુખ અને ભારત, શ્રીલંકા, નેપાળ તથા બાંગ્લાદેશના એરીયા હેડ વગેરે મોટાં માથાંઓ આવી હારમાળાને પોષવામાં તેઓનો સુર પુરાવીને સંદેશો પાઠવતાં કે, (૧) ‘હું અંધશ્રદ્ધાળુ નથી; પણ દેશની આ પરીસ્થીતીમાં આવા સારા ‘લક’નો જરુર ઉપયોગ થઈ શકે.’ (૨) ‘હું અંધશ્રદ્ધાળુ નથી, પણ ગલ્ફનું યુદ્ધ તથા ભારતના રાજકારણમાં અનીશ્ચીતતાવાળા વરસમાં આવો ચેઈન-પત્ર તોડીને મારી જાત પર ‘બેડ-લક’ આવવા નહીં દઉં.’ આમ- નસીબને સુધારવા સારુ,  હામ ભીડીને પુરુષાર્થ કરવાને બદલે નાહકના પત્રો લખવાની પ્રથા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુર્ખામીનો જ વ્યાપ હતો.
હાલમાં પણ કેટલાક ન્યુમરોલોજીસ્ટ-એસ્ટ્રોલોજર મીત્રો ઇ-મેઇલ દ્વારા 9-11 ની તારીખે બનેલ આતંકવાદી ઘટના તેમ જ તે 11 ના આંકડાના વીવીધ અર્થઘટનો કરી તેઓની સુચનાને અનુસરવા જણાવે છે. તમારા પરીચીત વધારેમાં વધારે વ્યક્તીઓને આવા મેઈલ મોકલશો તો 11 મીનીટમાં તમને આશ્ચર્યજનક ફાયદો થશે, જો તેમ નહીં કરો તો 11 મીનીટમાં આઘાતજનક નુકસાન થશે- તેવું જણાવીને ધમકાવે છે. ગુજરાતી સાહીત્યને ઈન્ટરનેટ જગતમાં ગૌરવ અપાવનાર વડીલ મીત્ર સુરતના ઉત્તમ ગજ્જર પર પણ એકાદ મીત્રે આવી મેઈલ મોકલેલ. તેને આપણા લાડીલા વડીલે પ્રત્યુત્તર પાઠવેલ કે, ‘વહેમો અને અંધશ્રદ્ધાનાં આવાં જંગલોને ભેદવા... આ પ્રકારની કોઈ પણ મેઈલ હું તેના મોકલનાર સીવાય કોઈને જ મોકલતો નથી... તે જ રીતે આ માત્ર તમને જ પરત મોકલું છું અને 11 દીવસમાં કે કલાકમાં કે મીનીટમાં મને શું નુકસાન થાય તેની રાહ જોઈ બેસું છું... હવે પછી આવી મેઈલ મને ન મોકલો તો મને ગમશે...’ આમ અમે બન્નેને 11 મીનીટ, 11 કલાક કે 11 દીવસમાં કોઇ નુકસાન થયું નથી. ૨૧મી સદીના આ આઈટી યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સ્વતંત્ર અને નીર્ભય વીચાર–વીવેક શક્તીનો કારમો દુકાળ અને મુર્ખામીનો વ્યાપ અકબંધ છે…
સમાજમાં સફેદ લીબાશમાં અંધશ્રદ્ધા ફેલાવતા સફેદ ઠગ કે ધંધાદારી લોકોથી સાવધ રહેવાની બહુજન સમાજને જરુર છે. મનથી મજબુત રહેનારને આવા કોઇ સફેદ ધુતારા કે ઠગ ઠગી શકતા નથી.


ગોવીન્દ મારુ