Pages

Monday, May 3, 2010

આપણે માત્ર "જૈન" છીયે

વસતિ ગણતરી : જૈનો માટે ભૂલ સુધારવાનો અણમોલ અવસર

ધર્મના ખાનામાં જૈનો પોતાના ધર્મને માત્ર અને માત્ર "જૈનધર્મ'' લખાવે...

ખાસ ભલામણ : આ ઇમેઇલ તમારા જૈન મિત્રોને અત્યારે જ ફોરવર્ડ કરો... જો તમે જર્નાલિસ્ટ હો તો આ નિવેદન તમારા વર્તમાનપત્રમાં પ્રકાશિત કરીને સમાજનું ઋણ અદા કરો.

ભારતમાં વસતિ ગણતરીનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં જ આ કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ તમારા ઘરના બારણે ટકોરા મારશે. અગાઉની વસતિ ગણતરી દરમ્યાન જૈનોની વસતિના સાચા આંકડા બહાર આવ્યા નથી. જે આંકડા બહાર પડ્યા છે તે ભ્રામક છે.

જૈનોની સાચી સંખ્યા બહાર ન આવવાનાં ઘણાં કારણો છે. જેમાં ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' લખાવવાની બેદરકારી એ સૌથી મોટું કારણ છે. સાચી સમજણના અભાવે ઘણીવાર જૈનોને "હિન્દુ-જૈન'', "જૈન-હિન્દુ'' કે "હિન્દુ'' વગેરે તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એ કારણે પણ જૈનોની સાચી સંખ્યા ગોટાળે ચડે છે.

વસતિ ગણતરીના કાર્ય સાથે સંકળાયેલા બધા કર્મચારીઓ પણ ચીવટવાળા ન હોય એ સ્વાભાવિક છે. આમાંના કેટલાક તો વેઠ સમજીને પોતાના ફાળે આવેલા કામને મજૂરી જેવું ગણીને જલદી જલદી કામ પતાવીને ઘર ભેગા થવાની વૃત્તિથી પીડાતા હોય છે. કેટલાકને તો જૈનધર્મના નામની પણ ખબર નથી હોતી.

વસતિ ગણતરી સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ "વૈજ્ઞાનિક રીતે વસતિ ગણતરી કઈ રીતે કરવી'' તેની કોઈ તાલીમ પામેલા હોતા નથી અને માત્ર પોતાને આપી દેવાયેલાં ફોર્મ ઉતાવળે ઉતાવળે ભરીને ચાલતા થાય છે. તો કેટલાક કર્મચારીઓ લાલફીતાશાહીમાં કામ કરવાની સરકારી રસમને અનુસરીને કામના કલાકો પૂરા થાય તેની ફિરાકમાં હોય છે. આવા સંજોગોમાં, ઘણીવાર, ધર્મના ખાનામાં તેઓ પોતાની જાતે જ જૈનો માટે "હિન્દુધર્મ'' લખી નાખે છે.

"મુસ્લિમ કે ક્રિશ્ચિયન ન હોય તે હિન્દુ જ હોય'' એવી અજ્ઞાનતાના કારણે પણ ધર્મના ખાનામાં કર્મચારીઓ પોતાની જાતે જ, ઘણીવાર, જૈનો માટે હિન્દુ લખી નાખે છે.

આ અને આ સિવાયના બીજાં પણ સામાજિક, રાજકીય અને અન્ય કારણોસર ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' ન લખાવવાના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.

યાદ રાખો, તમે માત્ર અને માત્ર જૈન છો. તેથી ધર્મના ખાનામાં સ્પષ્ટ રીતે "જૈન'' લખાવશો.

યાદ રાખશો કે ધર્મના ખાનામાં જ્ઞાતિનું નામ લખાવવાની ભૂલ કદી ન કરશો અને જ્ઞાતિના ખાનામાં પોતપોતાના "ગોળ'' ન લખાવતાં માત્ર "જ્ઞાતિ''નું નામ જ લખાવશો. જેમ કે "ઓસવાળ, પોરવાડ, શ્રીમાળી, હુંબડ, ભાવસાર કે નીમા'' વગેરે જે હોય તે. "પાંચ ગામ દશા શ્રીમાળી'' કે "બાવન ગામ ભાવસાર'' કે "પાંચ એકડા'' વગેરે લખાવવાના બદલે તમારી જે બૃહદ્‍ જ્ઞાતિ હોય તે જ લખાવવી તમારા અને જૈન ધર્મના હિતમાં છે.

"શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ ઊભો કરનારા "દોઢ-ભણેલા''ઓ સાથે જીભાજોડીમાં ઊતરશો નહીં. એ સમયની બરબાદી સિવાય કશું નથી. કેમકે મોટા મોટા ગુરુભગવંતો પણ આ મામલે લોચાઓ મારી ચૂક્યા છે ત્યારે સામાન્ય જૈનનું આ મામલે ચર્ચા કરવાનું ગજું કે જ્ઞાન ન હોય એ સ્વાભાવિક છે. "શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ જિજ્ઞાસાભાવે કોઈ સરળ વ્યક્તિને થતો હોય તો તે સમાધાન માટે અગાઉથી સમય લઈને મને મળી શકે છે.

વસતિ ગણતરી સાથે સંકળાયેલા કર્મચારી "શું જૈનો હિન્દુ નથી'' એવો સવાલ ઊભો કરે તો તેમને સવિનય બહુમાનપૂર્વક વિવેકભર્યા શબ્દોમાં, પણ મક્કમતાથી, જણાવો કે "આ તમારો વિષય નથી'' અને અત્યારે તમે જે કાર્ય માટે અમારા દ્વારે પધાર્યા છો તે અંગેની ફરજ બજાવીને ધર્મના ખાનામાં અમારી ઓળખ સ્પષ્ટ રીતે "જૈન'' તરીકેની લખો.

વસતિ ગણતરીના સંદર્ભમાં, આ તબક્કે તમે માત્ર એટલું જ યાદ રાખો કે "તમે બીજું કશું નથી, માત્ર જૈન છો.'' ધર્મના સૈદ્ધાંતિક અર્થમાં જૈનધર્મ હિન્દુધર્મથી કેવી રીતે અને શા માટે અલગ પડે છે તે સમજવા લાખો વાચકો દ્વારા વંચાયેલી અને વખણાયેલી પ્રખ્યાત પુસ્તિકા "મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે'' આજે જ વાંચો. ગૂગલ ઉપર "modikshetre kurukshetre'' સર્ચ કરવાથી નેટ ઉપર આ પુસ્તિકા મળી રહેશે.

જૈનોને ખાસ ભાવભીની અપીલ છે કે કોઈના દબાણ, ધાક, ધમકીને તાબે થયા વિના ધર્મના ખાનામાં જૈન લખાવશો.

લખાણ મોકલનાર : પ્રદિપ સી. દોશી

1 comment:

  1. ઉપરનું વસતિ ગણતરીવાળું મૂળ લખાણ પૂજ્યપાદ મુનિ ભગવંત શ્રી મિત્રાનંદસાગરજી મહારાજનું છે. મૂળ લખાણની લિંક અહીં આપેલી છે.
    http://jayjinendra.com/jayjinendra/samachar/nivedan-to-jains-vasati.shtml
    લખાણમાં ઉલ્લેખેલ મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે પુસ્તિકા પણ એ જ પૂજ્ય ગુરુ ભગવંતની છે. આની લિંક પણ અહીં આપેલી છે.
    http://jayjinendra.com/jainbooks.shtml
    આભાર સહ
    જય જિનેન્દ્ર પરિવાર, અમદાવાદ.

    ReplyDelete