Pages

Thursday, January 12, 2012

આજનું શિક્ષણ ચાવી દીધેલાં રમકડાં પેદા કરે છે

બાળકોને કચડી નાંખે એવા શિક્ષણથી ત્રસ્ત માબાપો માટે ભારતનાં અનેક શહેરોમાં વૈકલ્પિક શિક્ષણ આપતી સંસ્થાઓ ખૂલી રહી છે

નર્સરી સ્કૂલોમાં પ્રવેશની મોસમ શરૃ થઇ ગઇ છે. સંવેદનશીલ અને સમજદાર માબાપો પોતાનાં સંતાનો માટે યોગ્ય સ્કૂલની તલાશ કરવા જાય ત્યારે સ્કૂલોમાં બાળકોના માથે લાદવામાં આવતાં બોજાથી પરેશાન થઇ જાય છે. આવા માબાપો માટે ભારતનાં અનેક શહેરોમાં ચાલી રહેલા વૈકલ્પિક શિક્ષણના પ્રયોગો ભારે પ્રેરણાદાયક છે. બેંગલોર શહેરથી ૪૦ કિલોમીટર દૂર આવેલાં સેન્ટર ફોર લર્નિંગની સ્થાપના કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા ઈ.સ. ૧૯૯૦માં કરવામાં આવી હતી. આ સ્કૂલમાં અભ્યાસક્રમના નિયમિત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ, સંગીત, નૃત્ય, બાગકામ, હસ્તકામ, અધ્યાત્મ વિગેરે વિષયો પણ ભણાવવામાં આવે છે. જેટલું મહત્ત્વ શાળાના નિયમિત વિષયોને આપવામાં આવે છે, એટલું જ મહત્ત્વ આ બધા વિષયોને પણ આપવામાં આવે છે. સેન્ટર ફોર લર્નિંગની વેબસાઇટ ઉપર તેની શિક્ષણની ફિલસૂફી સમજાવવામાં આવે છે ઃ ''પરંપરાગત રીતે શિક્ષણનો અર્થ જ્ઞાાન ભેગું કરવું અને કળાઓમાં કુશળતા પ્રાપ્ત કરવી, એવો થાય છે. અમે એવું માનીએ છીએ કે સાચા શિક્ષણનો અર્થ તેના કરતાં ક્યાંય વધુ થાય છે.''
બેંગલોરમાં રહેતાં ક્રિશ મુરલી ઇશ્વર નામના હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણેલા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને એક દિવસ વિચાર આવ્યો કે આપણે નોકરી કરવાને બદલે કોઇ મૌલિક પ્રોજેક્ટ કરવો જોઇએ. આ પ્રોજેક્ટનો અમલ કરવા માટે તેમણે સોફટવેરના ક્ષેત્રમાં પોતાની ૨૦ વર્ષની કારકિર્દી છોડી દીધી. આ પ્રોજેક્ટમાં તેમણે ઉચ્ચ શિક્ષણ લેનારા અનેક લોકોને પણ સાથે લીધા. થોડા સમય પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમના સાથીદારોમાં ઉત્સાહનો અભાવ છે, એટલું જ નહીં, તેઓ કોઇ નવા વિચારોને સ્વીકારવા માટે પણ તૈયાર નથી. લોકો પોતાની મૌલિક રીતે વિચારવાની સક્તિ ગુમાવી બેસે છે તે જાણવા માટે તેમણે સ્કૂલમાં જવાનું અને ત્યાંની શિક્ષણપદ્ધતિનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. ક્રિશનાં ૧૫, ૧૨ અને ૯ વર્ષની ઉંમરનાં ત્રણ બાળકો જે સ્કૂલમાં ભણતાં હતાં તેમાં જઇને તેણે બારીકાઇથી બધી ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમને થયું કે આ સિસ્ટમમાં તે બાળકની નૈસર્ગિક શક્તિઓને કચડી નાંખવાનું જ કાર્ય કરવામાં આવે છે અને તેમને કોઇ કળા તો શિખવવામાં જ આવતી નથી.
