આપણે સૌ પૃથ્વી નામના ગામના નાગરિકો છીએ. એ ગામનું અસલ નામ ‘જીવનગ્રામ’ છે. સમગ્ર બ્રહ્માંડમાં આવું બીજું કોઈ ગામ હોવાનું જાણ્યું નથી. ગામમાં રહેનાર સૌને દુઃખની ભેળસેળ વગરનું સુખ જોઈએ છે. સુખ માણસની ઝંખના છે, દુઃખ જીવનની હકીકત છે. ભગવાન બુદ્ધને સમજાયું કે જીવન દુઃખમય છે. તથાગતે લાંબા ચિંતનને અંતે ચાર આર્યસત્યો માનવજાતને સંભળાવ્યાં : 1. દુઃખ છે. 2. દુઃખનું કારણ છે. 3. દુઃખનો ઉપાય છે. 4. ઉપાય શક્ય છે. આવી દુઃખમીમાંસાને અંતે તથાગતે બ્રહ્મવિહારનાં ચાર પગથિયાં બતાવ્યાં : ‘મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા (ઉપેક્ષા એટલે વૈરાગ્યયુક્ત જીવનદષ્ટિ)
આપણા જેવા સામાન્ય માણસો સુખની ક્ષણે છલકાઈ જાય છે અને દુઃખની ક્ષણે બેવડ વળી જાય છે. આપણને સૌને એક પ્રશ્ન સતાવે છે : દુઃખની સાથે કામ શી રીતે પાડવું ? જીવનમાં ચાર પ્રકારની દુઃખદ ઘટનાઓ માટે માણસે પોતાના મનને સતત તૈયાર રાખવાનું છે.
1. સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ
2. કલ્પના પણ ન કરી હોય એવી વ્યક્તિ તરફથી દગાબાજી
3. ઓચિંતો ત્રાટકેલો કોઈ અસાધ્ય રોગ
4. સંજોગોના ષડયંત્રને કારણે આવી પડેલી ગરીબી.
2. કલ્પના પણ ન કરી હોય એવી વ્યક્તિ તરફથી દગાબાજી
3. ઓચિંતો ત્રાટકેલો કોઈ અસાધ્ય રોગ
4. સંજોગોના ષડયંત્રને કારણે આવી પડેલી ગરીબી.
સુખની ઝંખના ટાળવા જેવી બાબત નથી. દુઃખની પ્રતીક્ષા ન હોય, પરંતુ એ આવી જ પડે ત્યારે સાધકે કહેવાનું છે : ‘ભગવન ! તારી ઈચ્છા પૂર્ણ થાઓ.’ આ વાત કહેવી સહેલી છે, પણ પચાવવી મુશ્કેલ છે. આપણું જીવન એક એવું રહસ્ય છે, જે આપણને જ સમજાતું નથી. ત્રણ અંગ્રેજી શબ્દો અગત્યના છે : Myth, Mysticism અને Mystery. આ ત્રણે શબ્દો ગ્રીક ક્રિયાપદ ‘Musteion’ પરથી આવેલા છે. એનો સીધોસાદો અર્થ છે : ‘મોં બંધ કરવું અને આંખો બંધ કરવી.’ આપણા રોજિંદા જીવનમાં એક જ વાત મનોમન પાકી કરવાની છે કે જીવન ઢંકાયેલું (Obscure) છે, અંધારામાં ગોપાયેલું છે કે પછી શાંતિથી ભરેલું છે. આવી સહજ અનુભૂતિ જ્ઞાન ભણીની યાત્રાનો પ્રારંભ બની જાય એ અશક્ય નથી. દુઃખને આમંત્રણ આપવાનું નથી, પરંતુ આવી પડેલા દુઃખનો સદુપયોગ કરી લેવાનું ટાળવા જેવું નથી. જૉન બોરિસેન્કો કહે છે : ‘તમે મૃત્યુ પામશો કે નહીં એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે તમે કેવી રીતે મૃત્યુ પામશો.’ જીવન રહસ્યમય છે, પરંતુ મૃત્યુ તો સાક્ષાત રહસ્ય જ છે.
