Pages

Friday, January 27, 2012

બસ-જગદીશ ત્રિવેદી (હાસ્યમેવ જયતે )

બીવીકો અગર બસમેં લે જાઓ
તો વો બસમેં નહીં આતી હૈ

બીવી કો અગર કારમેં લે જાઓ

તો વો જરૂર બસમેં આતી હૈ
કોઈ હિન્દી કવિએ અહીં ‘બસ’ શબ્દનો સુંદર શ્લેષ કર્યો છે. શ્લેષ અલંકારમાં એક જ શબ્દનો બે વખત પ્રયોગ થાય છે અને બન્ને વખત એનો અર્થ જુદોજુદો હોય છે. અહીં બસનો એક અર્થ Bus એટલે એસ.ટી. કે ટ્રાવેલ્સની બસ એવો થાય છે અને ‘બસ’ શબ્દનો બીજીવાર અર્થ વશ અથવા તો કાબુમાં એવો થાય છે. પત્નીને જો બસ નામનાં વાહનમાં લઈ જઈએ તો કાબુમાં આવતી નથી પણ જો મોટરકારમાં લઈ જઈએ તો વશ થઈને વર્તે છે, એવો આ વ્યંગનો અર્થ થાય છે.
હું એકવાર એક ગામથી બીજે ગામ બસમાં જવા માટે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ઉપર આવ્યો, જે બસ મારા નસીબમાં આવી તે ખુબ જૂની અને સાવ ખખડી ગયેલી હોવાથી મેં કંડકટરને મઝાક કરવા માટે સવાલ કર્યો કે આ ખટારો ક્યારે ઉપાડશો ? આ સાંભળી કંડકટર બોલ્યો કે બસ કચરો ભરાઈ જાય એની રાહ છે. હાસ્યકલાકાર અને હાસ્યલેખકનું મોઢું સીવી લે એવા જવાબ કાઠિયાવાડનાં માણસો આપી શકે છે.

એકવાર એક બસમાં એક મુસાફર સામે જોઈને એક સ્ત્રી મુસાફરે બેત્રણ વખત સ્માઈલ આપ્યું ત્યાં તો પેલો પુરુષ ભાન ભૂલી ગયો, તરત જ માથું ઓળવા લાગ્યો અને કપડાં સરખાં કરવા લાગ્યો, પુરુષને મહેનત કરતો જોઈને કંડકટર બોલ્યો કે તમારે જે ગામ જવું હોય એની ટિકીટનાં રૂપિયા આપો એટલે હું તમને ટિકીટ આપું, બાકી એમાં હેરાન થશો નહીં કારણ કે એ ગાંડી છે અને આખી દુનિયાને સ્માઈલ આપે છે. કંડકટરે પોતાનો અનુભવ પણ કહ્યો કે પહેલે દિવસે મને પણ તમારી જેમ ભ્રમ થયો હતો અને પરિણામે મારે ટિકીટનાં હિસાબમાં ભૂલ આવી હતી.

એક બસમાં ખૂબ જ ભીડ હોવાથી એક ભાઈએ વક્રોક્તિ કરી કે બસની હાલત જોઈને મને એમ લાગે છે કે હું પ્રાણીસંગ્રહાલયમાં આવી ગયો છું. આ સાંભળીને બીજો પેસેન્જર તરત જ બોલ્યો કે બસ માત્ર એક ગધેડાની ખામી હતી જે તમારા આવવાથી પૂરી થઈ ગઈ છે. 

એકવાર હું અમદાવાદનાં સીટી બસ સ્ટોપ ઉપર સીટી બસની રાહમાં ઊભો હતો ત્યાં મારી બાજુમાં ઊભેલા કાકાની આંખ સામે દષ્ટિ પડી તો ખ્યાલ આવ્યો કે કાકાની એક આંખ નકલી છે. એટલે મેં વિનમ્રતાથી સવાલ પૂછ્યો કે કાકા… આ કાચની આંખ કઈ કામમાં આવે ? એટલે કાકો અમદાવાદી હોવાથી તરત જ બોલ્યો કે થોડીવાર અહીંયા જ ઊભો રહેજે, હમણાં તને જવાબ મળી જશે. થોડીવાર થઈ ત્યાં એક ડબલડેકર બસ આવી, પેલા કાકાએ પોતાની નકલી આંખ બહાર કાઢી, બે માળની બસ પાસે હવામાં ઉછાળીને કેચ કરીને પાછી આંખ લગાડી દીધી. મેં આમ કરવાનું કારણ પૂછ્યું તો મને કહે મેં નકલી આંખને હવામાં ઉછાળીને જોયું કે બસનો ઉપરનો માળ ખાલી છે કે નહીં ? મેં કહ્યું કાકા, બસનો ખાલી હોય કે ન હોય પરંતુ તમારો ઉપરનો માળ ખાલી છે તે નક્કી થઈ ગયું. 

ડ્રાઈવર અને કંડકટરમાં એટલો જ તફાવત છે કે જો કંડકટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ફાટે નહીં પરંતુ, ડ્રાઈવર સૂઈ જાય તો બધાંની ટિકિટ ફાટે !

[ સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક શ્રી જગદીશભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્યમેવ જયતે’માંથી સાભાર]