Pages

Wednesday, February 8, 2012

પરમ શાન્તિનો પ્રસાદ-ચંદ્રકાન્ત શેઠ

[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, 
આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.]

આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. વળી અનેક વાર વિશ્વશાંતિયજ્ઞો પણ આપણે કરીએ છીએ ને છતાં શાન્તિનો સાચો સ્વાદ માણવાની આપણી અભિલાષા ફળીભૂત થતી નથી, આપણે જો આપણને પોતાને શાન્ત કરી શકતા ન હોઈએ તો શાન્તિ કેવી રીતે આવે ? આપણે કેવી રીતે શાન્ત થવું એ જ આપણો યક્ષપ્રશ્ન છે.

આપણી આસપાસ અને અંદર શાન્તિને ક્ષુબ્ધ કરે, વિક્ષિપ્ત કરે એવાં અનેકાનેક પરિબળો ને પ્રદૂષણો જોવા મળે છે. તૃષ્ણાના તિખારા અને ક્રોધના અંગારા, લોભલાલચની કપટજાળો ને મોહકામની માયાજાળો, અહંકારના હુંકારા ને ઘમંડના ઘુરકિયાં, અસંતોષ અને અજંપાના ઉધામા, સ્વપ્નભંગ ને આશાભંગના આઘાતો, ઉધમાત ને ઉદ્ધતાઈ, ઉતાવળ ને અધીરાઈ, ચડસાચડસી ને અફડાતફડી, અવ્યવસ્થા ને અશિસ્ત, સ્વૈરાચાર ને દુરાચારની ડમરીઓ – આવી આવી તો અનેકાનેક સંઘર્ષણાત્મક બાબતો આપણી વ્યષ્ટિચેતના તેમ જ સમષ્ટિચેતનાના સંવાદસેતુને ખંડિત કરે છે અને અનિચ્છનીય કોલાહલથી આપણને ત્રસ્ત કરે છે. આપણને એ બધી બાબતો વીંખેપીંખે છે. આપણું ધોવાણ-ખવાણ થતું હોય, આપણને ઘસારો થતો હોય એવી લાગણી થાય છે. આપણા મધપૂડા જાણે મધ વગરના બની જાય છે. આપણી અંદર શાન્તિનો સુધા-રસ સ્ત્રવતો કે દ્રવતો નથી. આપણી પંડની માટીમાં શાન્તિ નથી ઊતરતી કે નથી ઠરતી. કોઈ દુ:શાસનના હસ્તોથી આપણા પંડનું પોત ખેંચાતું ને ચિરાતું હોવાનો ભાવ થાય છે. આપણું મન વેદના-વ્યથાથી માંડીને કિંકર્તવ્યમૂઢતા સુધીની વિષમ ભૂમિકાઓમાં અટવાઈ પડે છે. એક પ્રકારની બધિરતા, પંગુતા, અંધતા ને પરવશતા આપણને છિન્નભિન્ન કરી નાખે છે. સમતા અને સ્વસ્થતા, સંનિષ્ઠા ને સચ્ચાઈથી જો આપણું આસન દઢ હોય, આપણામાં ખરેખરો સત્વાભિનિવેશ હોય તો શાન્તિનું વરદાન પામવું મુશ્કેલ નથી.

માતા અપાર વાત્સલ્યથી બાળકના મસ્તક પર હાથ ફેરવે છે ત્યારે બાળકને કેવી નિરાંત, કેવો રાજીપો ને કેવી સુરક્ષા ને નિર્ભયતાનો અનુભવ થતો હોય છે ! બાળકને માની નિશ્રામાં વહાલ અને વિશ્વાસની શીળી છાંયડી મળે છે. એવી જ છાંયડી મળે છે આપણને આંતરિક કે આધ્યાત્મિક શાન્તિમાં. આપણી દુર્વૃત્તિઓનું શમન થતાં જ શાન્તિનો સમુદય થવા લાગે છે. આપણી સદવૃત્તિઓના ઉત્કર્ષ સાથે જ શાન્તિનો ભાવ આપણી અંદર અને બહાર ઉઘાડ પામતો વિસ્તરવા માંડે છે. આ શાન્તિને માણવા-પ્રમાણવા માટે આધ્યાત્મિક અભિગમ અનિવાર્ય છે. જ્યાં પવિત્રતા અને પરમાર્થતા ત્યાં જ શાન્તિ. જ્યાં સચ્ચાઈ ને શુદ્ધિ ત્યાં જ શાન્તિ. જ્યાં સાત્વિકતા ને સ્નેહ ત્યાં જ શાન્તિ. જેમ બાળકને માતા પાસેથી શાતા સાંપડે છે એમ આપણને શીલવંત ભગવંતો પાસેથી, સંતો ને ગુરુજનો પાસેથી, સાચાદિલ ને સાફદિલ સજ્જનોને સ્વજનો પાસેથી, સુહૃદો-સુહૃદયો ને સુજ્ઞો પાસેથી શાન્તિ સાંપડે છે. ખરેખર તો સત્સંગની હવામાં શાન્તિ કોળે છે ને ફળેફૂલે છે. જ્યાં સુધી આપણમાંની અશુદ્ધિઓનું વિરેચન થાય નહીં ત્યાં સુધી શાન્તિનું સર્જન ને અવતરણ પણ થાય નહીં. શાન્તિની જનેતા છે આધ્યાત્મિકતા અને એનું સંતાન છે પ્રસન્નતા. આત્મચેતના પરમાત્મચેતનામાં પરિણતિ પામે ત્યારે પરમ શાન્તિનો પ્રસાદ આપણને સાંપડે છે. એ પ્રસાદ માટેની પાત્રતા કેળવવામાં આપણો પુરુષાર્થ પ્રવૃત્ત થાય એ જ ભાવના.