માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ કે બ્રીટનવાસીઓ 13ના આંકડાને શુભ માને છે; જ્યારે 87ના સ્કોરને તેઓ અશુભ ગણે છે. જાપાનમાં લોકો યાત્રા પર જતાં પહેલાં નખ નથી કાપતા. ક્યુબા નીવાસીઓ ચાંદનીને ખરાબ માને છે અને તેથી ચાંદની રાતોમાં ખુલ્લાં માથે નથી નીકળતા. એસ્કીમો હવાની દીશા બદલવા માટે ઢોલ વગાડે છે. પેરુમાં વરસાદ લાવવા માટે કાળા ઘેટાને મેદાનમાં ઉભું રાખી દેવાય છે અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ઘેટાને ખોરાક આપવામાં નથી આવતો… વગેરે વગેરે.
શુકન-અપશુકન માટે મુહુર્ત જોવામાં આવે છે. પુરોહીતો અપશુકન નીવારણ માટે વીધી કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે. શુકન-અપશુકનના ખ્યાલને લીધે વીધવા સ્ત્રીઓ, દલીતો વગેરેને સામાજીક તીરસ્કાર મળે છે. અંધશ્રદ્ધાળુઓ સારા શુકન માટે દીવસો સુધી તકના ભોગે રાહ જોઈ બેસી રહે છે. શુકન-મુહુર્ત કે અન્ય ધાર્મીક વીધીઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાઓ દેશની વીકટ સમસ્યાઓ નીવારવાને બદલે તેમાં વધારો જ કરે છે. આમ આર્થીક, સામાજીક, શારીરીક શક્તીઓનો દુર્વ્યય થવાને કારણે છેવટે તો માનવ સમાજનો સર્વાંગી વીકાસ અવરોધાય છે.
જે વસ્તુ પ્રીય લાગે તે શુકન અને જે વસ્તુ અપ્રીય લાગે તેને અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચડાવવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહીયાત છે. માનવ સમાજમાં આ પ્રકારનો અંધવીશ્વાસ આદીકાળથી જ પ્રચલીત છે. જેને જડમુળથી ઉખેડી કાઢવા માટે અવીરત પ્રયત્નો કરવા જરુરી છે.
–ગોવીન્દ મારુ
No comments:
Post a Comment