Pages

Thursday, April 12, 2012

લોકશાહીમાં એક ઘટના બહુ જ ખતરનાક હોય છે

 

લોકશાહી (ડેમોક્રસી)માં સાચું અને સમાજહીતકારી વીચારનારાઓ–બોલનારાઓની સાત્વિકતા  લઘુમતીમાં આવી જાય ત્યારે એ ઘટના બહુ જ ખતરનાક હોય છે, લોકશાહીનો પાયાનો આધાર જ બહુમતી અને લઘુમતી જેવું વીભાજન હોય છે. સમાજને તેનાથી ફાયદો જરુર થયો છે. આપણે બધાને જ ખબર છે કે સાચું બોલવાનો આ જમાનો નથી. તેનો મતલબ સાવ ચોખ્ખો છે. સાત્વિકતા લઘુમતીમાં છે. એવાં તો કયાં કારણો છે કે સાત્વિકતા લઘુમતીમાં મુકાય જાય છે ? તેનો વીચાર આપણે કરીએ છીએ ખરા ?

 

સત્ય ત્યાં જ બોલવાની જરુર પડે છે કે જ્યાં અસત્ય છાતી ફાડીને ઉભું હોય છે. જ્યારે અસત્ય છાતી ફાડીને ઉભું હોય તેનો અર્થ એટલો જ કે અસત્ય બહુમતીમાં છે અને તે શક્તીશાળી રાક્ષસના રુપમાં ઉભું છે. આવી પરીસ્થીતીમાં સત્ય બોલનારે, સત્ય બોલવા માટે નકારત્મક (નેગેટીવ) જ બોલવાની ફરજ પડે ને ? તો આવું નેગેટીવ બોલનારને જ સાથ મળવો જોઈએ; પણ સમાજમાં તેને તો માત્ર બેચાર લોકોનો જ સહકાર મળે છે ! તે કારણે સાત્વિકતા  હારે છે અને સમાજમાં અસત્ય સ્થાપીત થઈ જાય છે. સાત્વિકતાની આ હારની, બહુમતીની નકરી નફ્ફટાઈ તાળીઓ પાડી મજાક કરે છે. અસત્ય જ બોલનારાઓની આવી જીતને કારણે સમાજરુપી આ આંબાના વૃક્ષને સમજ્યા વીના પાણીનું સીંચન વર્ષો સુધી કર્યા બાદ પણ; મીઠી–મધુરી કેરી જેવું ફળ મળતું નથી.

 

આપણે તો સત્ય કરતાં આપણી પ્રશંસા–પ્રસીદ્ધી કેમ વધે તેવી રીતે જ બોલતા હોઈએ છીએ. સમાજના લાભ કરતાં વ્યક્તીગત લાભનો વધુ વીચાર કરનારાઓની સંખ્યા બહુ વધારે છે. પોતાના મનોમંથન અને સ્વચીન્તન કરતાં બીજાના બજારુ આધાર–પ્રચારને સત્યને માનીએ છીએ, જેમાં ઘણી વખત અસત્ય સીવાય કશું જ નથી હોતું. આવા અસત્યની જ્યારે આપણને ખબર પડે છે ત્યારે બહુમતી અસત્ય સાથે હોય તેને ધ્યાનમાં લઈ આપણે સત્ય જાણવા છતાં ચુપ બેસી રહીએ છીએ. આવી રીતે ચુપ રહી સમાજ માટે આપણે આડકતરી રીતે મુશ્કેલી  સર્જનારા બનીએ છીએ. મોટા ભાગે સમાજના સભ્યો વીગતો તપાસવાના ઉદ્યમના અભાવને કારણે સાત્વિક સત્યને, લોકશાહીના બહુમતીના નીયમોને આગળ ધરીને, ઉંડી ખીણમાં ધકેલી દે છે કે તે પછી જ્યારે પણ બહાર આવે છે ત્યારે યુગ જ આખો બદલાય ગયો હોય છે ! સત્યને ઉંડી ખીણમાં ધકેલનારાઓ તો જીવીત હોતા નથી; પરંતુ સત્ય તો બહાર આવે જ છે.

 

એ યાદ રહે કે સાચા અર્થમાં લોકશાહી આજે ત્યાં જ જીવીત છે કે જ્યાં સાત્વિકતા બહુમતીમાં છે. જ્યાં લોકશાહીમાં સાત્વિકતા લઘુમતીમાં છે ત્યાં પ્રચ્છન્નરુપે પણ સરમુખત્યારશાહી સીવાય કશું જ રહેતું નથી. ગાયની ચામડીમાં તે લોકશાહી તો વાઘણ છે. ભવીષ્યને ઉજળું બનાવવું હોય તો ભુતકાળના બનાવોના હીસાબનો અભ્યાસ કરી બરાબર ચકાસવો પડે.. આજના સમાજનો આગેવાન પ્રમુખ કોણ ? જે ગુણવાન છે તે ? કે જેના મીત્રો અને સગાં વધારે છે તે ? જો ભણતરથી પ્રમાણીકતા કે સાત્વિકતા જીવનમાં આવતી હોત તો એમ. પી. એક્સ્પેન્સ ફ્રોડ બ્રીટનમાં થયો ના હોત. લોકશાહીના બહુમતીના આધાર દ્વારા આ કૃત્ય વરસો સુધી થતું રહ્યું. આપણા મતથી ચુંટાયેલા પાર્લામેન્ટના તે સદસ્યની ફરજ હતી, આ ભાન્ડો ફોડવાની; પણ અફસોસ એટલો જ કે તે તો લુંટારાના ષડ્યંત્રમાં જોડાઈ ગયો !

