કોઇ પણ બાળક જન્મે એટલે પહેલો પશ્ન એ થાય કે બાબો કે બેબી ? જો બાળક બાબો હોય તો નવા માબાપનું મોઢું લાપસી ખાય અને જો બેબી હોય તો મોઢું પડી જાય. હાલના જમાનામાં તો દિકરી દિકરા કરતા સવાઇ નિવડે છે પણ ગળથુથીમાં મળેલા સંસ્કારોને લીધે તથા પુરુષ પ્રધાન સમાજને લીધે ઘણા બધાં માબાપ તથા તેમના કુટુંબીઓ દિકરો એટલે મોટી જીત અને દિકરી એટલે મોટી હાર એવું માનવા લાગે છે. પરંતુ તટસ્થતાથી વિચાર કરીયે તો હિરેનભાઇ શાહે મોકલાવેલ કવિતા સાથે સહમત થયા વગર રહેવાસે નહી.
દીકરો અને દીકરી
દીકરો વારસ છે તો દીકરી પારસ છે!
દીકરો વંશ છે તો દીકરી અંશ છે!
દીકરો આન છે તો દીકરી શાન છે!
દીકરો તન છે તો દીકરી મન છે!
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!
દીકરો આગ છે તો દીકરી બાગ છે!
દીકરો દવા છે તો દીકરી દૂવાં છે!
દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!
દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!
દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને તરસે છે!
દીકરો એક પરિવારને તારે છે તો દીકરી દસ પરિવારને તારે છે!!