Pages

Thursday, June 7, 2012

‘ધર્મ’ શબ્દનો અર્થ



‘ધર્મ’ શબ્દનો અર્થ નહીં સમજીને આપણે મહાઅનર્થ કર્યો છે !


આજે આપણે ધર્મ શબ્દને RELIGION કે મજહબના અર્થમાં જ વાપરીએ છીએ. આ ધર્મ શબ્દના ઘણા મર્યાદીત અને સંકુચીત અર્થઘટનનું પરીણામ છે. ‘મજહબ’ કે ‘RELIGION’ નો સચોટ અર્થ કરવો હોય તો ‘ઉપાસના પદ્ધતી’ એમ કહેવું પડે. આપણા દેશમાં રહેતા લોકો જુદી જુદી ઉપાસના પદ્ધતીને અનુસરે છે. જેવી કે મુસ્લીમ, ખ્રીસ્તી, વૈષ્ણવ, શૈવ, બૌદ્ધ, લીંગાયત, શીખ, રાધાસ્વામી, સ્વામીનારાયણ, બહાઈ, અહમદીયા, ઝોરોસ્ટ્રીયન, કબીરપંથી, આર્યસમાજ, બ્રહ્મોસમાજ વગેરે. આ બધી ઉપાસના પદ્ધતીને ધર્મો કહીને આપણે મહાઅનર્થ કર્યો છે.
     ધર્મ શબ્દના નીચે મુજબના અર્થો થાય છે.
  • રુઢ અર્થમાં મજહબ અથવા RELIGION
  • કાયદો, નીયમ LAW – ORDINANCE – STATUTE
  • શ્રેયકર પ્રથા, સંસ્કૃતી, પરમ્પરા PRACTICE – CUSTOM – USAGE
  • પુણ્યકર્મ, સદ્ ગુણ VIRTUE  – RIGHTEOUSNESS – MORALMERIT
  • કર્તવ્ય  DUTY – PRESCRIBED CONDUCT
  • ન્યાય, સમતા, નીષ્પક્ષપાત, RIGHT, JUSTICE, EQUITY IMPARTIALITY
  • યોગ્યતા, પવીત્રતા, ઔચીત્ય PROPRIETY,  PIETY, DECORUM
  • નીતી, ચારીત્ર્ય MORALITY – ETHICS
  • સ્વભાવ, પ્રકૃતી NATURE, CHARACTERISTICS
  • સારાસાર, વીવેક
  • ત્યાગ, બલીદાન
  • નીષ્ઠા, કર્તવ્યપરાયણતા DEVOTION, DEDICATION વગેરે
આમ ધર્મને કોઈ વીશેષ નામ આપી શકાય જ નહીં. સમ્પ્રદાયો કે ઉપાસના પદ્ધતીને જુદા જુદા નામો આપી શકાય. સમ્પ્રદાય એટલે
–   પ્રથા, રીતરીવાજ, TRADITIONAL DOCTRINE OR KNOWLEDGE
–  સીદ્ધાંત A PERTICULAR SYSTEM OF RELIGIOUS TEACHING -METHOD OF WORSHIP
એકવાર ધર્મ અને સમ્પ્રદાય વચ્ચેનો ભેદ સમજાય જાય તો ઘણી ગેરસમજણો અને કડવાશ દુર થઈ જાય. ગીતાનો એક શ્લોક આ સન્દર્ભમાં ખાસ સમજવા જેવો છે.
स्वधर्मे नीधनं श्रेय: परधर्मो भयावह: (गीता र. ३५)
આ શ્લોકમાં ધર્મ શબ્દને રુઢ અર્થમાં લઈએ તો અર્થ થાય ‘પોતાના ધર્મમાં રહી મરી જવું બહેતર છે; પરન્તુ બીજાના ધર્મમાં જવું ભયાનક છે. આથી માણસો એમ માનવા પ્રેરાયા કે ‘જો આપણે હીન્દુ હોઈએ તો હીન્દુ તરીકે મરી જવું એ બીજા ધર્મમાં જવા કરતાં વધારે સારું છે. સહેજ વીચાર કરતા જણાશે કે જ્યારે આ વાક્ય લખાયું એટલે કે ગીતા કહેવાઈ એ વખતે ધર્મ શબ્દનો આજનો રુઢ અર્થ હતો જ નહીં. ત્યારે અર્જુનને પોતાનો ‘મઝહબ’ છોડીને બીજા કોઈ ‘મઝહબ’માં જવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં ! તેથી ઉપર મુજબનું અર્થઘટન અતાર્કીક છે. અહીં ધર્મનો અર્થ ‘કર્તવ્ય, નીષ્ઠા, ન્યાય સમભાવ, નીતી’ વગેરેનું મીશ્રણ થઈને થતો અર્થ જ થાય છે.
આજ વાત બીજી રીતે સમજીએ. એમ કહેવાયું કે यत्र धर्मो ततो जय: જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અહીં ધર્મ એટલે RELIGION એવો અર્થ કરીએ તો કૌરવો અને પાંડવોના કે રામ ને રાવણના સમ્પ્રદાયો ક્યાં જુદા હતા ? રુઢ અર્થમાં ધર્મો ક્યાં જુદા હતા ? કે જેથી કહી શકાય કે જેનો સમ્પ્રદાય સાચો તેના તરફ જય થાય ? આ વાક્યનો સાચો અર્થ છે કે જ્યાં ન્યાય હોય, નીતી  હોય ત્યાં જ જય હોય.