જે ચીજની આપણે તૃષ્ણા નથી રાખી તે ચીજ આપણા દુઃખનું કારણ બનવાની તાકાત ગુમાવી બેસે છે. સુખની ઝંખના નથી સતાવતી, પરંતુ છીછરા સુખની ઝંખના આપણી આનંદયાત્રામાં અંતરાય ઊભો કરનારી છે. શરાબસેવન સુખદાયી જણાય છે, પરંતુ લાંબે ગાળે એ આપણા સહજ આનંદને કાપે છે. આપણી નાનીમોટી ઈચ્છાઓના રાફડા સર્જાતા રહે છે. જેની ઈચ્છા રાખીએ તે કાયમ ઈચ્છનીય હોય છે ખરું ? જેની પ્રાપ્તિ આપણી તૃષ્ણાને જગાડે છે તે પ્રાપ્તવ્ય જ હોય એવું ખરું ? જેનું આપણે મન ઘણું મૂલ્ય હોય તે ખરેખર મૂલ્યવાન હોય જ એવું ખરું ? આજકાલ જ્યાં જુઓ ત્યાં છીછરા સુખ પાછળની દોટ જોવા મળે છે. છીછરું સુખ આખરે તો ઊંડા દુઃખમાં પરિણમતું જોવા મળે છે. ટેકનોલૉજી સુખ અને દુઃખથી પર એવા આનંદથી આપણને છેટા ન રાખે ત્યાં સુધી આવકારદાયક છે. ‘આનંદ’ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. વૈરાગ્ય વિના આનંદ ક્યાંથી ? આપણી અઢળક ઈચ્છાઓને સખણી રાખનારા વૈરાગ્ય (ઉપેક્ષાભાવ) વિના આનંદની સહજ અનુભૂતિ શક્ય ખરી ? ઈચ્છાપૂર્તિમાં બધું જીવન વીતી જાય ત્યારે માનવું કે જીવનભર મજૂરી જ ચાલતી રહી. મજૂરી કદી પણ આનંદપર્યવસાયી ન હોઈ શકે. સફળતાની ઝંખના રોગની કક્ષાએ પહોંચે ત્યારે નિષ્ફળતાનું સૌંદર્ય નષ્ટ થાય છે. રળિયામણી નિષ્ફળતા સૌના નસીબમાં ક્યાંથી ? એક ફ્રેન્ચ કહેવત છે : જખમોની કથા ધૂળ પર લખજો, પરંતુ કરુણાની કથા આરસપહાણ પર લખજો.
મર્યાદાપુરુષોત્તમ રામનું જીવન દુઃખ નામના તત્વને સમજવામાં ઉપકારક થાય તેમ છે. જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તે જ દિવસે ચૌદ વર્ષનો વનવાસ આવી પડ્યો. વનવાસ પૂરો થવામાં હતો ત્યાં રાવણે સીતાનું અપહરણ કર્યું. અયોધ્યામાં રામરાજ્ય સ્થપાયું અને ઓચિંતો સીતાત્યાગનો પ્રસંગ ઉપસ્થિત થયો. વાલ્મીકિ ઋષિના પ્રયત્નને પરિણામે ફરીથી રામસીતા મિલનની ક્ષણ નજીક હતી ત્યાં સીતા પૃથ્વીમાં સમાઈ ગઈ. જો નિયતિ રામને ન છોડે તો આપણને છોડે ખરી ? જીવનમાં બધું કેમ, કઈ રીતે અને કોના દોરીસંચારથી બને છે તેનો ખયાલ આપણને આવતો નથી. જીવનના રહસ્યનો આવો અભિક્રમ આપણા હાથની વાત નથી. શું દુઃખ સામે હાથ જોડીને બેસી રહેવું ? રામનું જીવન અહીં પ્રેરણાદાયી બની શકે. સીતાનું અપહરણ થાય એ નિયતિનો ખેલ હતો, પરંતુ રાવણવધ એ રામના પ્રચંડ પુરુષાર્થનું પરિણામ હતું.
ઈચ્છાપૂર્તિ માટે સતત મથવું એ કામદારવૃત્તિ છે. સુખનો સહજ સ્વીકાર એ કારીગરવૃત્તિ છે. સાક્ષીભાવે દુઃખનો વૈરાગ્યપૂર્ણ સ્વીકાર એ કલાકારવૃત્તિ છે. જીવન નાની નાની અસંખ્ય ઘટનાઓનું બનેલું છે, પરંતુ જીવન સ્વયં નાની ઘટના નથી. જીવતાં હોવું એ પ્રાપ્તિ છે, પરંતુ જીવંત હોવું એ ઉપલબ્ધિ છે.
– ગુણવંત શાહ
['ભગવાનની ટપાલ'માંથી સાભાર ]
No comments:
Post a Comment