Pages

Saturday, April 14, 2012

એકબીજા માટે જીવન ગાળતાં શીખો

આપ આ વખતે જ્યારે અમારે આંગણે આવ્યા ત્યારે પહેલા તો અમને એમ જ લાગ્યું કે સૂર્યનો ઉદય થયો છે. કારણ કે આપના ચહેરા ઉપર મસ્તી હતી અને આંખમાં આનંદના ફુવારા ઊડી રહ્યા હતા. મૂંગા પડેલાં અમારાં વાદ્યોમાં સંગીત પ્રગટ થયું અને ઝાંખા બળતા અમારા દીપક વધુ તેજસ્વી બની ગયા. પ્રભાતનાં પુષ્પો જેવા સુવાસિત શબ્દો આપના મુખમાંથી નીકળ્યા. આપે કહ્યું : ‘આ વખતે હું કંઈ તમને મહાન ઉપદેશ આપવા નથી આવ્યો. હું તો જીવનની સીધી સાદી વાતો કહેવા આવ્યો છું. મારું તો તમને એટલું જ કહેવું છે કે જો સુખી થવું હોય તો અને પરમ આનંદનાં દર્શન કરવાં હોય તો તમે એકબીજા માટે જીવન ગાળતાં શીખો. કોઈ તમને પ્રેમનું એક બિંદુ આપે તો એના બદલામાં તમે એને દસ બિંદુ આપો. એકબીજાની લાગણીને અનુકૂળ રહેવાથી જીવનમાં એક પ્રકારનું એવું અદ્દભુત સંગીત ઉત્પન્ન થાય છે કે જેથી માણસ આનંદની મસ્તી અનુભવી શકે છે.
પારકાને પોતાના બનાવી લેવા એ એક કળા છે, પણ આ કળા શીખવા માટે કંઈ પુસ્તકો નથી મળતાં તેમ જ એને માટે નિશાળો નથી. એને માટે અંતરમાં તપાસ કરવી પડે છે અને ત્યાગનો માર્ગ શોધી કાઢવો પડે છે. ભગવાન બુદ્ધે જ્યારે વૈભવવિલાસનો ત્યાગ કર્યો કે આખું જગત એનું બની ગયું. જીવનના નાનાં નાનાં કાર્યોમાં પણ જો તમે સામા માણસને ખાતર જીવી રહ્યા છો એ ભાન રાખશો તો તમારા ડગલે અને પગલે પ્રેમનો પ્રકાશ પથરાશે. આ વસ્તુને જીવનમાં વણી લેવી પડે છે. કેટલાક માણસો કહે છે કે અમે આટલું કરીએ છીએ છતાં પણ કંઈ પરિણામ નથી આવતું, પણ આ જાતનું ભાન કરેલા કાર્ય ઉપર પાણી ફેરવી નાખે છે. આ કંઈ શુભ ભાવના નથી, આ તો વેપારીનો સોદો છે. અને જે લોકો જીવનને ઉચ્ચ કક્ષાએ મૂકવા માગે છે તેમણે આવી વેપારીની ગણતરી નહીં જ કરવી જોઈએ. ‘સાગરમાં મળી જઈશ તો હું ખારી થઈ જઈશ.’ એવો વિચાર કરીને શું સરિતાએ વહેવાનું મુલતવી રાખ્યું છે ? ‘ખીલી ઊઠીશ તો કોઈ ચૂંટી જશે’ એવો વિચાર કરીને બાગની કોઈ કળીએ શું ખીલવાનું બંધ રાખ્યું છે ?
નહીં…
તો પછી કોઈને માટે આપણે કંઈ સ્વેચ્છાથી અને પ્રેમભાવે કરતાં હોઈએ એમાં વળી આ વેપારી ભાવના શા માટે ? હું તમને ખાતરીપૂર્વક કહું છું કે શુભ ભાવનાઓનું વાવેતર જીવનમાં વહેલું મોડું શુભ ફળ આપ્યા વિના રહેતું જ નથી. તમે સૌ આજે બેચેન છો, નિરાશ છો કારણ કે તમે સૌ પોતપોતાના માટે જીવનનાં બારણાં બંધ કરીને જીવી રહ્યા છો. જિંદગીમાં જે ફક્ત પોતાનું સુખ જોયા કરે છે એને શાંતિનો તેમ જ આનંદનો અનુભવ કદી થતો નથી.’ આટલું કહીને આપ ચાલ્યા ગયા અને અમે સૌ વિચારમાં પડી ગયાં.
-વજુ કોટક 
 [‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]

No comments:

Post a Comment