[ પ્રતિષ્ઠિત ‘ગૂર્જર પ્રકાશન’ના અંગત પારિવારિક લગ્નપ્રસંગ નિમિત્તે ‘હૈયાનો હસ્તમેળાપ’ નામનું આ અનોખું પુસ્તક થોડા મહિનાઓ અગાઉ તૈયાર કરવામાં આવ્યું. શ્રી દિનેશભાઈએ હંમેશની જેમ પોતાની કલમ દ્વારા પારિવારિક સહજીવનનું ખૂબ વાસ્તવિક શબ્દચિત્રણ આ પુસ્તકમાં રજૂ કર્યું છે. આજના સમયને અનુરૂપ ઘટના-પ્રસંગો લઈને તેમણે તેના ઉકેલ પણ અત્યંત સહજ રીતે બતાવ્યાં છે. પતિ-પત્નિના સહજીવન અને સામાજિક જીવન માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી થઈ પડે તેમ છે. આધુનિક યુગલોએ તે ખાસ વાંચવા જેવું છે. .]
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના શોષણની ઘટના નવી નથી. જોકે કેટલાક પુરુષો કહે છે : ‘શું સ્ત્રીઓ પુરુષોનું શોષણ નથી કરતી ? કેટલીક સ્ત્રીઓ પુરુષો પર હાથ પણ ઉપાડે છે.’ કેટલીક સ્ત્રીઓ એવી જાગીરદાર પ્રકૃતિની હોય છે કે તેમનું ચાલે તો તેઓ પુરુષોને હુકમ કરે : ‘મારે બાળક જોઈએ છે પણ પ્રસૂતિ જોઈતી નથી. માટે તું પ્રેગ્નન્ટ બન અને મને બાળક આપ !’ કેટલીક સ્ત્રીઓ પતિ સહિત ઘરના તમામ સભ્યો પર સરકસના રિંગમાસ્ટરની જેમ હુકમ ચલાવે છે. જેને કારણે સાસુ-વહુ વચ્ચે સતત તંગદિલી રહે છે.
પ્રસિદ્ધ ટીવી ચેનલના મૅનેજરે ફોન પર ઈન્ટરવ્યૂ માટેનો સમય માગ્યો ત્યારે માયાએ તે આપ્યો ખરો પણ રિસીવર મૂકતાં એણે હસીને મંગળાબહેનને કહ્યું : ‘મમ્મીજી, લો હવે રહી રહીને ટીવીવાળા જાગ્યા. કહે છે ઈન્ટરવ્યૂ લેવો છે !’
મંગળાબહેને કહ્યું : ‘વહુબેટા, ઈન્ટરવ્યૂ આપવામાં વાંધો નથી પણ પછી થાય છે એવું કે ફોન બહુ આવે છે. એથી સતત રોકાયેલા રહેવું પડે છે. તું ટીવીવાળાને કહેજે કે આપણો ફોન જાહેર ન કરે !’
‘મમ્મીજી, સાચું કહું મને તો ફોન પર લોકો જોડે વાતો કરવાની મજા આવે છે.’
‘પણ વહુબેટા, દિવસો સુધી આપણા અંગત જીવન પર લોકોની જિજ્ઞાસા હાવી થઈ જાય તેનું શું ? લોકો પૂછે છે : તમે સાસુ-વહુ મંદિરે પણ સાથે જાઓ છો ?’
માયાએ કહ્યું : ‘હા મમ્મીજી, મને સ્મરણ છે. ઈન્ટરવ્યૂમાં મેં એ સ્પષ્ટતા કરી હતી કે મને પૂજાની ખાસ આદત નથી અને સમય પણ રહેતો નથી. ક્યારેક ઈચ્છા થાય તો ઘરમાં જ ઈશ્વર સામે બે હાથ જોડી લઉં છું. પણ મમ્મીજીને હાઈ બ્લડપ્રેશર સુગર વગેરે રહે છે, એથી મંદિરે જતાં રસ્તામાં ક્યાંક ચક્કર આવ્યા તો તે સમયે એમની સાથે મારે હોવું જોઈએ, એથી હું મમ્મીજી જોડે મંદિરે જાઉં છું.’