ધર્મનીષ્ઠા અને સમ્પ્રદાયનીષ્ઠામાં જમીન આસમાનનો તફાવત છે. જેટલો ફેર તત્ત્વનીષ્ઠા અને વ્યક્તીનીષ્ઠામાં છે તેટલો જ ફેર આ બન્નેમાં છે. ધર્મનીષ્ઠ હોવું એટલે તત્ત્વનીષ્ઠ, ન્યાયનીષ્ઠ અને સત્યનીષ્ઠ હોવું. સમ્પ્રદાયનીષ્ઠા એ માત્ર ઉપાસના પદ્ધતી તરફની નીષ્ઠાની દ્યોતક છે. આપણી નીષ્ઠા ધર્મ (તેના સાચા વ્યાપક અર્થમાં) તરફ હોવાની જગ્યાએ સમ્પ્રદાય તરફ હોવી એ તત્ત્વનીષ્ઠ હોવાની જગ્યાએ વ્યક્તીનીષ્ઠ હોવા સમાન છે. તેથી જ સમ્પ્રદાયનીષ્ઠાનું સ્થાન ધર્મનીષ્ઠાના સ્થાન કરતા ની:શંક ઉતરતું જ લેખાય.
આપણે વધુને વધુ સમ્પ્રદાયનીષ્ઠ થતા જઈએ છીએ; પરન્તુ આપણી ધર્મનીષ્ઠામાં ગીરાવટ આવતી જાય છે. સમ્પદાય આપણને કહે છે ત્રણવાર સંધ્યા કરો કે પાંચ વાર નમાજ પઢો કે રવીવારે દેવળમાં જાઓ. આનું આપણે ચુસ્તપણે પાલન કરીએ છીએ; પરન્તુ ધર્મ આધારીત જીવન મુલ્યોનું જતન કરવામાં આપણે શીથીલતા બતાવીએ છીએ. બાહ્ય દેખાવો જેવાં કે ટીલાં– ટપકાં કરવાં, ચોટલી કે દાઢી રાખવી, અમુક પ્રકારનાં કપડાં પહેરવા વગેરેને આપણે ધાર્મીકતા કહીએ છીએ. આ ધાર્મીકતા શબ્દનું વીડમ્બન છે. આવા બાહ્ય દેખાવો તમે કયા સમ્પ્રદાયના છો તેના દ્યોતક છે. તેથી તેને સામ્પ્રદાયીકતા કહી શકાય. પરન્તુ નીતી, ચારીત્ર્ય, બલીદાન, વીવેક, ન્યાયભાવના, સમતા, પવીત્રતા, ઔચીત્ય અને ત્યાગ વીનાનું આ બધાં ધાર્મીક ચીહ્નો  ધાર્મીકતા નથી જ.
સમ્પ્રદાયો અને તેમની ઉપાસના પદ્ધતીઓમાં સ્થળ–કાળ પ્રમાણે ફરક થતા રહ્યા છે અને તે સ્વાભાવીક છે. પરન્તુ ધર્મ શબ્દને ખરેખર સમજીએ તો તે સ્થળ–કાળનાં બન્ધનોને ઉલ્લંધી જાય છે. તે કાલાતીત છે, સ્થળાતીત છે.
ભારતમાં રહેનારો દરેક માણસ પોતાને મન ફાવે તે સમ્પ્રદાયને અનુસરી શકે છે. તેની ઉપાસના પદ્ધતી એ તેનો નીજી મામલો છે. તેને પોતાની ઉપાસના પદ્ધતી પસંદ કરવાનો સમ્પુર્ણ અધીકાર છે. કોઈએ પણ તેમાં દખલ કરવી ન જોઈએ ન વ્યક્તીગત રીતે કે ન તો સામુહીક રીતે. અરે, રાજ્યે પણ નહીં. અહીં એક વાત બરાબર સમજી લઈએ, આ દેશના નાગરીકની ઉપાસના પદ્ધતી ગમે તે હોય, મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન, બૌદ્ધ, શૈવ કે વૈષ્ણવ પણ દરેકનો ધર્મ એક જ છે અને તે છે : ‘આ દેશના તમામ નાગરીકોનું ભલું થાય, તેમની પ્રગતી થાય, તેમની ઉન્નતી થાય અને તેઓ સુખચેનથી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું અને જાગ્રત રહેવું.’
જો આપણે સમ્પ્રદાય કે મઝહબને ધર્મ કહેવાની ભુલ નહીં કરીએ તો ઘણાં સંધર્ષો, ગેરસમજણો, તોફાનો વેરઝેર અને અશાન્તીને ટાળી શકાશે; કારણ કે બધાનો ધર્મ એક જ છે પછી ઉપાસના પદ્ધતીઓ ગમે તે હોય તો પણ શો ફરક પડે છે ! આ વાત જેટલી વહેલી સૌને સમજાશે તેટલું દેશનું ભલું વહેલું થશે.


લેખક : ડૉ. અનીલ કાણે
ગુજરાત સમાચાર દૈનીકમાં પ્રકાશીત થયેલી લેખકની કટાર ‘નીનાદ’માંથી, લેખકશ્રી અને ‘ગુજરાત સમાચાર’ના સૌજન્યથી સાભાર..


 અક્ષરાંકન:  ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

No comments:

Post a Comment