‘જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવી’- એ ન્યાયે મહર્ષી વાલ્મીકી અને વ્યાસે અનુક્રમે રામાયણ તથા મહાભારતની રચના કરેલી. રામાયણ તથા મહાભારતની રચના કરવામાં તેઓએ કલ્પનાને બહેલાવી છુટો દોર આપ્યો. પૌરાણીક પરી–કથાઓમાં કલ્પીત વાતોનું પ્રમાણ સવીશેષ હોય તે સ્વાભાવીક છે. હા, સાહીત્યની દૃષ્ટીએ મહાભારત અને રામાયણ ઉત્ત્તમોત્ત્તમ મહાગ્રંથો છે, તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી; પરંતુ આ આધાર પર એમ તારવવું કે, એ જમાનામાં આપણી પાસે આજના જેવાં જ શસ્ત્રો તથા વીમાનો હતાં અને તેનાં ઉડ્ડયનો/નીર્માણ આપણે કરી શકતા હતા, તે તો કેવળ મનને મનાવવાનું અને પોરસાવાનું બહાનું માત્ર જ છે. આ પ્રામાણીક/ વાસ્તવીક હકીકત નથી.
વળી કેટલાક તો લુલો બચાવ પણ કરે છે કે, ‘અંગ્રેજો અને જર્મનોએ આપણાં શાસ્ત્રો અહીંથી લઈ જઈ, તેનો અભ્યાસ કરીને તેઓએ આધુનીક વૈજ્ઞાનીક શોધો કરેલી છે, જે અસલમાં આપણી જ છે.’ ત્યારે પુછવાનું મન થાય છે કે, જે શાસ્ત્રો આપણી પાસે હજારો વર્ષથી હતાં, તો તે શાસ્ત્રોમાંથી આપણે કેમ કંઈ જ કરી ન શક્યા ? તે જ શાસ્ત્રોમાંથી અંગ્રેજ/જર્મન વગેરે પ્રજાએ ફક્ત બસો વર્ષમાં માનવને રાહતપુર્ણ જીવન બક્ષનારી સેંકડો/હજારો આધુનીક શોધો કરી જગતને ખોળે કેવી રીતે ધરી ? આ વાતે આપણે ગૌરવ લેવું જોઈએ કે શરમાવું જોઈએ ? હજારો વર્ષથી આપણી પાસે જો આજના જેવાં જ વીમાનો અને શસ્ત્રો આપણી પાસે હતાં પછી આપણે આ વીમાનો અને તે શસ્ત્રોનો ઉપયોગ કરીને, દેશ આખાને સદીઓ સુધી ગુલામ બનાવનાર પ્રજાઓ સામે ઝઝુમ્યા કેમ નહીં ? બસો વર્ષ સુધી મુઠ્ઠીભર અંગ્રેજોની ગુલામી આપણે શા માટે વેઠી હતી ? આપણા સાહીત્યમાં નીરુપાયેલા કલ્પનાના તોખાર સમું કશુંક નક્કર સ્વરુપનું આપણી પાસે હોત તો આજે આપણે ‘સુપર પાવર’ તરીકે દુનીયા પર આધીપત્ય ભોગવતા ના હોત ?
– ગોવીન્દ મારુ – નવસારી
No comments:
Post a Comment