માયાને પણ લાગ્યું કે વાત સાચી છે. ઈન્ટરવ્યૂ પ્રગટ થયા બાદ અજાણ્યા લોકો સાથે નિરર્થક પ્રશ્નોત્તરીમાં સમય ઘણો બગડે છે. વળી તે દરમિયાન ફોન બિઝી હોવાને કારણે ખાસ કામના ફોન આવી શકતા નથી. ગઈ વખતે એવું જ થયું હતું. પિયરમાં મમ્મીને ગેસ્ટ્રો થઈ ગયેલો. હૉસ્પિટલમાં દાખલ કરવાં પડેલાં. પણ ઈન્ટરવ્યૂના કારણે લોકોના લગાતાર ફોન રણકતા રહ્યા, તેથી તેમનો ફોન ન મળી શક્યો. છેક સાંજે કોક અજાણ્યો માણસ ઘરે આવી ચિઠ્ઠી આપી ગયો. માયા મનને છાને ખૂણે વિચારી રહી, આ બધી પ્રસિદ્ધિ ગમે ખરી પણ એનીય થોડી અગવડ હોય છે. તમારા અંગત સમય પર લોકોનું આક્રમણ થતું રોકી ન શકાય. કેટલાંક તો વળી ફોન ન લાગે તો સીધો અખબારવાળાને ફોન કરીને પૂછે ફોન નંબર છાપવામાં તો કંઈક ગરબડ નથી થઈને. જરા ચેક કરીને કહો, આ જ નંબર છે ને ? માયાએ મનોજને નવા ઈન્ટરવ્યૂની વાત કહી. ત્યારે મનોજ વ્યસ્ત હોવા છતાં હસીને કહ્યું : ‘તમે સાસુ-વહુ ભલે ઈન્ટરવ્યૂ આપો, પણ એક કૃપા કરશો. મારો ફોન તમારા ઈન્ટરવ્યૂમાં રજૂ ન થાય તેની કાળજી રાખશો.’
ટીવીના કૅમેરામૅન અને રિપોર્ટર મંગળાબહેનના ઘરે આવ્યા ત્યારે સોસાયટીનાં થોડાંક નાનાં છોકરાઓ માયાના ઘરમાં જિજ્ઞાસાવશ આવી ચડ્યાં. માયાએ તે સૌને સમજાવીને કાઢ્યાં. પણ ટીવી રિપોર્ટરે મૂંઝવે એવી બબ્બે શરત મૂકી. તે બન્ને સામે માયાને વાંધો પડ્યો. પણ મંગળાબહેને તેને સમજાવી ત્યારે તે ઈન્ટરવ્યૂ માટે તૈયાર થઈ. વાત એમ બની કે ટીવી ચેનલવાળાની એક ખાસ વિષય પર સિરિયલ બની રહી હતી. વિષય હતો : ‘સસુરાલમેં મેરી સાસસે મેરા પહેલા ઝઘડા…..!’ માયાને વિષય અંગે જરા મૂંઝવણ થઈ. ટીવી પર જૂઠું એ કહેવા માગતી નહોતી અને જાહેરમાં સાચું બોલવામાં પ્રતિષ્ઠાનાં જાણે છોતરાં ઊતરી જવાનાં હતાં. પણ એથીય વિશેષ તો માયાને બીજી વાતનો વાંધો પડ્યો. ટીવી ચેનલવાળાએ કહ્યું : ‘ટીવી સિરિયલના વિષયની મર્યાદા છે એથી માત્ર વહુનો જ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે, સાસુનો નહીં.’ માયાને એ ન ગમ્યું. એણે નન્નો ભણી દીધો. મંગળાબહેને આ જાણ્યું ત્યારે માયાને સમજાવી અને કહ્યું : ‘એમની વાત સાચી છે. આપણે માટે તેઓ એમનો વિષય તો ન બદલી શકે. તું તારે બેધડક ઈન્ટરવ્યૂ આપ. મારા ઈન્ટરવ્યૂની કોઈ જરૂર નથી.’
અને માયાએ ઈન્ટરવ્યૂ આપ્યો. ઈન્ટરવ્યૂમાં બધો સંકોચ ખંખેરી એણે લગ્નજીવનના પ્રારંભિક મતભેદોની વાત કહી. મમ્મીજીની ક્યાં ક્યાં ભૂલ થતી હતી, તેઓ કેટલાં જુનવાણી અને રૂઢિચુસ્ત હતાં તે બધું જ કહ્યું. પહેલા ઝઘડાની ભૂમિકા કેવી રીતે બંધાઈ હતી તે રસપ્રદ કિસ્સો વર્ણવતાં માયાએ કહ્યું : ‘પ્રથમથી જ મને ડાયરી લખવાની આદત હતી. એથી મમ્મીજી વિશેના મારા બધા નિખાલસ અભિપ્રાયો મેં ડાયરીમાં લખ્યા હતા.
