Pages

Saturday, February 4, 2012

મારો ઈશ્વર કોણ ?

ચર્ચાપત્રોમાં ભગવાન વીષયક ચર્ચાઓ ચાલી. હું માનું છું ત્યાં સુઘી દરેક વ્યક્તીનો ઈશ્વર ભીન્ન હોય છે. મારો ઈશ્વર મનુષ્ય છે. મારો ભગવાન પ્રાણીઓ­–પક્ષીઓ છે, વૃક્ષો છે. પુસ્તકો પરમાત્માનો પર્યાય બની શકે ? હા, મારે માટે. ફીરાક ગોરખપુરી કહી ગયા;

‘જીન્હે શક હૈ વો કરે ઔર ખુદાઓંકી તલાશ, 

હમ તો ઈન્સાનકો ઈસ જહાં કા ખુદા માનતે હૈં’

કોઈનો ભગવાન મંદીરોમાં પુરાયેલ છે. ભગવાન બંદી હોઈ શકે ? કોઈ મસ્જીદ કે ગીરજાઘરોમાં શોઘે છે. ‘અલ્લા’ કે ‘ગૉડ’ ઈંટ, સીમેન્ટ, પથ્થરની બનેલ દીવાલોનો ઓશીયાળો ખરો કે ? શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘આસ્તીકતા’ છે તો અ–શ્રદ્ઘાળુઓનો ઈશ્વર એમની ‘નાસ્તીકતા’ છે. નાસ્તીકો ગ્રંથથી ઘડાય છે, આસ્તીકો ગ્રંથીઓના ગુલામ છે. ઘડાયેલા ગાડાં વાળી શકે, ગુલામ કશું ન કરી શકે. અબ્રાહમ લીંકને કદાચ તેથી જ કહ્યું હતું, 

‘હું સ્વર્ગમાં ગુલામ બનવા કરતાં નર્કમાં નેતા બનવાનું પસંદ કરું.’ 

હું માનું છું કે, જેમાંથી જીવનબળ મળે તે ભગવાન. 

જીસસે ઉપદેશ્યું: ‘ધ કીંગડમ ઓફ ગૉડ ઈઝ વીઘીન યુ’.  

ગૌતમ બુદ્ઘ : ‘અપ્પ દીપો ભવ’ની વાત કરી ગયા. 

કબીરે ‘તેરા સાંઈ તુજમેં’ કહી ઝાંકવાનું પ્રબોઘ્યું. 

આદ્ય શંકરાચાર્ય ‘ચીદાનન્દ રુપ: શીવો અહમ્‘ કહી ગયા. યુગપુરુષોએ આટલું બઘું કહ્યા પછી આ બઘી મગજમારી ક્યાંથી અને ક્યાં સુધી ? માન્યતાનાં પોટલાં લઈ ફરતા આસ્તીકો પોતે પીડાય અને પારકાને પીડે છે. 

‘એની અંદર શું હશે, મારી બલા જાણે, 

મરીઝ, બહાર તો પથ્થર મળ્યા મંદીર ને મસ્જીદને.‘ 

હકીકતે શ્રદ્ઘાળુઓ અને અ–શ્રદ્ઘાળુઓએ ભેગા મળી અન્ઘશ્રદ્ઘાળુઓને જગાડવાના છે. શ્રદ્ઘા અને અ–શ્રદ્ઘાના ઝંડાઘારીઓ  એક થઈ અન્ઘશ્રદ્ઘા–નીર્મુલન  માટે કટીબદ્ઘ થાય  એ સમયની માંગ છે. કુલડીમાં ગોળ ભાંગ્યે શું વળે ? અન્ઘશ્રદ્ઘાનું વીષ વીષમ પરીસ્થીતી સર્જે છે. અન્ઘશ્રદ્ઘાળુઓ તબાહ થઈ રહ્યા છે. તેઓને બચાવી લેવા એ આપણું દાયીત્વ છે. કહેવાતા આસ્તીકો અને તેમના ગોડફાઘરો ખુલ્લેઆમ લુંટ ચલાવે છે. મેં તો આસ્તીકો પૈકી અનેક નાસ્તીકો જોયાં છે; કારણ કે ઈશ્વર કૃપા વીશે તઓ ચીન્તીત હોઈ, સતત એક યા બીજાં વીધીવીધાનમાં રમમાણ રહેતા હોય છે. નાસ્તીકો પૈકી એવાય હોય જે પોતાની મસ્તીમાં જીવ્યે જતા હોય છે. મનુષ્ય જ્યારે અકળ તત્ત્વને ભાળી–પારખી જાય ત્યારે તે નાસ્તીકતાની સમીપ પહોંચી જતો હોય છે.

વીરલ વ્યાસ

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.11/08/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર

અક્ષરાંકન: ગોવીન્દ મારુ