ક્રિશે જોયું કે નર્સરીમાં ભણતાં બાળકો અનેક સવાલો પૂછતાં હતાં પણ તેઓ ત્રીજાં ધોરણમાં પહોંચે ત્યાં સુધીમાં તેમની પ્રશ્નો પૂછવાની ક્ષમતા ખતમ થઇ જતી હતી. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આપણે મેકોલોની જે શિક્ષણપદ્ધતિને મૂર્ખામીપૂર્વક અનુસરીએ છીએ તેના કારણે જ બાળકોની મૌલિક રીતે વિચાર કરવાની શક્તિ હણાઇ જાય છે. ક્રિશે અને તેની પત્ની રાધાએ તરત જ પોતાનાં બાળકોને સ્કૂલમાંથી ઉઠાવી લેવાનો અને ઘરે ભણાવવાનો નિર્ણય કરી લીધો. હવે તેઓ બેંગલોર શહેર છોડીને કોઇમ્બતુરના એક પરાંમાં વસવાટ કરી રહ્યા છે અને નજીકમાં ગામડાંમાં ઘર શોધી રહ્યા છે. પોતાનાં બાળકોને તેઓ ગામડાંનું જીવન કેવું હોય તેનો પણ અનુભવ કરાવવા માંગે છે. પતિ-પત્ની મળીને ત્રણેય બાળકોને સ્કૂલના કામના વિષયો ઉપરાંત બાગકામ, ખેતીવાડી, રસોઇ, સાફસફાઇ વિગેરે કળાઓ શિખવે છે. તેમનો ૧૫ વર્ષનો પુત્ર અચ્યુતમ્ હવે વણાટકામ શીખી રહ્યો છે. તેમણે નક્કી કર્યું છે કે તેઓ જે ગામડાંમાં રહેવા જશે ત્યાં ઘર પણ જાતે જ બનાવશે. હવે તેમનાં બાળકો જે કાંઇ ભણી રહ્યા છે તે જીવનમાં ઉપયોગી બને એવું જ ભણી રહ્યા છે.
ક્રિશ અને રાધા જેવા અનેક સંવેદનશીલ અને બુદ્ધિશાળી માબાપો છે, જેમને શાળાના અભ્યાસક્રમની હાનિકારક અસરો અને નિરર્થકતા સમજાઇ જતાં બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લઇને ઘરે ભણાવી રહ્યા છે. આપણા વિખ્યાત કવિશ્રી રાજેન્દ્ર શુકલે પોતાના બંને પુત્રોને ઘરે જ ભણાવ્યા છે અને આ પુત્રો આજે પોતપોતાની પસંદગીની કારકિર્દીમાં પ્રગતિ કરી રહ્યા છે. સ્કૂલમાં ન જવાને કારણે તેમને કોઇ નુકસાન નથી થયું પણ ફાયદો જ થયો છે. જે માબાપો પોતાનાં બાળકને સ્કૂલમાંથી ઉઠાવી લેવાનું જોખમ ખેડવા ન માંગતાં હોય પણ આજની શિક્ષણપદ્ધતિનાં દૂષણોથી બચાવવા માંગતાં હોય, તેમના માટે વૈકલ્પિક રીતે શિક્ષણ આપતી અનેક સ્કૂલો દેશનાં વિવિધ શહેરોમાં ખૂલી રહી છે. બેંગલોર નજીક આવેલી 'સેન્ટર ફોર લર્નિંગ' તેમાંની એક છે. આ સંસ્થા શિક્ષણ બાબતના જિદ્દુ કૃષ્ણમૂર્તિના સિદ્ધાંતોના આધારે સ્થાપવામાં આવી છે. કૃષ્ણમૂર્તિ કહેતા હતા કે, ''સાચું શિક્ષણ સ્પર્ધા અને ભયમુક્ત વાતાવરણમાં જ આપી શકાય. જ્યારે આપણું મન શાંત હોય, બોજા વગરનું હોય, સફળતાની ઝંખના ન ધરાવતું હોય અને નિષ્ફળતાનો ડર ન હોય ત્યારે જ સાચી સમજણ કેળવાય છે.'' સેન્ટર ફોર લર્નિંગમાં આ વિચારોને મૂર્ત સ્વરૃપ આપવામાં આવ્યું છે.