એક દિવસ મારી ભૂલને કારણે એ ડાયરી મમ્મીજીના હાથમાં જઈ પડી. એમણે બધું જ વાંચ્યું. એમના ક્રોધનો પાર ન રહ્યો. પૂરા દોઢ કલાક સુધી એઓ મારી સાથે ઝઘડ્યાં. ડાયરીમાં મેં લખ્યું હતું, પરણીને સાસરે આવી ત્યારે મનોજ જોડે ઝડપથી મનમેળ થઈ શક્યો, પણ મમ્મીજી મને થોડાં જૂનવાણી લાગ્યાં. આખો દિવસ નોટબુકમાં રામનામ લખ્યા કરે. આમ તો એમની બધી જ કુટેવો મને ગમતી નહોતી, પણ તે સૌમાં એક કુટેવ જીવલેણ હતી. મેં તે સામે બંડ પોકાર્યું. મેં જોયું કે રાત્રે ગૅસ સિલિન્ડરની સ્વિચ બંધ કરવાની એમને આદત નહોતી. ઘરમાં ઉંદર હતા. રબરની ટ્યૂબ ઉંદર કાતરી નાખે તો ગૅસને કારણે ઘરમાં મોટો અકસ્માત થાય એવું હતું. મેં એમનું ધ્યાન દોરતાં કહ્યું : ‘મમ્મીજી, હવેથી રોજ ગૅસ સિલિન્ડરની સ્વિચ બંધ કરશો. તેમ ન કરી શકો તો હું કરીશ, પણ સિલિન્ડરની સ્વિચ રાત્રે ચાલુ રાખવી એ બહુ મોટી ભૂલ ગણાય. રાત્રે ઉંદર રબર ટ્યૂબ કાતરી ગયા તો ગૅસ લિકેજને કારણે બહુ મોટો ધડાકો થઈ શકે. મમ્મીજી, તમે ન્યૂઝપેપર નથી વાંચતાં એથી ખબર નથી. આવી ભૂલને કારણે કંઈ કેટલીય વાર ગૅસના સિલિન્ડર ફાટવાથી આજુબાજુનાં મકાનોની દીવાલો પણ તૂટી ગયાની દુર્ઘટના બની છે.’ મારે કબૂલવું જોઈએ કે હું ક્રોધને કારણે નમ્રતાનો વિવેક ચૂકી ગઈ હતી. એથી સ્વાભાવિક જ મમ્મીજીને માઠું લાગ્યું. તેમણે ગુસ્સે થતાં કહ્યું : ‘જાણું છું તું બહુ ભણેલી છે, ભાષણો કરવા જાય છે. પણ મારી આગળ કદી ભાષણ ન કરીશ. આમાન્યા રાખીને વાત કરજે. મને કદી કોઈ શિખામણ ન આપીશ. 40 વર્ષથી હું બાટલાનું બટન બંધ નથી કરતી. કશું થયું નથી. ના, ના, આ ઘરમાં મારે કેમ જીવવું તે હવે મારે તારી પાસેથી શીખવાનું છે ?’
મને પણ ગુસ્સો ચડ્યો.
મેં કહ્યું : ‘મમ્મીજી, તમે વડીલ છો તેની ના નહીં, પણ એવું ન માનશો કે વડીલોથી ભૂલ ન થઈ શકે. હું વહુ છું એનો અર્થ એ નથી કે તમારી કોઈ ભૂલ થતી હોય તે હું બતાવી ન શકું ! સાચી રીત એ છે કે મારી કોઈ ભૂલ પ્રત્યે તમે આંગળી ચીંધો ત્યારે મારે ઝઘડો કરવાને બદલે મારી ભૂલ સુધારી લેવી જોઈએ, અને તમારી કોઈ ભૂલ થતી હોય તો તમારેય તે સુધારી લેવી જોઈએ.’ ઘરમાં સાસુ-વહુનો અમારો એ પ્રથમ ઝઘડો હતો. અવાજ સાંભળી મનોજ ત્યાં આવી ચડ્યો. મેં એને આખી વાત સમજાવી.
