[‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.]
આપણી દુનિયા જ એક મહાન અજાયબઘર છે. કેટકેટલા રંગ ને કેટકેટલાં રૂપ ! કેટકેટલા સ્વાદ ને કેટકેટલી સુગંધ ! કેટકેટલા સૂર ને કેટકેટલા તાલ ! કેટકેટલા સ્પર્શ ને કેટકેટલી આવનજાવન ! ઈન્દ્રિયોના યજ્ઞાગ્નિમાં જેટલું હોમો એટલું ઓછું ! જિંદગીભર જોયા કરો, જાણ્યા કરો ને જીવ્યા કરો.
પરંતુ આપણને યાદ રહેવું જોઈએ કે આ અજાયબઘરમાં પ્રવેશતી વેળાએ આપણને અમુક નિયત મુદત સુધી જ રહેવાનો પરવાનો મળેલો છે. આપણને એ જે મુદત મળેલી છે તેનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. આપણા જીવનની એકેએક ક્ષણ કીમતી છે, તે ન વેડફાય એની સાવધાની – તકેદારી આપણે રાખવાની છે. એ માટે સજાગતા જરૂરી છે, સક્રિયતા જરૂરી છે. ભય, શંકા, આળસ, કંટાળો, સંકલ્પશક્તિનો અભાવ, અવસાદ (ખિન્નતા) – આવા આવા અવરોધો આ અજાયબઘરનો જોઈએ તેટલો લાભ લેતાં આપણને અટકાવે છે; આપણી સમજણશક્તિ, વિવેકશક્તિ, કાર્યશક્તિ – તેમના વિકાસમાં તેઓ તેઓ નડે છે, માટે જ આપણે ‘જાગ્યા ત્યાંથી સવાર’ અથવા ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ – એ ન્યાયે અજાયબઘરનું મહત્વ સમજાતાં જ એનો સકારાત્મક વલણથી લાભ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને આપણે જે કંઈ ઉત્તમ ગ્રહવા જેવું હોય તે તરફ વાળવી રહી. ‘ખરું જોવાનું તો રહી ગયું’, ‘ખરું સાંભળવા જેવું હતું તે તો સાંભળ્યું જ નહીં’, ‘અરે ! પેલી વાનગી તો ખૂબ સરસ બની હતી. એ તો ચાખવાની જ રહી ગઈ’, ‘કેવી સુવાસિત ને શીળી લહેરખી આવતી હતી, આપણે બારીબારણાં બંધ કરી, ગોદડાંમાં ગોટમોટ થઈને પડી રહ્યા’ – આવા આવા અફસોસના ઉદ્દગારો કાઢવાના હોય એનો અર્થ જ એ કે સફરજન જેવું જીવનનું લાભદાયી ફળ આપણને હાથવગું થયું પણ તેને સરખી રીતે ખાઈ લેવાનું આપણને ફાવ્યું નહીં.
આપણે આ દુનિયાના અજાયબ ઘરમાં પ્રવેશ તો મેળવી લીધો જ છે તો હવે તેમાંથી બહાર નીકળવાનું થાય તે પહેલાં જેટલું માણી લેવાય એટલું માણી લેવું એમાં જ આપણું શાણપણ છે. અમુક મુદત સુધી આ અજાયબઘરમાં રહેવાનું છે ને ઘૂમવાનું છે તો પછી ઉત્સાહ ને આનંદથી જ શા માટે ન રહીએ, ન ઘૂમીએ ? કોઈક રીતે કેટલાક અબજ શ્વાસ આપણે લેવાના છે તો લઈએ પણ એમ કરતાં આપણે આપણા આ પંડના ઘટમાં જે કંઈ ઉત્તમ રસ ભરવો ઘટે તે ભરી લઈએ. આપણે ખેતરમાં વાવેલા બીજની માવજત કરીએ છીએ તેમ આપણેય આપણા જીવનની એકએક ક્ષણની બરોબર માવજત કરવી જોઈએ; ગુલાબના ફૂલની જેમ આપણા જીવનની એક એક ક્ષણ ખીલે અને મહેકે એવું થવું જોઈએ. ક્ષણ સચવાશે તો જીવન સચવાશે, આપણે આ દુનિયાના અજાયબઘરમાંથી ઘણુંઘણું પામી શકીશું. આંખો ખોલો નહીં તો સૂરજ દેખાય નહીં. ઈન્દ્રિયોની બારીઓ ખોલો નહીં તો દુનિયાની અનેકાનેક અજાયબીઓનું દર્શન થાય નહીં. ગંગાકાંઠે તરસ્યા રહી જનારા અબુધ જન જેવી આપણી દશા થાય. તેથી માત્ર આજનો જ નહીં, રોજેરોજનો લહાવો લઈએ; પરમાત્માની અનુપમ સર્જનલીલાને નિહાળીએ અને એ દ્વારા એમની અપરંપાર શક્તિનો પારસ-સ્પર્શ આપણે પામીએ અને આપણા અસ્તિત્વની એકેએક રજકણને સ્વર્ણકણમાં રૂપાંતરિત કરવાના ઈલમથી આપણે આપણી આસપાસના સૌના જીવનની ક્ષણોને અમૃતમય અને આહલાદક બનાવવાના સત્યના પ્રયોગ જેવા જ સૌન્દર્યના પ્રયોગો અવિરતપણે ઉત્સાહથી કરતાં રહીએ. આપણા આ પ્રયોગબળે જે કંઈ અભદ્રતાનાં આસુરી કે તામસિક વાદળો આપણને ઘેરવા મથતાં હશે તે પણ કાળે કરીને વિખેરાઈ જશે ને નાશ પામશે એ પણ નક્કી. આપણે તો એકેએક દ્રાક્ષને જેમ રસમય તેમ આપણા જીવનની એકેએક ક્ષણને ઈશ્વરમય – અમૃતમય બનાવવામાં શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રતાપૂર્વક મંડ્યાં રહેવું જોઈએ. એ જ હોઈ શકે આપણો તપોમય જીવનયોગ.