નીચેનો લેખ જે ૧૮૮૨માં લખાયો છે તે વાંચતા લાગશે કે વાંકાનેર ઝાલાવાડમાં હતું
‘તારીખે સોરઠ’ પુસ્તકનું પૂરું અંગ્રેજી નામઃ ‘તારીખે સોરઠઃ અ હિસ્ટરી ઑવ ધ પ્રોવિન્સિસ ઑર સોરઠ એન્ડ હાલાર ઇન કાઠિયાવાડ’. લેખક જુનાગઢના નવાબના દીવાન રણછોડજી અમરજી. ફારસીમાંથી થયેલો અંગ્રેજી અનુવાદ ઇ.સ. ૧૮૮૨માં મુંબઈમાં છપાયો હતો. દીવાન સાહેબે વર્ણવેલી હકીકતો તેમણે જાતે જોઇ હતી અથવા તો એ તેમના પિતાશ્રીના સમયમાં ઉદ્ભવી હતી. સોરઠ અને હાલાર વિશે અગત્યની માહિતી આપતો આ ગ્રંથ છે. તેમાં આપેલી એક માહિતી મુજબ કાઠિયાવાડ નીચે મુજબના દસ નાનાં મોટાં પ્રાંતોમાં વહેંચાયેલું હતું.
(૧) આશરે પચ્ચાસ રાજ્યોનો ઉત્તરનો ઝાલાવાડ, જેના મોટા શહેરોમાં ધ્રાંગધ્રા, લીમડી, વઢવાણ, વાંકાનેર, સાયલા, ચુડા અને થાન-લખતરનો સમાવેશ થતો હતો. શરૂઆતમાં તેઓ વિરમગામ, મંડલ અને હાલે અમદાવાદના ભાગરૂપે થયેલા ધંધુકા જિલ્લાના કેટલાક ભાગનો સમાવેશ થતો હતો. (૨) ઝાલાવાડની પશ્ચિમે મોરબી અને માળિયા સહિતનો મચ્છુકાંઠા. (૩) કચ્છના હાલા શાખાના જાડેજાઓ પરથી જે ઓળખાય છે તે વાયવ્ય તરફનો છવ્વીસ રાજ્યોનો હાલાર, જેમાં જામનગર અથવા નવાનગર સૌથી મોટો. રાજકોટ, ગોંડલ, ધોરાજી, ધારોળ વ. પ્રમાણમાં નાનાં. (૪) પશ્ચિમ કાંઠાનું વડોદરામાં આવેલું ઓખામંડળ. (૫) નૈઋત્ય કાંઠાનું બારડ અથવા જેતવડ જે પોરબંદર તરીકે પણ ઓળખાતું. (૬) દક્ષિણમાં જૂનાગઢ રાજ્યના તાબાનું સોરઠ અને બાંટવા ને અમરાપુરની બે નાની જાગીરો. માંગરોળથી દિવ સુધીનો કાંઠો નાઘેર તરીકે પણ ઓળખાતો. (૭) અગ્નિ કે દક્ષિણ-પૂર્વના ડુંગર પ્રદેશનો બાબરીયા કોળીઓ પરથી ઓળખાતો બાબરીવાડ, જેનાં ઘણાં ગામડાઓ વડોદરાના ગાયકવાડના તાબામાં હતાં. (૮) જેતપુર-ચિતલ, અમરેલી, જસદણ, ચોટિલા, આનંદપુર અને પચ્ચાસ બીજી જાગીરો ધરાવતો મધ્યનો કાઠિયાવાડ સૌથી મોટો જિલ્લો. (૯) શત્રુંજી નદી પર નાની જાગીરોમાં વહેંચાયેલું ઉંદ-સરવેયા. અને (૧૦) ખંભાતના અખાતના કાંઠાનો ગોહિલ રાજપૂતો પરથી જેનું નામ પડ્યું છે તે ગોહિલવાડ, અમદાવાદ ક્લૅક્ટોરેટના હેઠળનો ગોધરા જિલ્લા, પ્રથમ વર્ગનું રાજ્ય ભાવનગર, પાલિતાણા, વાળા, લાઠી વ.નો સમાવેશ થાય છે.
સંદર્ભ : મુંબઈ સમાચાર -ડીપ ફોકસ - અમૃત ગંગર