Pages

Thursday, April 5, 2012

વિશ્વવાડીનું મઘમઘતું માનવપુષ્પ

    વર્બેટિમ - દીપક મહેતા

મહાવીર જેવી અલૌકિક હસ્તીને ભારતની સીમમાં સમાવી શકાય ખરી? બધા ભેદભાવો, બધાં બંધનો, બધી સીમાઓ અને સમયની ક્ષિતિજો ખરી પડે પછી જે રહી જાય તે છે મહાવીર. તેઓ આપણા દેશમાં થઇ ગયા એવું ગૌરવ લેવાનો હક પણ આપણને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે એમને સમજવા મથીએ. આપણને તો સદીઓથી મહામાનવોને ભગવાન, તીર્થંકર, મહાત્મા કે પ્રભુના અવતાર ગણ્યા પછી એમના ઉપદેશોનો જીવનમાં વિનિયોગ કરવામાંથી છટકી જવાની ટેવ પડી છે. જીવનમાં ઝાઝી ખલેલ ન પહોંચે એટલા માટે તીર્થંકરોને મંદિરોમાં આસનસ્થ કરીને આપણે નિરાંત ભોગવીએ છીએ. અપરિગ્રહની મૂર્તિ સમા મહાવીરનો જયજયકાર કરતાં રહીને પરિગ્રહ વધારતાં જ રહીએ છીએ. આપણી પલાયનવૃત્તિ (એસ્કેપિઝમ) સંગેમરમરથી મઢેલાં ભવ્ય દેરાસરોનાં પગથિયાં ઘસતી રહે છે; પરંતુ જીવનશુદ્ધિ તો દૂર ને દૂર રહી જાય છે. જીવનભર આપણે આપણી જાતને છેતરતાં રહીએ છીએ. મહાવીર એટલે આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ખીલેલું વિશ્વવાડીનું એક મઘમઘતું માનવપુષ્પ; એક એવું પુષ્પ જેની મહેક આજેય વિશ્વમાં વ્યાપી રહી છે.

- ગુણવંત શાહ

(‘મહામાનવ મહાવીર’માંથી સંકલિત કરેલા અંશ)

No comments:

Post a Comment