'સેન્ટર ફોર લર્નિંગ'માં દસમાં ધોરણ સુધી કોઇ પરીક્ષા લેવામાં આવતી નથી. તેઓ દસમાં ધોરણમાં સીધા કેમ્બ્રિજ બોર્ડની આઇજીસીએસઇ પરીક્ષામાં બેસે છે અને બારમાંમાં આઇબી ડિપ્લોમાની પરીક્ષા આપે છે. પરીક્ષા નથી એનો અર્થ એવો નથી થતો કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન નથી થતું. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. અહીંના શિક્ષકો બાળકોને પોતાની રીતે નવી નવી વસ્તુઓ શીખવાની પ્રેરણા કરે છે અને તેમને મદદરૃપ બનવાની ભૂમિકા ભજવે છે. આ બાળકો ૧૫ વર્ષની ઉંમરે પરીક્ષામાં ઝળહળતો દેખાવ કરે છે તેમાં તેમનું પાણી મપાઇ જાય છે.
આઇઆઇટીમાં ગ્રેજ્યુએટ થયા પછી પવન ગુપ્તા નામના એન્જિનિયરે બે દાયકા અગાઉ હિલ સ્ટેશન મસૂરી નજીક 'સિધ' નામની સંસ્થાની સ્થાપના કરી છે. પવન ગુપ્તાએ તેમના મિત્રો સાથે મળીને આ વિસ્તારના લોકોનો સર્વે કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે લોકો પોતાનાં બાળકોને હોંશે હોંશે સ્કૂલે મોકલે છે પણ તેનું જે પરિણામ આવે છે, એનાથી તેઓ જરાય સંતુષ્ટ નથી. આ સ્કૂલોમાં ભણેલા વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી અને તેઓ ખેતી કરવા પણ તૈયાર થતા નથી. સ્કૂલોમાં ભણનારાને એમ લાગવા માંડે છે કે ખેતીનો વ્યવસાય કોઇ હલકો વ્યવસાય છે. આ અનુભવોના આધારે પવન ગુપ્તાએ સોસાયટી ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હિમાલય નામની સંસ્થાની સ્થાપના કરી, જે ટૂંકમાં 'સિધ' તરીકે ઓળખાય છે. આ સંસ્થામાં પહેલા તો વિદ્યાર્થીઓ જે ખોટી ચીજો ભણ્યા હોય તેને ભૂલાવવાની જહેમત કરવામાં આવે છે. ભારતમાં ફેકટરી જેવું જે શિક્ષણ આપવામાં આવે છે, ેેતેની સામે આ સંસ્થા પડકાર કરે છે. અહીં પરીક્ષા કરતાં વધુ મહત્ત્વ ભણતરને આપવામાં આવે છે અને ગોખણપટ્ટી કરતાં વધુ મહત્ત્વ સમજણને આપવામાં આવે છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એન્જિનીયરિંગમાં ડોક્ટરેટની ડિગ્રી લઇને આવેલા સંદીપ પાંડેએ લખનૌમાં 'આશા આશ્રમ' નામની સંસ્થા શરૃ કરી છે. સંદીપ કહે છે, ''અત્યારનું શિક્ષણ કેટલાક ગણતરીના વિદ્યાર્થીઓને જ આગળ ધપવાની તક આપે છે. બધા જ વિદ્યાર્થીઓની જરૃરિયાતો પૂરી કરવાની તેનામાં ગૂંજાઇશ નથી. આ કારણે એક સર્વાગીણ પદ્ધતિની આવશ્યકતા છે.'' આશા આશ્રમ તરફથી ત્રણ કલાકની નિયમિત શાળા ઉપરાંત ઈંટની ભઠ્ઠીમાં કામ કરતાં મજૂરોનાં બાળકો માટે ખાસ સ્કૂલ પણ ચલાવવામાં આવે છે. આ સ્કૂલમાં પરીક્ષા કરતાં વધુ મહત્ત્વ ભણતરને આપવામાં આવે છે.