મનોજે કહ્યું : ‘મમ્મી, માયા સાચું કહે છે. ગૅસ સિલિન્ડરની સ્વિચ રાત્રે તો અચૂક બંધ કરવી જ જોઈએ.’ મનોજે મારી તરફેણ કરી તે કારણે મમ્મીજીનો તેજોવધ થયો. એમનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો.
‘મનોજ, હું 40 વર્ષથી સ્વિચ બંધ નથી કરતી. કશું થયું નથી. તું પણ વહુનો થઈ ગયો ! નિશાળની મહેતી બાળકોને શીખવે તેમ હવે મારે ઘરગૃહસ્થીના પાઠ વહુ પાસેથી શીખવાના છે ?’ મમ્મીજીની નસો ફૂલવા લાગી. ક્રોધના માર્યાં એ લાલચોળ થઈ ગયાં. મારો સ્વભાવ આક્રમક કદી રહ્યો નથી. પણ કોણ જાણે તે દિવસે શું થયું તે મમ્મીજીનો સામનો કરવામાં મેં સંબંધોની દરકાર ન રાખી. કદાચ મારી એ નાદાનિયત હતી, પણ હંમેશાં મને સાચી વાતનો જુસ્સો, ઝનૂન અને આક્રોશ રહેતાં. એથી મને લાગ્યું કે હું કોઈ એંગલથી ખોટી નથી તો પછી સાસુજી માત્ર સાસુ હોવાના એકમાત્ર મોભાનો ગેરલાભ ઉઠાવીને મારી સાચી વાતને જૂઠી ઠેરવવાની કોશિશ કેમ કરે છે ? અને હું પણ ન અટકી. મેં કહ્યું, ‘મમ્મીજી, ઝઘડો મારા સ્વભાવમાં જ નથી, પણ તમે તે લઈ બેઠાં છો તો હજી બીજું ય તમે ઘણું ખોટું કરો છો. તમે પહેલાં ગૅસ સગડીની સ્વિચ ઑન કરી દો છો, પછી લાઈટર માટે આમતેમ ફાંફાં મારો છો. ત્યાં સુધીમાં કેટલોય ગૅસ વેસ્ટેજ જાય છે. લાઈટર પાણીમાં ન બોળાવું જોઈએ એમ મેં તમને એક-બે વાર કહેલું. આપણી અભણ કામવાળી વાસણ ભેગું લાઈટર પણ માંજી નાખે છે. એથી લાઈટર બગડી જાય છે. હું એ ભૂલ બતાવું ત્યારે તમે દર વખતે કામવાળીની તરફેણ કરો છો, પણ તેને તેની ભૂલ સમજાવતાં નથી. દિવસમાં દશ વાર તમે ફ્રીજ ખોલો છો. તેનોય વાંધો નથી. પણ ઘણી વાર ફ્રીજ ખુલ્લું રાખીને કામવાળી સાથે વાત કરતાં રહો છો. એમ થવાથી લાઈટબિલ વધારે આવે તેની તમને ખબર નથી.
