લક્ષ્મીને પગ નથી પણ ચંચળ કહી છે. વાસ્તવમાં લક્ષ્મી ચંચળ નથી. લક્ષ્મીવાન માનવીની મનોવૃત્તિ ચંચળ બને છે. વિત્ત શક્તિ છે તેનાથી દેવ પણ બની શકાય અને દાનવ પણ બની શકાય. લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન ગણનારા ગર્તામાં ગબડે છે. વાસ્તવમાં ધન માટેની તરસ એટલે ધનતેરસ નહીં પણ લક્ષ્મીનો માતા સ્વરૃપે સ્વીકાર અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની ભાવના સાથે પૂજન થાય તો લક્ષ્મી ઘરમાં કાયમી વસવાટ કરે છે. વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી, સ્વાર્થમાં વપરાય તે વિત્ત, પરાર્થે વપરાય તે લક્ષ્મી અને પ્રભુકાર્યમાં વપરાય તે મહાલક્ષ્મી. ધનતેરસમાં એટલે જ મહાલક્ષ્મીનું પૂજન થાય છે. ધન પૂજા તે અભરે ભરાઈ તેટલા નાણાંની આંકાક્ષા પરિપૂર્ણ થાય તે માટેની પૂજા નથી.
ધનતેરસ આપતૃપ્તિ માટે નથી પણ લોકકલ્યાણની પ્રભુ ઈચ્છા પૂર્ણ થાય અને પ્રભુ ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાનું જીવન પણ સુખરૃપ વ્યતિત થાય તે માટે કદી ધનનો અભાવ ન સહેવો પડે તે માટે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે. સમાજ જીવનનો સંદેશ એ છે કે ધનને પૂજા કરીને સતત યાદ રાખો કે ધન પૂજ્ય છે. અવળે રસ્તે વપરાતું ધન પતન નોતરી શકે છે. ધન વગર જીવવું શક્ય નથી તે જીવનનો બીજો બોધ દીપ પર્વમાં સ્વીકારાયો છે. પણ પૂજન સાથેનો સંદેશો એમ કહે છે કે જીવન સારી રીતે જીવી શકાય પ્રભુ કાર્ય માટે ખૂટે નહીં તે જરૃરી છે. . સંપત્તિ કમાવ નીતિથી, વાપરો. રીતથી, આપો પ્રીતથી આ સામાજીક સંદેશ ધનતેરસ પર્વમાં છૂપાયેલો છે. આવો સંદેશો ઝીલનાર પરિવારમાં લક્ષ્મીનો કાયમી વસવાટ હોય છે. રઘુવંશ તેનું જ્વલંત ઉદાહરણ છે.
સોનાની ખરીદીનું મહાત્મ્ય
શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ છે. શ્રી સુક્તમના પાઠમાં લક્ષ્મીને સુવર્ણમયી કહેવામાં આવી છે. ધનતેરસ સોનાની ખરીદી માટે વણલેખાયેલું મુહૂર્ત છે. એટલા માટે સોની બજારમાં આ દિવસે વિશેષ ભીડ જોવા મળે છે. દિવાળી બાદ દેવદિવાળી અને એ દિવસે વિષ્ણુ-વૃંદાના લગ્નબાદ લગ્નસરા રહેતી હોવાથી એના અનુસંધાને પણ ધનતેરસના દિવસે દીકરીને કન્યાદાનમાં દેવા સુવર્ણના આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. સોનામાં લક્ષ્મીજીનો વાસ હોવાથી તેને વેચી શકાતું નથી. પ્રાચીનકાળમાં રાજવી સિવાય કોઈ લોકો સોનાના આભુષણો ધારણ કરતા નહીં. માત્ર પૂજાપાઠ કે અન્ય ધાર્મિકપ્રસંગો માટે સોનાનો ઉપયોગ થતો હતો. ધનતેરસના દિવસે લક્ષ્મીની કામના કરવાનું મહાત્મ્ય છે. અહીં એ વાત પણ ન ભૂલવી જોઈએ કે અનીતિ-દુરાચારના માર્ગે મળેલી સંપતિ આભાસી છે. એ લક્ષ્મી નથી. નીતિથી મળેલી લક્ષ્મીનું હાથીને અંબાડીએ બેસાડી સ્વાગત કરવું જોઈએ.
સાભાર : સંદેશ