 

એક પત્રકારે જ્યારે બહાદુરી બતાવી ત્યારે લોકશાહીના આ પત્રકારની કલમનો, રાક્ષસી વૃત્ત્તીવાળાઓની આ જંગી બહુમતી સામે, આ એકલવીરનો વીજય થયો. ક્યારે વીજય થયો ? જ્યારે પત્રકારે વીગત તપાસવાની કસરત શરુ કરી. પોતાની બહાદુરીને અમલમાં મુકી. બ્રીટનનો શ્રેષ્ઠ એવોર્ડ આ પત્રકારને આપવો જોઈએ. જે સમાજમાં આવા લોકોને સન્માન મળશે, આવા વીચારોની બહુમતી હશે, ત્યાં જ સાચા સ્વરુપમાં લોકશાહી હોય છે. આજના સ્વાર્થી યુગમાં માત્ર પૈસા અને કીર્તી મેળવવાની હોડમાં, સમાજનો સદસ્ય એટલો નીચે ઉતરી ગયો છે કે પાપ, અસત્ય જાણતો હોવા છતાં ચુપ રહે છે. જેના કારણે મોટાભાગની સંસ્થાઓમાં, રાજકીય પાર્ટીઓમાં અને ધાર્મીક સંસ્થાઓમાં કાવાદાવાઓ કરી, સમાજની ઉઘાડી લુંટ ચલાવાઈ રહી છે. લોકસભા સદસ્યના ખર્ચાઓ (પાર્લામેન્ટ સદસ્યના એક્સ્પેન્સ)ની તપાસ કરવા એક પત્રકારે જ્યારે હીમ્મ્ત કરી ત્યારે બ્રીટનમાં હોબાળો થઈ ગયો ! ત્રણસો વરસના ઈતીહાસમાં હાઉસના સ્પીકરને રાજીનામું આપવાની ફરજ પડી.

 

આપણી સામાજીક સંસ્થાઓ શું આપણને તેના ખર્ચાઓની ફાઈલ, દરેક બીલ (ઈનવોઈસ) તપાસવાની મંજુરી આપે છે ? કે સંસ્થાને મજબુત કરવાના હેતુથી આપણે એ ચકાસીએ છીએ ? આ ખર્ચાઓમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરાય છે તેની નીષ્ણાતોને પાકી જાણકારી હોય છે. ‘હાવ ટુ કુક ધ બુક’. આવી બુકને જોવા એકલ–દોકલ કોઈ જાગે તો બહુમતીના હથીયારથી તેના વીચારની ઘાતકી હત્યા કરવામાં આવે છે. આ રીતે લોકશાહીના અસાત્વિક હથીયાર દ્વારા જે નુકસાન સમાજને થયું છે તે ભયંકર છે.

 

આ પત્ર લખનાર આવી પરીસ્થીતીમાંથી પસાર થયો છે. તેણે અવાજ બુલન્દ કરેલ છે. જેના અનુભવ ઉપરથી આ પત્ર લખવાનું તેને યોગ્ય લાગ્યું છે. સમાજના જાગૃત લોકોએ કોઈની વાતોમાં આવી વીશ્વાસ ન કરવો જોઈએ; પણ દરેક સભ્યે પોતાની જાતે પુરેપુરી ચકાસણી (વેરીફાઈ) કર્યા બાદ જ વીશ્વાસ મુકવો જોઈએ. આજના સમાજને માત્ર પ્રમાણીક વ્યક્તી જ નહીં ચાલે; પણ પ્રમાણીકતા સાથે બહાદુર અને અસત્ય, દુરાચારને પડકારવાની તેનામાં હીમ્મત હોય તે જરુરી છે. અને જે સમાજ આવી વ્યક્તીને ઓળખીને સન્માન સાથે સહકાર આપશે તે સમાજની પ્રગતીને કોઈ અટકાવી નહી શકે…


 

સ્વાર્થી, ડરપોક અને ખુશામતખોર વ્યક્તી સમાજ માટે ભારરુપ છે- અયોગ્ય છે. તમારી જાતે જે તે વીગતો તપાસ્યા બાદ જ વીશ્વાસ કરો. સાત્વિકતાને ખુલ્લો સહકાર આપો. જશ અને અપજશનો વીચાર ન કરો. જો સમાજ સાત્વિકતાથી–સચ્ચાઈથી મજબુત હશે તો જ તમે લોકશાહીની મોજ સાથે સમાજ સેવા કરી, સારાં ફળો મેળવી શકશો. આવા સારાં ફળો જોઈ તમને અને તમારા વડીલોને તો ભવ્યાતીભવ્ય આનન્દ મળશે જ; સાથે સાથે આગામી પેઢીને માટે પણ તમે એક સ્વસ્થ સમાજ રચી શકશો.

-વીનુ સચાણીયા

 લંડન

સૌજન્ય : અભિવ્યક્તિ

 

No comments:

Post a Comment