તમે વાત લઈ બેઠાં છો તો હજી આગળ સાંભળો. તમે જાળા પાડવા માટે દીવાલ પર ઝાડુ ફેરવો છો ત્યારે કાળજી નથી લેતાં, એથી બલ્બને ઝાડુ લાગી જાય છે. ચારેક બલ્બની ફિલામેન્ટ એ રીતે તૂટી ગઈ. તે દિવસે કામવાળીની બેબી દાઝી ગઈ. તમે તેના પર ધાબળો ઢાંકી દીધો. દાઝી ગયેલા અંગ પર ધાબળો ન વીંટાળાય, બરફનું ઠંડું પાણી રેડવાનું હોય. કેટલી ભૂલ ગણાવું ? તમે ચશ્માં સુતરાઉ કટકાથી લૂછવાને બદલે ગરમ પાણીથી સાફ કરો છો. રસોડામાં હાથ હંમેશાં સાડલાથી લૂછો છો. રૂમાલને બદલે પડદાથી મોઢું લૂછતાં પણ મેં તમને જોયાં છે. આવું બધું તમારે બદલે હું કરતી હોઉં તો તેય ખોટું જ ગણાય. મમ્મીજી, હજી આગળ સાંભળો. મારી ના છતાં તમે ગઈ કાલે કૂકરમાં સીસું પુરાવ્યું. તમને મેં ઘણી વાર સમજાવ્યું કે કૂકરનો સેફટીવાલ્વ ઊડી જવા માટે જ એમાં નાખવામાં આવતો હોય છે. કોઈ કારણોસર સીટીમાં કચરું આવી જાય અને મેઈન વાલ્વમાંથી વરાણ ન નીકળી શકે તે સંજોગોમાં સેફટીવાલ્વ ઊડી જઈને અકસ્માતથી બચાવી લે છે. તમે તેમાં સીસું પુરાવીને જડબેસલાક બંધ કરી દો છો. એમ થવાથી કૂકરમાંથી વરાળ ન નીકળી શકે ત્યારે તે ધડાકા સાથે ફાટે છે. મેં તમને અગાઉ પણ આ વાત સમજાવી હતી. પણ મારી કોઈ પણ સાચી વાત માનવામાં તમને તમારા સાસુપણાનું અહમ આડે આવે છે. મમ્મીજી, તમે રોજ સવારે નોટબુકમાં હજાર વાર રામનામ લખો છો. તમારી શ્રદ્ધા સામે મને વાંધો નથી. પણ આ ઉંમરે હજાર વાર રામનામ લખવાને બદલે હજાર ડગલાં ચાલવાથી વધુ ફાયદો થઈ શકે. એવી સલાહ આપવામાં મેં કશું ખોટું કહ્યું નહોતું. તમે ત્યારે પણ ઝઘડો કરીને મને કહેલું : ‘વહુ, મારે કેમ ભક્તિ કરવી તેની તું મને સલાહ ન આપ. હું તારી માફક નાસ્તિક નથી !’
આખી સોસાયટીમાં ખબર થઈ ગઈ કે મંગળાબહેન અને માયા વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. બન્નેની આંખોમાં આંસુ આવી ગયાં. મનોજ પણ લગભગ રડમસ થઈ ગયો. ઘરમાં વાતાવરણ ભારેખમ થઈ ગયું. પહેલાં કદી આવું બન્યું નહોતું. થોડા દિવસથી ઘરમાં રાંધ્યાં ધાન રખડી જતાં હતા. કોઈ એકમેક સાથે બોલતું નહોતું. એવું લાગતું હતું જાણે કોઈ અજાણ્યા દેશની અજાણી ધર્મશાળામાં એક છત તળે ત્રણ અજાણ્યાં મુસાફરો સાથે જીવી રહ્યાં છે.
એક રાત્રે મનોજની આંખ ખૂલી ગઈ. જોયું તો માયા પથારીમાં નહોતી. ઊભો થઈ એ બાલ્કનીમાં આવ્યો. માયા હીંચકા પર બેસી રડી રહી હતી. એ માયાની બાજુમાં બેઠો. થોડી ક્ષણ એ માયાને રડતી જોઈ રહ્યો. એને સમજાયું નહીં કે માયાને શું કહેવું ? એ બનાવ પછી આમેય શાંતિ-ઊંઘ હરામ થઈ ગયાં હતાં. સોસાયટીવાળા સૌ કુતૂહલભરી નજરે એમના ઘર તરફ નજર કરી રહ્યાં હતાં. પાર્વતીબહેન ત્રણેક વાર આવી સાસુ-વહુને અલગ-અલગ શિખામણ આપી ગયાં હતાં. મનોજ કશુંક બોલવા જતો હતો ત્યાં અચાનક માયા ઊભી થઈને એને વળગીને મોટેથી રોઈ પડી. મનોજના શબ્દો ફરી હોઠોની અંદર અટકી ગયા.
માયાએ કહ્યું : ‘મનોજ, મેં સ્વપ્નેય કલ્પ્યું નહોતું કે નાનકડી વાતમાંથી વાતનું વતેસર થઈ જશે.’
‘માયા, જે થયું તે ભલે થઈ ગયું, પણ હવે ફરી એવું ન થાય તેની તકેદારી રાખવી પડશે. સોસાયટીમાં આપણી મોટી બદનામી થઈ ગઈ છે. તેં નોંધ્યું હશે આપણા ઘર તરફ આખી સોસાયટી તમાશો માણતી હોય એમ જોઈ રહી છે. માયા, તું ખૂબ સમજદાર છે. હું મમ્મીને પણ કહીશ તેઓ તારી સાથે આવી રીતે ન વર્તે.’
