[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી ]
જમાઈને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે કારણ નવ ગ્રહોને પોતાના ઢોલીયા સાથે બાંધી દેનારો રાવણ પણ જમાઈ નામનાં દસમા ગ્રહથી દુઃખી દુઃખી થઈ ગયો હતો અને ઘોઘાનો વર લંકાની લાડીને બઠાવી ગયો હતો, ઘણાં પરિવારોમાં જમાઈ અને જમ (યમરાજ) વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગયેલી હોય છે અને જમાઈ મોટેભાગે ભારતીય રેલગાડી જેવો હોય છે, આમ બધી રીતે વખાણવાલાયક પણ ક્યારે ઉથલી પડે એનું કંઈ જ નક્કી નહીં.
બાપ ગરીબ હોય તે દુર્ભાગ્ય ગણાય અને સસરા ગરીબ હોય તે મુર્ખામી ગણાય તે વાતને બરાબર સમજીને એક યુવાન હિંમત કરીને પોતાની પ્રેમિકાનાં અમીર પિતા પાસે જઈને ધડામ કરતો બોલ્યો કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું, આ સાંભળીને ગુસ્સે થવાને બદલે હોલસેલનો વેપારી બાપ બોલ્યો કે જોઈએ તો આખી લઈ જા બાકી હું છૂટક આપવા માંગતો નથી. જોકે જમાઈનાં નસીબ આટલા બધા સવળાં હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.
એકવાર એક સસરા બિમાર પડ્યા. સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે. બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે. પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો. જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો. તથા દામાદનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી. જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ જવાબ પૂરો થાય એટલે કહેવું કે ‘બસ એ જ ચાલુ રાખો.’ બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’ સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે ‘તમારા માટે એ જ બરાબર છે.’ ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે ‘ક્યા દાક્તરની દવા લ્યો છો ?’ જવાબ મળે એટલે કહેવું કે ‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા. પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’ એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’ જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા. જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’ આ વખતે સાસુ બોલ્યા કે પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.’ જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’ હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે ‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’ આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘જમરાજાની દવા ચાલે છે.’ અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.