skip to main |
skip to sidebar
‘સીધો ચાલે’ એને ‘સાધુ’ કહેવાય તેમ ‘ફીકરની ફાકી કરે’ એને ‘ફકીર’ કહેવાય. ‘ચીન્તાને ચીન્તનમાં પલટાવવાની જેનામાં ક્ષમતા’ છે એને ‘ચીંતક’ કહેવાય. ઘણા દોડે છે ખરા, પરન્તુ કયાં પહોચવું છે એ જ ખબર નથી. લક્ષ્ય વીનાની દોડ એ ‘ગતી’ અને લક્ષ્ય સાથેની દોડ એ ‘પ્રગતી’ ! જેમ ઘાણીના બળદની મંઝીલ નથી હોતી અને જેની મંઝીલ નક્કી નથી તેને પવન સુગમ અને અનુકુળ હોય તોય શું ? માહીતી અને જ્ઞાન એ તો બાહ્ય સ્રોત પાસેથી પ્રાપ્ત કરી શકાય છે. પરન્તુ ડહાપણ તો ભીતરથી જ ઉગતું હોય છે. માહીતીના અફાટ સમુદ્રમાં જ્ઞાનરુપી હોડકું ઝોલા ખાતું હોય ત્યાં ડહાપણ રુપી મોતી પ્રાપ્ત કરવાનું તો કેટલું દુષ્કર બની રહેવાનું ? કમળ સુધી પહોંચવું હોય તો કાદવ ખુંદવો જ પડે; તેમ ગુલાબને મેળવવા કાંટાની ચુંભનની પણ તૈયારી રાખવી જ પડે ! સમુદ્રમંથનમાં પણ ઝેર સ્વીકારવાની તૈયારી હોય એને જ અમૃત પ્રાપ્ત થાય ! સરળતાથી મળેલી સંપત્તીની આવરદા હંમેશાં ટુંકી હોય છે. પુરુષાર્થ વગર પ્રાપ્ત થયેલી સંપત્તી ‘ઉર્ધ્વગતી’ તરફ નહીં પરંતુ ‘અધોગતી’ તરફ જ ઢળતી હોય છે. પુરુષાર્થ વગરની સંપત્તી સુખનો અનુભવ કરાવી શકે; પરન્તુ આનન્દની અનુભુતી નથી કરાવી શકતી.
માણસ જુઠું બોલે એ ‘લાઈ ડીક્ટેટર મશીન’ પકડી પાડતું હોય છે. તેમ ભીતરનો લય ખોરવાય એની સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે એ વાત હવે આધુનીક મેડીકલ સાયન્સ પણ સ્વીકારે છે. તેથી જ માંહ્યલાને માંજવો પડતો હોય છે. અને જે માંહ્યલાને માંજતા રહેતા હોય છે એમના ચહેરા પર ચળકાટ ચોક્કસ જ દેખાતો હોય છે.
–પ્રેમ સુમેસરા
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.25/10/2010ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાત મીત્ર’ના સૌજન્યથી સાભાર…
અક્ષરાંકન: ગોવીન્દ મારુ