‘નહીં મનોજ, તમે અહીં ખોટું વિચારી રહ્યા છો. ભૂલ મમ્મી કરતાં મારી વધારે છે.’ મનોજ અટકીને માયા તરફ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. એની આંખોમાં ખામોશ આશ્ચર્ય છવાઈ ગયું. માયાએ આગળ કહ્યું : ‘મનોજ, મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. હું બધી હદ ઓળંગી ગઈ, અને તમે જોતા રહ્યા. તમારે મને રોકવી જોઈતી હતી.’
‘માયા, મેં તને એટલા માટે નહીં રોકી કે તારી કોઈ વાત ખોટી નહોતી. કૂકરમાં સીસું પુરાવવું, ફ્રીજ ખુલ્લું રાખવું, રાત્રે ગૅસ સિલિન્ડરની સ્વિચ બંધ ન કરવી એ બધી જ મમ્મીની ભૂલો હતી. મમ્મી વડીલ હોવાને નાતે હું બહુબહુ તો એટલું કરી શક્યો હોત કે એ જ બધી વાતો તેમની સાથે ઝઘડો કર્યા વિના તેમને શાંતિથી સમજાવી શક્યો હોત, પણ તમારા વચ્ચે ઝઘડો છેડાઈ ચૂક્યો હતો અને મમ્મી ઓલરેડી રોંગબૉક્સમાં હતાં ત્યારે હું ફક્ત માતૃપ્રેમ બતાવવા ખાતર ખોટી વાતને ટેકો શી રીતે આપી શકું ?’
‘મનોજ, હું તમને એ જ કહું છું. સત્ય મારે પક્ષે જ હતું પણ મમ્મીજી સામે તે રજૂ કરવાની મારી રીત ખોટી હતી. મનોજ, 70 વર્ષનાં ઓલ્ડ મમ્મીજી ઝાઝું ભણ્યાં નથી. એમને ફ્રીજ, કૂકર વગેરેની આધુનિક ટૅકનૉલૉજી વિશે શી ખબર હોય ! સત્ય શું છે તે આપણે જાણતાં હતાં, પણ આપણે મમ્મીજી કરતાં વધુ શિક્ષિત છીએ તો એ સત્ય તેમને હું શાંતિથી સમજાવી શકી હોત. ઝઘડો કરવો જરૂરી નહોતો. મને હવે રહીરહીને પ્રશ્ન થાય છે કે પિયરમાં મારાં મમ્મી પણ અશિક્ષિત અને જુનવાણી છે. તેમની જોડે મારાં ભાભી આવી રીતે ઝઘડી પડે અને તોછડાઈપૂર્વક તેમને મોં પર તેમની ભૂલો ગણી બતાવે તો તેમનેય જરૂર માઠું લાગી શકે.’
‘માયા, મને આનંદ છે, તું આખી વાત ઠીક રીતે સમજી શકી છે. પણ ન્યાય ખાતર એટલું કહું કે મમ્મીએ પણ એ દષ્ટિકોણથી વિચારીને તારી સાથે થોડી નરમાશથી વર્તન કર્યું હોત તો વાત કદાચ આટલી હદે ન ડેવલપ થઈ હોત. હું તારી કરવા ખાતર તરફેણ કરું એવી મારી પ્રકૃતિ નથી. મને તારા બધા જ મુદ્દા સાચા લાગ્યા. એ સંજોગોમાં મમ્મીને પણ તે ક્ષણે તારી 25 ટકા વાત સાચી લાગી હોત તો એમણે સાસુ હોવાના મોભાનો ગેરલાભ ઉઠાવવાને બદલે શાંતિથી વિચારવું જોઈતું હતું. તેને બદલે એ સીધો ઝઘડો જ કરી બેઠાં. વહુ કહે તે ખોટું જ હોય અને વહુથી સાસુને શિખામણ ન અપાય એવી એમની જુનવાણી મેન્ટાલિટી અહીં ભાગ ભજવતી હતી. માયા, 40 વર્ષથી આપણા ઘરમાં ગૅસ સિલિન્ડર બંધ ન કરવાથી કોઈ નુકશાન ન થયું હોય એનો અર્થ એવો નથી કે ભવિષ્યમાં પણ એવી દુર્ઘટના ન જ બને. ગમે ત્યારે દુર્ઘટના થઈ શકતી હોય છે એથી તેવું ન થાય તે માટેના સિક્યોરિટી સ્ટેપ લેવાં અનિવાર્ય હોય છે. મોટી ઑફિસોમાં કે થિયેટરોમાં અગ્નિશામકનું સિલિન્ડર વર્ષોથી લગાડવામાં આવે છે. આગ નથી લાગતી છતાં દસ-પંદર વર્ષે તેને બદલીને નવાં સિલિન્ડર મૂકવામાં આવે છે. ત્યાં એવું ન વિચારી શકાય કે આગ લાગતી જ નથી એથી નાહક અગ્નિશામક રાખવાની કોઈ જરૂર નથી. માયા, માની લે કે કૂકરના સેફટીવાલ્વમાં સીસું પુરાવ્યા પછી પણ કદાચ અકસ્માત ન થાય એવું બને, પરંતુ મૂળ તો આખી વાત જ અવૈજ્ઞાનિક છે તેનો શી રીતે બચાવ થઈ શકે ? ગાડી રોંગ સાઈડે ચલાવ્યા પછી એક્સિડન્ટ ન થાય તેથી રોંગ સાઈડે ગાડી હંકારવી બરાબર છે એવો અર્થ ન તારવી શકાય.’
