અસ્તીત્વમાં આવ્યા પછી માનવજાત હજારો વર્ષ સુધી પ્રકૃતીપુજક રહી. પ્રકૃતીનાં તત્ત્વો જેવાં કે પૃથ્વી, સુર્ય, ચન્દ્ર, અગ્ની, વાયુ, વરસાદ, વીજળી વગેરે તત્ત્વોથી તે ગભરાતો હતો. આ તત્ત્વોને તે સમજી શકતો ન હતો. એને લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી, સ્તુતી કરવાથી, ખુશામતથી, ગુણકીર્તનથી પ્રસન્ન થશે અને તેથી તે બધાના પ્રકોપનો ભોગ નહીં બનવું પડે. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું પ્રથમ પગથીયું.
દરમ્યાન કેટલાક લોકોને અનુભવે લાગ્યું કે આ તત્ત્વોને પુજવાથી કે ગુણકીર્તન કરવાથી પણ આ તત્ત્વોની વર્તણુકમાં કશો જ ફેર પડતો નથી. આ તમામ તત્ત્વો અપ્રતીભાવી તથા માનવ સુખદુ:ખ પ્રત્યે ઉદાસીન છે. આથી તેમણે અનેકવીધ દેવીદેવતાઓની કલ્પના કરી.
માનવકલ્પના મુજબના દેવીદેવતાઓ સક્રીય હતાં, પ્રતીભાવી હતાં, પ્રશંસાથી ખુશ થનારાં અને ઉપેક્ષાથી કુપીત થનારાં હતાં. રાજી થાય તો વરદાન આપે અને નારાજ થાય તો શાપ આપે. ઉપરાન્ત વારતહેવારે માનવજીવનમાં રસ લેનારાં અને ડખલ કરનારાં તથા દેહધારી-રુપધારી હતાં. તેઓ જાતજાતના ભોગ જેવા કે અન્નકુટ, નૈવેદ્ય, પશુબલી, ક્યાંક માનવબલી વગેરે મેળવીને ખુશ થનારાં હતાં. જો એમનો કોપ ઉતરે તો મનુષ્યનું ધનોતપનોત નીકળી જાય એમ મનાવા લાગ્યું. વધુ ઉત્સાહી માણસો માનવા લાગ્યા કે સુર્યમન્ડળમાં ઘુમતા નીર્જીવ ગ્રહો પણ માનવજીવનમાં ડખલ કરે છે અને એ નીર્જીવ પદાર્થોને પણ વીવીધ ક્રીયાકાન્ડ વડે તથા એને ગમતા રંગોવાળી વીંટીઓ પહેરવાથી પણ રાજી કરી શકાય છે. દેવીદેવતાઓ ઉપરાન્ત આ ગ્રહોને પણ પ્રસન્ન રાખવા એ જરુરી ગણાવા લાગ્યું. કરોડો અને અબજો માઈલ દુરના ગ્રહોને રાજી કરવા માટેનું એક આખું શાસ્ત્ર ઘડી કાઢવામાં આવ્યું. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું બીજું પગથીયું.
દરમ્યાન કેટલાક વીચારશીલ લોકોને લાગ્યું કે આ વ્યાયામ પણ નીરર્થક છે. કારણ કે દેવીદેવતાઓ માત્ર કથાવાર્તામાં જ સક્રીય અને પ્રતીભાવી રહ્યાં છે. પરન્તુ વાસ્તવીક જીવનમાં અને વ્યવહારમાં તેઓ બધાં પણ તદ્દન નીષ્ક્રીય અને માનવ પ્રત્યે લેશમાત્ર રસ ધરાવતાં નથી. ગમે તેટલી ખુશામત કરવામાં આવે, જાતજાતના ભોગ ધરાવવામાં આવે; પરન્તુ તેઓ વ્યવહારમાં કશું જ કરતા નથી. જગત તો જેમ ચાલતું હતું તેમ જ ચાલે છે. આથી તેમણે બધાથી વીશેષ શક્તીશાળી એવા ઈશ્વર એટલે કે ભગવાન, પ્રભુ, અલ્લાહ, ગૉડની કલ્પના કરી.