ઉદયપુરમાં રહેતા હાર્વર્ડના ગ્રેજ્યુએટ મનીષ જૈને શિક્ષાંતર નામની સંસ્થાની સ્થાપના કરી છે, જેમાં બાળકોને સ્કૂલની ચાર દિવાલોમાં કેદ કર્યા વિના જ અનેક જાતની કળાઓ શિખવવામાં આવે છે, જે તેમના જીવનમાં ઉપયોગી બની જાય તેમ છે. મનીષ કહે છે કે આપણે સ્કૂલમાં જે કાંઇ ભણીએ છીએ તેના કરતાં ક્યાંય વધુ દુનિયામાં ભણીએ છીએ. આપણું નેવું ટકા જ્ઞાાન આપણને સ્કૂલની બહારથી જ મળેલું હોય છે. સ્કૂલમાં ભણેલું ભાગ્યે જ કામમાં આવે છે, જ્યારે આપણે જીવનની પાઠશાળામાં જે કાંઇ ભણીએ છીએ તે અચૂક કામમાં આવે છે. મનીષ જૈને પણ પોતાનાં બાળકોને સ્કૂલમાંથી ઉઠાડી લીધા છે. એક વખત મનીષ જૈન પોતાની પાંચ વર્ષની પુત્રી સાથે બેસીને પોતાના એક મિત્ર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ જોતો હતો. જ્યારે મનીષનો મિત્ર સ્ક્રીન ઉપર આવ્યો ત્યારે તેણે કહ્યું કે, આ મારો મિત્ર છે. થોડી વાર પછી એક છોકરી સ્ક્રીન પર આવી. જે રડી રહી હતી. તેને જોઇને પાંચ વર્ષની કંકુ બોલી ઊઠી કે, આ મારી ફ્રેન્ડ છે. કેવી રીતે? તે ખૂબ દુઃખી છે અને હું તેનું દુઃખ દૂર કરવા માંગું છું. હું તેને મારા હાથમાં લઇશ અને કહીશ કે તારે દુઃખી થવાની જરૃર નથી. બાળકને આ પ્રકારનું શિક્ષણ કોઇ સ્કૂલમાં આપવામાં આવે છે ખરું?
આજે સ્કૂલોમાં જે શિક્ષણ આપવામાં આવે છે, તેનો ઉદ્દેશ સ્વતંત્ર બુદ્ધિથી વિચારે એવા નાગરિકો તૈયાર કરવાનો નથી પણ જે કાંઇ ભણાવવામાં આવે તેને આંખ મિંચીને સ્વીકારી લે તેવા ચાવી દીધેલા રમકડાંઓ તૈયાર કરવાનો છે. પ્રજાની મૌલિક વિચાર કરવાની અને જે વિચારો પોતાને યોગ્ય ન જણાય તેનો વિરોધ કરવાની શક્તિ આ શિક્ષણ દ્વારા હણાઇ ગઇ છે. આ કારણે જ પ્રજા ગુલામી માનસમાંથી બહાર આવી શકતી નથી. રાજકારણીઓ જે અન્યાયી કાયદાઓ ઘડે તેને પ્રજા મૂંગે મોંઢે સહન કરી લે છે, કારણ કે અન્યાય અને અત્યાચારો સહન કરવાની તાલીમ તેમને શાળામાં જ આપવામાં આવે છે. આજની શાળાના સંચાલકો જ માબાપો પાસેથી વિવિધ બહાનાંઓ હેઠળ નાણાં પડાવતા હોય છે. સરકારી કાયદાઓને ચાતરી જવા માટે તેઓ પોતે ભ્રષ્ટાચાર આચરતા હોય છે. આ સંચાલકો એક બાજુથી પોતાના શિક્ષકોનું અને બીજી બાજુએ વિદ્યાર્થીઓનું શોષણ કરતા હોય છે. આવા સંચાલકો પોતાના વિદ્યાર્થીઓને ઈમાનદારીના પાઠો કેવી રીતે ભણાવી શકે? આજના વાલીઓ આ સંચાલકોના અન્યાય સામે અવાજ ઉઠાવતાં ગભરાતા હોય છે કે તેમનાં બાળક ઉપર ખાર રાખવામાં આવશે? આ પરિસ્થિતિમાં શિક્ષણ બાળકને નિર્ભય કેવી રીતે બનાવી શકે જે દિવસે પ્રજાને ભયમુક્ત બનવાનું અને અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનું શિક્ષણ આપવામાં આવશે, ત્યારે જ આપણે સાચા અર્થમાં સ્વતંત્ર બની શકીશું.