માયાએ આંખો લૂછતાં ગંભીર ભાવે કહ્યું : ‘મનોજ, તમારી દલીલો ખોટી નથી, પણ મમ્મીજી સામે તે રજૂ કરવાની મારી રીત તોછડાઈભરેલી અને અપમાનજનક હતી. મને લાગે છે કે મમ્મીજી કરતાં હું વધારે દોષિત છું. કેમકે મમ્મીજીએ તો અજ્ઞાનવશ એ દલીલો કરી હતી. પણ મને તો ખબર હતી. વડીલો જોડે અદબપૂર્વક વાત કરવાની હોય છતાં હું તે ચૂકી ગઈ. મનોજ, મેં પુસ્તકોમાં વૃદ્ધોની સાઈકોલૉજી વિશે ઘણું વાંચ્યું છે. તે વાંચ્યા પછીય હું તેનો ફાયદો ન ઉઠાવી શકી. મેં આ બધી જ વાત મમ્મીજી જોડે ખૂબ શાંતિથી કરી હોત તો મામલો આટલી હદે બગડ્યો ન હોત. મમ્મીજી સ્વભાવે કાંઈ લડાયક કે વાંકદેખા નથી. આખી સોસાયટી એમની ઈજ્જત કરે છે. મેં થોડું સાચવી લીધું હોત તો આમાંનું કશું જ ન થાત. મને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે. હું એક વિનંતી કરું. મને સાથ આપશો ?’ અગાસીના અંધકારમાં મનોજ માયાના બંધ હોઠોને તાકી રહ્યો. માયા શેમાં સાથ માગી રહી હતી ?
માયાએ કહ્યું : ‘આજની ઘટનામાંથી મને ખૂબ ઉપયોગી પાઠ શીખવા મળ્યો છે. મેં ભૂલ કરી છે પરંતુ તેના પ્રાયશ્ચિત રૂપે હું કંઈક એવું કરવા માગું છું કે હવે પછી એક પણ દિવસ મમ્મીજી જોડે મારે ઝઘડો નહીં થાય. એ માટે હું અત્યારે જ મમ્મીજીના રૂમમાં જઈ તેમની ક્ષમા માગવા માગું છું !’
મનોજ જરા મૂંઝાયો.
એણે કહ્યું : ‘પણ માયા, રાત ઘણી વીતી ગઈ છે. અત્યારે તો એ સૂતાં હશે. આપણે બન્ને સવારે એમની સાથે વાતો કરીશું.’
