Pages

Wednesday, January 25, 2012

હાસ્યમેવ જયતે – જગદીશ ત્રિવેદી

સમ ખાવા છે એક જ સાળી
વાત કરું એની વિસ્તારી

કાળા-પીળા મોટા દાંત

જાણે વઘાર્યા વાસી ભાત – ડૉ. બળવંત વ્યાસ

દાંતનો મહિમા માણસના જીવનમાં અનેરો છે. હસવાથી માણસના દાંતનું દર્શન થાય છે. આ દાંત જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી પણ દાંત જેવા એક પછી એક પડવા માંડે છે ત્યારે માણસને એનું મૂલ્ય સમજાવા માંડે છે.

બે મિત્ર સાથે ડેન્ટિસ્ટ થયા અને એક જ શહેરમાં, એક જ વિસ્તારમાં રોડની બન્ને બાજુએ સામસામે પોતાનાં ક્લિનીક શરૂ કર્યાં. એક દિવસ સાંજે બન્ને કૉફી પીવા એકઠા થયા ત્યારે એક દાકતર બોલ્યો કે આજે એક પેશન્ટ એવો આવ્યો કે એના જેવો હિંમતવાન દર્દી કોઈ જોયો નથી. એણે મને કહ્યું કે મારે ઈન્જેકશન લેવું નથી કે ઈથરનો સ્પ્રે પણ કરવો નથી. એટલું જ નહીં પરંતુ મારે તમારી ખુરશીમાં પણ બેસવું નથી. હું તમને ઊભા ઊભા જે દાઢ બતાવું તે પક્કડમાં પકડીને ખેંચી નાખો, હું ઊંહકારો પણ કરીશ નહીં. પેશન્ટના અવાજમાં વિશ્વાસનો રણકો જોઈને મને પણ હિંમત આવી ગઈ અને મેં ઊભા ઊભા એની દોઢડાહપણની દાઢ ખેંચી નાખી અને મારા આશ્ચર્ય વચ્ચે એણે ઊંહકારો પણ કર્યો નહીં. મને એની મર્દાનગી ઉપર માન થયું એટલે ફી પણ લીધી નહીં અને જવા દીધો. આ સાંભળીને બીજો દાક્તર બોલ્યો કે એણે પીળું ટીશર્ટ પહેર્યું હતું ? પેલા દાક્તરે કહ્યું કે હા, પણ તને કેવી રીતે ખબર પડી ? ત્યારે બીજો દાક્તર બોલ્યો કે એ મારે ત્યાં ઈન્જેકશન મરાવીને તારે ત્યાં દાઢ ખેંચાવી ગયો. મને ઈન્જેકશનનો ચાર્જ આપ્યો નહીં. એ આપણને બન્નેને મામા બનાવી ગયો !

એક યુવાનને ડેન્ટિસ્ટની દીકરી સાથે પ્રેમ થયો. પેલો દરરોજ હિંમત કરીને દાક્તર પાસે એમની દીકરીનો હાથ માગવા જાય પણ દાક્તરની ઑફિસમાં જઈને સામે બેસે ત્યારે હોઠ ખૂલે નહીં. એક દિવસ દાક્તરની પુત્રીએ પૂછ્યું કે આજે તેં મારા પપ્પા પાસે જઈને આપણા પ્રેમનો એકરાર કર્યો કે નહીં ? ત્યારે પેલો યુવાન બોલ્યો કે આજે પણ મારી હિંમત ચાલી નહીં અને વધુ એક દાંત પડાવીને આવતો રહ્યો. આ સાંભળીને યુવતી બોલી કે આમ ને આમ તેં ત્રીજો દાંત કઢાવી નાખ્યો. થોડા દિવસ આમ ચાલ્યું તો તું બોખો થઈ જઈશ. ત્યારે પેલો યુવાન બોલ્યો કે છેલ્લે ડેન્ચરનું માપ આપવા જઈશ ત્યારે તો સો ટકા પૂછી લઈશ.

આવી જ રીતે બીજા એક કિસ્સામાં એક દર્દીએ દાંત પડાવીને પાંચસોની નોટ આપી તો દાક્તરે બસો રૂપિયા કાપીને ત્રણસો પાછા આપ્યા. પેલા પેશન્ટે મોંમાં રૂના પૂમડા સાથે ગાલ ઉપર હાથ રાખીને પૂછ્યું કે એક દાંત પાડવાના તમે સો રૂપિયા જ ચાર્જ કરો છો અને મારા બસો રૂપિયા શા માટે લીધા ? ત્યારે દાક્તર બોલ્યો કે તમારી ચીસ સાંભળીને એક પેશન્ટ ઊભો થઈને બીજા દવાખાને જતો રહ્યો તેના સો રૂપિયા તમારી પાસેથી વસુલ કર્યા છે

[ સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક શ્રી જગદીશભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્યમેવ જયતે’માંથી સાભાર.]