Pages

Wednesday, January 5, 2011

વાર્ષિકોત્સવ -સુરજ વોટર પાર્ક -૦૨-૦૧-૨૦૧૧

ગઇ કાલે આપણે સુવેનિયરમાં થયેલી ભૂલોની વાત કરી પણ ભૂલોની ચર્ચા કરવાથી વાત પુરી થતી નથી. કોઇ પણ સંસ્થા આવી ભૂલો જાણી જોઇને કરે નહી. તેના કારણોની થોડી તપાસ કરીયે તો આપણો વાર્ષિકોત્સવ ઘણા બધા કાર્યોનું સંકલન માંગી લ્યે છે. સુવેનિયર જ જો તપાસીયે તો તેમા આપણને ખબર પડશે કે પ્રસંગના મહેમાનોના જુદા જુદા લખાણોનું સંકલન, યુવક મંડળ, સમાજ અને મહિલા મંડળની કારોબારીનું સંકલન, દાતાઓના નામોનું સંકલન, યુવક મંડળ અને સમાજ તરફથી અપાતા પારિતોષિક વિજેતાઓના નામોનું સંકલન તથા તેમને મળતા ઇનામો કે પ્રમાણ પત્રોની ગોઠવણી. આવા બહુવિધ કાર્યોમાં ભૂલ ન થાય તો જ નવાઇ.

૧૫૦૦ થી વધુ જ્ઞાતિજનોને મુંબઇથી દૂર લાવવા- લઇ જવાનું કાર્ય જ બહુ વિકટ છે  મુંબઇમાં વસતા જ્ઞાતિજનોને તે કહેવાની ભાગ્યેજ જરૂર છે. વાર્ષિકોત્સવ માટે ટિકિટો છાપવી, તેની વહેંચણી કરવી, તેને માટે સેંટરો ખોલવા, જ્ઞાતિજનોના Contributions  ભેગા કરવા, તેના હિસાબ રાખવા,ટિકિટના વેચાણ મુજબ  બસો તથા તેના ઉપડવાના સ્થળો નક્કી કરવા, દરેક જ્ઞાતિજનોને એક દિવસ અગાઉ ફોન કરી યાદી આપવી વિગેરે કામો સમય અને શક્તિ બન્ને માંગી લ્યે છે. કોઇ કોઇ જગ્યાએ તો પાંચ કે તેથી વધુ બસો પણ ઉપડી તે સર્વેનું સંકલન કરવું પણ અતિશય કઠીન છે. આમ છતાં વર્ષાનુવર્ષ આપણે તે કરતા આવ્યા છીએ. ક્યારે કોઇ રહી ગયુ કે કોઇ ભૂલાઇ ગયુ તેવું બન્યું નથી.આ સંચાલનને આપણે ટીફીનવાળાના સંચાલન સાથે સરખાવી શકીયે.

દરેક જ્ઞાતિજનને તેમની ટિકિટ સામે સુરજ વોટર પાર્કમાં પ્રવેશ આપવામાં આવેલ હતો. ત્યાં પહોંચ્યા બાદ સવારના ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.વિશાળ જગ્યા, ઓડિટોરિયમ તથા આરામગૃહ સહિતના સુરજ ગઢમાં ચોખ્ખાઇ ઉડીને આંખે ચડતા હતા. સુરજગઢમાં જ સુવેનિયર વિતરણ તથા વિજેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું.

નાસ્તા બાદ જ્ઞાતિજનો પોતપોતાની રીતે જુદી જુદી જગ્યાએ પોતપોતાના રસ મુજબ વિખરાઇ ગયા હતા.જેઓને Rides માં જવું હતું તેઓ વોટર પાર્કમાં દાખલ થયા હતા. જેઓને હળવું મળવુ હતુ તેઓ પોતાના સગા-સંબંધી અને મિત્રોને મળી રહ્યા હતા.જેઓને મનોરંજનનો લહાવો  લેવો હતો તેઓ ઓડિટોરિયમમાં ગીત-સંગીત માણવા ગોઠવાઇ ગયા હતા.

બપોરના  ૧૨:૩૦ ની આસપાસ જમવાનું શરૂ કરવામાં આવેલ હતું. ત્યાર બાદ ૨:૩૦ કલાકે પારિતોષિક વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો. મુખ્ય મહેમાનોના સ્વાગત અને પ્રવચન બાદ કેળવણી પારિતોષિક વિતરણ શરૂ કરવામાં આવેલ હતું. સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રમાણ પત્ર તથા ઇનામી રકમ આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમ દરમ્યાન જ સંસ્થાના પ્રમુખ અને વાર્ષિકોત્સવ સમિતિના અધ્યક્ષનું બહુમાન કરવામાં આવેલ હતું. વળતા પ્રમુખે કારોબારી સમિતિના સભ્યોનું બહુમાન અભિવાદન પત્ર અને ભેટથી કરેલ હતું. આભાર વિધિ સાથે પ્રસંગ પુરો થતા પહેલા મુખ્ય મહેમાનોએ આપેલ દાન રાશિની જાહેરાત કરવામાં આવી હતી.

સાંજના ૬:૩૦ કલાકે પાંઉ-ભાજીને ન્યાય આપી જ્ઞાતિજનો પોતપોતાના સાધન દ્વારા ઘરે પાછા ફર્યા હતા.


જ્ઞાતિજનોનો છેલ્લા ૩ વર્ષથી રિસોર્ટ માટે જે આવકાર મળે છે તે જ દેખાડે છે કે જ્ઞાતિજનોને તે કેટલું પ્રિય છે.

એક  વિચાર કરવા જેવી વાત એ છે કે ૧૫૦૦ વ્યક્તિઓમાંથી Water Rides માં કેટલા ગયા અને કેટલા ન ગયા ? જે લોકો Water Rides માં ઉંમર કે નાપસંદગીને કારણે જતા જ નથી તેઓના પૈસા આપણે વેડફી નથી રહ્યા ?

સારા અનુભવ Repeat  કરવા અને ટિકાપાત્ર આયોજનનું પુનરાવર્તન ન થાય તે જોવું તેમાં જ ડહાપણ છે.