‘ના મનોજ, ત્રણ રાતથી મને ઊંઘ નથી આવતી. હું મમ્મીજીની માફી નહીં માગું ત્યાં સુધી મને ચેન નહીં મળે.’ મનોજ અને માયા, બન્ને મંગળાબહેનની રૂમ આગળ આવ્યાં. માયાએ બારણે ટકોરા મારી હળવેથી કહ્યું : ‘મમ્મીજી, પ્લીઝ દરવાજો ખોલો !’ મંગળાબહેનને ઊંઘ નહોતી આવતી. એ ગીતા વાંચી રહ્યાં હતાં. દરવાજો અંદરથી ખુલ્લો જ હતો. હળવેથી તેમણે તે ખોલ્યો. સામે વહુ સાથે મનોજ પણ ઊભો હતો. મંગળાબહેન ગંભીર ભાવે અને થોડીક જિજ્ઞાસાથી તેમને સામે ઊભેલાં જોઈ રહ્યાં. એઓ કાંઈ બોલે તે પૂર્વે માયા તેમને વળગીને રોઈ પડી, ‘મમ્મીજી ! મને માફ કરો. હું તમારી ક્ષમા માગું છું. હું વચન આપું છું કે હવે કદી આ ઘરમાં આપણા વચ્ચે ઝઘડા નહીં થાય. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારી વાત સાચી હોય તોપણ મારે તમારી જોડે આવી રીતે ન વર્તવું જોઈએ. હું સાચે જ બહુ દિલગીર છું મમ્મીજી !’ મનોજે પણ કહ્યું : ‘મમ્મી, માયાની સાથે હું પણ તમારી માફી માગું છું. મારી પણ ક્યાંક ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને હવે પછી આ ઘરમાં આપણાં ત્રણ વચ્ચે કોઈ મતભેદ જન્મે તો તેનો ઉકેલ ઝઘડાથી નહીં પણ શાંત વાટાઘાટથી લાવીશું.’
દીકરા-વહુની ક્ષમાયાચનાથી મંગળાબહેનનું મન પીગળ્યું. એમણે ગંભીર ભાવે કહ્યું :
‘વહુબેટા, ઝઘડો થયા પછી હું મંદિરે ગઈ હતી. ત્યાં ઈશ્વરનાં ચરણોમાં બેસી મેં ખૂબ વિચાર્યું, તો મને સમજાયું કે તું અને મનોજ સાચું કહેતાં હતાં. લાઈટબિલ વધારે ન આવે તે માટે હું સતત ચિંતિત રહું છું. પણ સાચું કહું તો ફ્રિજનો દરવાજો ખુલ્લો રાખવાથી પાવર વધારે વપરાય તેની મને ખબર નહોતી. કૂકરના વાલ્વમાં સીસું પુરાવવાથી કૂકર ફાટી શકે તે વાત મેં પહેલી વાર તારે મોઢે સાંભળી. ગૅસના સિલિન્ડરની સ્વિચ રાત્રે બંધ કરવાની મને વર્ષોથી ટેવ જ નહીં. પણ તેં જે ભયસ્થાન બતાવ્યું તે ખોટું નથી. ઉંદરો ગૅસની નળી કાતરી નાખે તો જરૂર અકસ્માત થઈ શકે. મારા સ્વભાવ પ્રમાણે હું ગરમ થઈ ગઈ, પણ મંદિરમાં ભગવાનનાં ચરણોમાં શાંત ચિત્તે વિચારતાં મને લાગ્યું કે તમે બન્ને સાચું કહેતાં હતાં. ભૂલ મારી થતી હતી. મારે તે સ્વીકારી લઈને ભૂલ સુધારી લેવી જોઈતી હતી. પણ જાગ્યા ત્યાંથી સવાર. હવેથી હું એ બધી વાતોનું ધ્યાન રાખીશ.’
માયા અને મનોજ બન્નેએ કલ્પ્યું નહોતું કે મંગળાબહેન સ્વયં પોતાની ભૂલ સ્વીકારી લેશે. માયાની આંખો ફરી વહી નીકળી. એણે મંગળાબહેનનો હાથ લઈ પોતાને માથે મૂક્યો અને આર્દ્રસ્વરે કહ્યું : ‘મમ્મીજી, મારી કદીક ભૂલ થઈ જાય તો મને તમારી દીકરી ગણી ક્ષમા કરજો. હું પણ ભૂલો ન થાય તેનું ધ્યાન રાખીશ. તમારી સાથે હું કદી આ રીતે નહીં વર્તું. મનોજને પણ હું વચન આપીને આવી છું કે આ ઘરમાં મારા અને મમ્મીજી વચ્ચેનો આ અંતિમ ઝઘડો છે. હવે પછી ગમે તેવાં મનદુઃખો કે વિચારભેદ જન્મે તોય શાંતિથી તે પતાવીશું. પણ ઘરના મતભેદો અને ઝઘડા પારકે ઘરે ચર્ચાય તેવું હવે કદી નહીં થવા દઈએ !’