Pages

Saturday, January 14, 2012

અનોખી ઉત્તરાયણ – શીતલ એન. ઉપાસની


જયસુખલાલ તમે બધા પતંગની કન્ના બાંધીને રાત્રે અઢી વાગે તો પરવાર્યા. દર વર્ષે તેરમી જાન્યુઆરીનો આ ઉજાગરો તમારે માટે નક્કી જ હોય છે. હવે સવારે વહેલા ઉઠાશે કે નહીં એ બીકે તમે તમારું જૂના અને જાણીતા એલાર્મમાં પાંચ અને ત્રીસ મિનિટનો ટાઈમ સેટ કરીને તેને મૂક્યું. સૌથી પહેલી કોની પતંગ આકાશમાં ચગી જાય તેની ચડસાચડસી પડોશી મિત્રો સાથે દર વર્ષે થતી અને તેમાં તમે લગભગ આગળ જ રહેતા. ખરું ને જયસુખલાલ ?
પત્ની નિલા તો બાર વાગ્યાની રાજુ અને ચિંટુની સાથે સૂઈ ગઈ છે. આજે તેની સાથે થોડી ખટપટ થઈ હતી એટલે તે અબોલાવ્રત પર ચઢી હતી. તેમનેય ખબર હતી જયસુખલાલ કે આ અબોલાવ્રતનું ઉજવણું બે દિવસમાં થઈ જતું હતું. બાર વર્ષના લગ્નજીવનનો અનુભવ તમને એ બાબતમાં હંમેશા આશ્વસ્થ રાખતો હતો. એટલે તમે આવતીકાલના રોમાંચક દિવસના વિચારો કરતાં કરતાં પોઢી ગયા.
સવારે તમારી આંખ ખુલી ત્યારે કાનમાં તરત જ રેકોર્ડમાં વાગતાં ઘોંઘાટિયા ગીતો સાંભળી તમે એકદમ સફાળા બેઠા થઈ ગયા. અને તરત જ પેલા એલાર્મમાં જોયું તો હજુ સાડા ત્રણ જ થયા હતા. કદાચ ઘડિયાળ બંધ થઈ ગયું હતું. બંધ ઘડિયાળ પર તમને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેને ઊંચકીને ફેંકી દો, પણ તમારા કરકસરિયા સ્વભાવને એ છાજે નહિ. આમ વિચારી તમે તે ઘડિયાળને ફેંકી શક્યા નહિ. તમારો એ ગુસ્સો નિલા પર ઉતર્યો. રૂમમાંથી બહાર આવીને તમે રસોડામાં બેઠેલી નિલાને બુમો પાડવા લાગ્યા પરંતુ સામેથી કોઈ પ્રત્યુત્તર ન મળતાં તમને તરત જ યાદ આવ્યું કે હજુ પેલા અબોલાવ્રતનું ઉજવણું થયું નથી. બંને છોકરાંઓ તો જાણે કુંભકર્ણના વંશજ હોય એમ ઘોરતાં હતાં. તમને બે મિનિટ તો એવું મન થયું કે બંનેને હાથ ખેંચીને ઊભા કરી દઉં અને કહું કે આ આખું જગત તહેવાર મનાવવા લાગ્યું છે અને તમે તમારા બાપાની આવૃત્તિ બનવા બેઠા છો ! પણ બધું વ્યર્થ….. મનમાં આવેલો ગુસ્સો ઉતારવાનું કોઈ યોગ્ય પાત્ર તમને જડતું નહોતું. તમે તે ગુસ્સો મનમાં ધારણ કરીને, નાહી-ધોઈને ઉપર અગાસીમાં લગભગ સાડા નવ વાગ્યે પહોંચ્યા. ઉપર પહોંચતા જ બાજુની અગાસીમાંથી પંડ્યાભાઈએ ટકોર કરી :
‘કેમ જયસુખભાઈ, ઠંડી બહુ મોડી ઊડી ને કાંઈ ?’
‘તમારી જેમ દસ વાગ્યામાં ઘોંટાઈ નથી જતો ને એટલે !…’ તમારાથી છણકો કરીને બોલાઈ ગયું. તમારો મૂડ પારખી જતાં પંડ્યાભાઈએ હસીને વાત કરવાનું માંડી વાળ્યું.