આ ઈશ્વર સર્વશક્તીમાન, સૌનો માલીક, સર્જનહાર, પાલનહાર, તારણહાર, દુ:ખીઓનો બેલી, અનાથનો નાથ, ભક્તવત્સલ, પરવરદીગાર અને કૃપાસીન્ધુ હતો. આ કલ્પના લગભગ બધા જ માનવને ખુબ ગમી. કદાચ એથી આગળની કલ્પના કરવાનું તેમના માટે શક્ય ન હતું. આ ઈશ્વરને શું ગમે અને શું ન ગમે એના જાતજાતના નીયમો ઘડાયા. આ નીયમોમાં એકવાક્યતા ન હતી. સૌ પોતપોતાની બુદ્ધી અને સમજણના આધારે સીદ્ધાન્તો અને નીયમો બનાવતા ગયા. શું અને કેવું વીચારવાથી, વાણીથી, રટણથી અને વર્તનથી આ ભગવાન રાજી થાય અને પરીણામે મનુષ્યને સુખ મળે એનાં પણ વીવીધશાસ્ત્રોની રચના થઈ. લોકોને લાગ્યું કે બસ, હવે મન્જીલ મળી ગઈ. દેવીદેવતાઓના ચમત્કારોથી અનેક ગણા ચડીયાતા ચમત્કારો ભગવાન દ્વારા થયા એવી સંખ્યાબન્ધ કથાઓ અને ઉપકથાઓ ઘડી કાઢવામાં આવી. લોકોને શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ત્રીજું પગથીયું. આ વ્યવસ્થા ખુબ લાંબો સમય ચાલી.
દરમ્યાન કેટલાક પ્રજ્ઞાવાન મનુષ્યોને લાગ્યું કે જગત તો જેમ ચાલે છે તેમ જ ચાલે છે ! દેવીદેવતાઓને કારણે જગતવ્યવહારમાં કશો જ ફરક નથી પડતો તેમ જ ઈશ્વરને કારણે પણ જગત સંચાલનમાં કશો જ ફેર નથી પડતો; ખુબ સ્તુતી કર્યા પછી અને પ્રાર્થનાઓ કર્યા પછી પણ ઈશ્વરના અસ્તીત્વનું અને તેની કૃપાનું પ્રમાણ મળતું નથી ! કૃત્રીમ કથા– વાર્તાઓ દ્વારા મનુષ્યની શ્રદ્ધાને કેટલો વખત ટકાવી રાખી શકાય ?
ખુબ આત્મનીરીક્ષણ પછી, જગતપરીક્ષણ પછી અને ખુબ મથામણ પછી આ વીશીષ્ટ પ્રજ્ઞાવાન મહાપુરુષોએ જાહેર કર્યું કે, ‘ઈશ્વર જેવું કોઈ તત્ત્વ જ નથી. આ જગત સ્વયમ્ સંચાલીત છે અને પોતાના જ નીયમો મુજબ ચાલે છે.’ તેમણે જાહેર કર્યું કે માત્ર આપણી પૃથ્વી જ નહીં; પરન્તુ સમગ્ર બ્રહ્માંડ સ્વયમ્ સંચાલીત છે. ઈશ્વર હોય તો પણ અને ન હોય તો પણ; જગતના સંચાલનમાં -કુદરતના કાનુનમાં- રજમાત્ર તફાવત પડતો નથી. Law of Nature is unchangeable and unchallengeable. આ હતું માનવની માનસીક ઉત્ક્રાન્તીનું ચોથું પગથીયું.
આજે હજુ દુનીયાના કરોડો લોકો ઉત્ક્રાન્તીના પ્રથમ પગથીયે ઉભેલા છે. અન્ય કરોડો લોકો બીજા પગથીયે સ્થીર થયેલા છે અને એ સીવાયના કરોડો લોકો ઉત્ક્રાન્તીના ત્રીજા પગથીયે ઉભા છે. બહુ જ થોડા લોકો ચોથા પગથીયાને સમજી શક્યા છે. ચોથે પગથીયે પહોંચેલા લોકોને અન્ય લોકો નાસ્તીક ગણે છે. તેઓ રુઢ ભાષામાં ભલે નાસ્તીક કહેવાતા હોય; પરન્તુ તેઓ કુદરતના કાનુનમાં પુરેપુરી શ્રદ્ધા ધરાવતા હોય છે અને એ અર્થમાં તેઓ બીજા કરતાં વીશેષ આસ્તીક હોય છે.
હવે આવતા સમયમાં માનવ પોતાની માનસીક ઉત્ક્રાન્તીના પાંચમાં કયા પગથીયે પહોંચે છે એની આપણે રાહ જોઈએ.
-શાન્તીલાલ સંઘવી
- અક્ષરાંકન:ગોવીન્દ મારુ-પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર