Pages

Wednesday, December 28, 2011

જ્ઞાતિના કાર્યક્રમોમાં સામાન્ય શિસ્ત પણ જળવાતી નથી


સંખ્યાબંધ જ્ઞાતિ સંગઠનો ડિસેમ્બર મહિના દરમિયાન પોતાના વિવિધ કાર્યક્રમ યોજે છે. તેમાં યુવક મંડળો હોય છે. જ્ઞાતિ સંગઠનો હોય છે તેઓ સરસ્વતી સન્માન-પરિચય મેળાવડો-રમતગમતની સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજે છે. મુંબઇમાં દરેકને સમયની અછત હોય છે વળી જ્ઞાતિનો કાર્યક્રમ હોય એટલે દરેક પ્રકારના-નજીકના અને દૂરના સગાસંબંધી મળે છે. અનેક લોકો પોતાના નિકટના કુટુંબીઓને મળે છે. આવે વખતે વાતચીત થતી હોય છે. મંચ પરથી જ્ઞાતિના હોદ્દેદારો જોરજોરથી પોતાની વાત કરતા હોય છે. ખાસ કરીને મહિલા વર્ગ તો એટલા જોરજોરથી બોલતા અને વાતો કરતા હોય છે કે ઘણી વખત બાજુમાં બેઠેલી વ્યક્તિ તેના હાવભાવ દ્વારા નારાજગી વ્યક્ત કરતી હોય છે, પરંતુ સમજે છે કોણ? ખાસ કરીને મહિલાઓને આ સંદેશો પહોંચવો જોઇએ કે ફંકશનમાં વાત કરવી હોય તો બહાર જઇને કરો. આપણો ભારતીય સમાજ કોઇ જ શિસ્ત કે અનુશાસનમાં માનતો નથી તેનું પ્રમાણ આવા કાર્યક્રમો મારફતે મળે છે. આ બાબત ઘણી કડવી છે છતાં અપ્રિય બનીને કહેવી પડે છે. જ્ઞાતિનું ફંકશન કંઇક સારી બાબત માટે હોય છે. એક તરફ બાળકો દોડાદોડી કરતા હોય છે. બીજી તરફ જોરજોરથી વાતો થતી હોય છે. લાઉડસ્પીકર ચાલુ હોય છે તેનો ઘોંઘાટ હોય છે. વક્તવ્ય પૂરું થાય તો તાળીઓ વાગતી હોય છે, પરંતુ ક્યાંય ટાંચણી પડે તો અવાજ આવે તેવું વાતાવરણ જોવા મળતું નથી. ઉપાય તરીકે દરવાજે બે કાર્યકરોએ બોર્ડ લઇને ઊભા રહેવું કે ‘મહેરબાની કરીને અંદર વાતો કરવી નહીં.’
સૌજન્ય : મુંબઈ સમાચાર