તમારા બે રત્નોનું આગમન મોડું થશે એમ માનીને તમે એકલા જ અગાસીમાં પતંગ ઉડાવવાની શરૂઆત કરવા માંડ્યા. બે ઈંટોની વચ્ચે ફિરકો રાખીને તમે પતંગ ચગાવી. પતંગ હવામાં ઉડતાં તમારો ગુસ્સો પણ મનમાંથી ધીમે ધીમે ઉડવા લાગ્યો. તમે થોડી હળવાશ અનુભવતા હતાં, પણ દોરો ઈંટની ધારને ઘસાતો હોવાથી કટકો થયો અને તમે ઢીલ મૂકવામાં એટલા મશગુલ બનેલા કે હાથમાંથી દોરો જતો રહ્યો અને તમે આભા બનીને જોઈ રહ્યા ! જાણે એક મસમોટી ભૂલ કર્યાનો અફસોસ ન થતો હોય !
ધમધમ કરતાં તમે નવી પતંગ લેવા નીચે આવ્યા ત્યારે તમારા દીકરાઓ તો ઊઠીને નાહી-ધોઈને શેરીના મિત્રો સાથે પતંગ લૂંટવા દોડાદોડી કરતાં હતાં અને બીજી તરફ તમારું ધ્યાન ગયું તો તમે હેબતાઈ જ ગયા ! ફળિયાનો ઝાંપો ખુલ્લો છોડીને નાસેલા રત્નવીરોને લીધે ઘરમાં ગાય ઘુસી ગઈ હતી અને તે આરામથી તમારી કિન્ના બાંધેલી પતંગોનું ચબડ-ચબડ ભોજન કરી રહી હતી ! તમે જોરથી ત્રાડ પાડીને ગાયને ઘરમાંથી તગેડી. પણ તેણે તો ત્યાં સુધીમાં તેનું કામ બરોબર આટોપી લીધું હતું. તમારા માટે એ ખરેખર બહુ જ આઘાતજનક ઘટના હતી. તમે ગુસ્સામાં નિલાને બોલાવીને ધમકાવી તો સામે નિલાએ અબોલા તોડીને છણકો કરતાં કહ્યું : ‘કામવાળી આવી નથી એટલે હું બાજુમાં પૂછવા ગઈ હતી. મારે મારા કામનું ધ્યાન રાખવું કે આખો દિવસ બાળકો પાછળ દોડવું ? તમારી પતંગ સાચવીને બેસી રહું તો રસોડામાં હડતાલ પડશે, સમજ્યા !’
‘મારી બસ્સો રૂપિયાની પતંગો ગાય ચાવી ગઈ તો હવે હું શું ચગાઉં ?’
‘તમારે જે ચગાવું હોય તે ચગાવો. મારે શું ? કંઈક ચગાવવાના અભરખા તમારા છે, તમે જાણો….’ નિલા બોલતી બોલતી ફરી પાછી રસોડામાં જતી રહી.
તમે શોક કરતાં થોડીવાર પેલી અડધી ચાવેલી પતંગો પાસે બેસી રહ્યા. થોડીવારમાં તો તમારા બંને ભડવીરો રાજુ અને ચિંટુ – હોંશે હોંશે લૂંટી લાવેલી પાંચ પતંગો સાથે ઘરમાં દાખલ થયા. તમને મનમાં વિચાર તો આવ્યો કે ઝાંપો ખુલ્લો મુકવા બદલ બંને સપુતોને સજા કરું પણ તેઓના હાથમાં રંગબેરંગી પતંગોએ તમને એમ કરવા ન દીધું. ખરું ને જયસુખલાલ ? સર્વ હકીકત જાણ્યા બાદ રાજુ અને ચિંટુ તમને તે પાંચ પતંગ આપીને અગાસીમાં સાથે લઈ ગયા. આખો દિવસ એ પાંચ પતંગોને સાચવી-સાચવીને ઉડાડી અને કોઈની સાથે પેચ લાગી ન જાય તેની તકેદારી રાખીને તમે તે દિવસ પૂરો કર્યો. રાત્રે જમી-પરવારીને બહાર ઓટલે બેઠાં-બેઠાં શેરડી ખાતાં તમે પૂરા દિવસનું મૂલ્યાંકન મનમાં જ કર્યું અને પછી ઊંડા નિઃશ્વાસ સાથે બોલ્યા : ‘કેવી ખરાબ ઉત્તરાયણ ગઈ….!’
પણ ત્યાં તો એલાર્મ જોરજોરથી વાગવા લાગ્યું અને તમે સફાળા બેઠા થઈ ગયા. લાઈટ ચાલુ કરીને જોયું તો ઘડીયાળમાં છ વાગ્યા હતા. તમે છાતી પર હાથ રાખીને બોલ્યા : ‘હાશ ! એ તો સપનું હતું !’ સામેના કેલેન્ડર પર નજર ગઈ તો ખ્યાલ આવ્યો કે ઉત્તરાયણને તો હજુ વાર હતી. આજે તો હજુ પહેલી જાન્યુઆરી થઈ હતી !

સૌજન્ય : રીડગુજરાતી