આજથી બે સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાનાં ગામડાંઓ અને નાનાં નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહનવ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતો હતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો હતો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે ઘરે પાણીના નળ આવી ગયા છતાંય તે પાણીને ભરી રાખવા માટે તો ઘડા-કળશની તો જરૂર પડે જ છે.
યુગોથી જળ ભરેલા ઘડા-કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક – પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. તેને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી જ્યારે તે કોઈ શુભ કાર્ય – સારું કામ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે સર્વપ્રથમ તે કળશને યાદ કરે છે. આજની સામાન્યમાં સામાન્ય વિધિમાં તે કુંભ સ્થાપના કરવાની વિધિ સર્વ પ્રથમ કરે છે. લગ્ન પ્રસંગ હોય, ગૃહપ્રવેશ હોય, કોઈનું સ્વાગત કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું શુભકાર્ય કરવાનું હોય ત્યારે સર્વપ્રથમ શણગારેલા કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય જગતના કોઈ દેશમાં નથી. જેનો યશ આપણા જ્ઞાની પૂર્વજો અને ઋષિમુનિઓને જાય છે. અત્યંત સુંદર રીતે શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્નપત્રિકા, નિમંત્રણપત્રિકા કે જાહેરાતમાં જોઈએ છીએ ત્યારે આપણને આપણી આ પરંપરા માટે ગૌરવ થયા વગર રહેતું નથી. સમગ્ર જીવન દરમિયાન કળશ દ્વારા જળને મહત્વ આપનાર મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની અંત્યેષ્ઠિમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવન જળ હવે ખૂટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નિસંસ્કાર પહેલાં જળ ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે.
જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા તેને સમજાઈ. ધન-ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ તેણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમાં જળ ભરવાનો જ તેનો આશય હતો. માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા-કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેણે તેમાં વૃક્ષનાં પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો. કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક છે.
(‘આવું કેમ ?’ પુસ્તકમાંથી સાભાર.)
No comments:
Post a Comment