Pages

Monday, February 22, 2010

યુવક મંડળના ૩૨મા વાર્ષિકોત્સવ (સુવર્ણ જયંતિ વર્ષ) નો આંખે દેખ્યો અહેવાલ

યુવક મંડળ સમાજના ૧૫૬૦ જ્ઞાતિજનોના કાફલાને ૨૫ બસ અને ૩૮ મોટરો મારફત લઇને
સવારના ૯ અને ૧૦ વચ્ચે ગ્રેટ એસ્કેપ રિસોર્ટ ખાતે પહોંચી ગયું હતુ. ઉમંગ, આનંદ અને ઉત્સાહના વાતાવરણ વચ્ચે જ્ઞાતિજનો એક બીજાનું અભિવાદન કરતા, મળતા હતા- ખબર અંતર પૂછતા હતા. રિસોર્ટ પર પહોંચતા જ જ્ઞાતિજનો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા રાખવામા આવી હતી. ચા-કોફી ઉપરાંત નાસ્તામાં ગાંઠિયા - જલેબી, ઉપમા અને ઇડલી રાખવામાં આવેલ હતા.

નાસ્તો પતાવ્યા બાદ જ્ઞાતિજનો પોત પોતાના મિત્ર મંડળમાં ગોઠવાવા લાગ્યા. જેઓને નહાવા ધોવાની ઇચ્છા હતી તેઓ Rides તરફ વળ્યા અને જેઓને નહાવું-ધોવું નહોતું તેઓ ઝાડને છાંયડે બેસી પોત પોતાની રીતે અવસર અને સ્થળની મઝા લેવા લાગ્યા.

આ બધું ગોઠવાયું ત્યાં બાઈટીંગ નો રાઉન્ડ શરૂ થયો. બાઈટીંગમાં ઉતપ્પા, નુડલ્સ, મંચુરિયન, ફ્રાઇડ રાઇસ, કેળા /બટેટા વડા, રસમવડા વિ. નો આસ્વાદ લેવા જ્ઞાતિજનો લાગી ગયા. બીજી તરફ આપણા માટે ખાસ ઊભો કરવામાં આવેલ મંડપમાં ગેમ શો શરૂ થયો.જુદી જુદી જાતની રમતો દ્વારા હાજર રહેલા સભ્યોના દિલ બહેલાવવા ઇનામોની વહેંચણી પણ કરવામાં આવી. તો વળી યુવકમંડળના કાર્યકરો પારિતોષિક વિતરણ સમારોહ તથા વેબ સાઇટ ઉદ્ ઘાટન માટે તડામાર તૈયારીમાં લાગી ગયા.

આ બધું પતે તે પહેલા તો જમવા માટેની જાહેરાત થઇ ગઇ. શ્રીખંડ-પુરી, ૩ શાક, ઢોકળા,દાળ, ભાત, પાપડ, છાશનો જમણવાર તો હતો પરંતુ ઘણા જૂજ લોકો જમણવારને સંપૂર્ણ ન્યાય આપી શક્યા કારણ કે એક પછી એક પિરસાતી વાનગીઓમાં ૩૦૦ ગ્રામથી વધૂ ક્યાં કોઇ ખાઇ શકવાનું હતુ. ૧૨:૩૦ કલાકે ગોલા અને ડોશીના વાળની આઈટમ પણ શરૂ થઇ . બપોરના ધોમ ધખતા તડકામાં ગોલા માટે લાંબી લાઇનો પણ લાગી પણ દરેકને ગોલા લાંબા સમય સુધી મળતા રહ્યા.

બપોરના ૨ વાગ્યા પછી પારિતોષિક વિતરણનો કાર્યક્રમ શરૂ થયો. દિપ પ્રાગટ્ય, સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવોના આવકાર અને અભિવાદન બાદ પ્રાસંગિક પ્રવચનો થયા. મંચસ્થ મહાનુભાવોએ તો દાનગંગા વહાવી યુવક મંડળને પૈસાથી તરબતર કરી દીધું. એક વસ્તુ એનાથી એ ફલિત થઇ કે હવે યુવક મંડળના સભ્યોએ પૈસા ભેગા કરવા કરતા તેને સરખી રીતે ગોઠવવા માટે , તેમાંથી સારી એવી ઉપજ કરી તે ઉપજનું શિસ્તબધ્ધ વિતરણ કરવા માટે કટિબધ્ધ થવું પડશે. તેના માટેની આવડત કેળવવી પડશે.

સુવર્ણજયંતિ વર્ષ નિમિત્તે જે દાન મળ્યુ તેની વિગત આ પ્રમાણે છે.

૧) શ્રી કાંતિભાઇ વજેશંકર વખારિઆ તરફથી : રૂ. ૧,૫૧,૦૦૦/- વેબ સાઇટના ૫ વર્ષના સ્પોન્સરર તરીકે
રૂ. ૧,૫૧,૦૦૦/- આ વાર્ષિકોત્સવના પ્રેરક દાતા તરીકે
રૂ. ૨,૦૦,૦૦૦/- સ્વ. વજેશંકર જગજીવન વખારિઆ પાઠ્યપુસ્તક ફંડમાં
રૂ. ૧,૭૧,૦૦૦/- ધાર્મિક સ્તોત્રમાં

૨) શ્રી વી. વી. શાહ તરફથી : રૂ. ૭૧,૦૦૦/- તેઓ સમારંભ પ્રમુખ થતા ખુશાલીના

૩) શ્રી ડો. અશોકભાઇ સંઘવી તરફથી : રૂ. ૩૧.૦૦૦/- તેઓ અતિથિ વિશેષ તરીકે પધારતા

૪) શ્રી રશ્મિકાંત જે. શાહ તરફથી : રૂ.૨૧,૦૦૦/- તેઓ સ્વાગત પ્રમુખ તરીકે પધારતા

૫) શ્રી ચંદ્રકાંત હીરાલાલ પટેલ તરફથી : રૂ. ૨૧,૦૦૦/- તેઓ સન્માન પ્રમુખ તરીકે પધારતા

૬) શ્રી કેતન નવલચંદ શાહ તરફથી : રૂ. ૨૧,૦૦૦/- તેઓને દિપ પ્રાગટ્યનો લાભ મળતા

૭) શ્રીમતિ ચંદનબેન કાંતિલાલ ટી. પારેખ તરફથી : રૂ. ૧,૭૧,૦૦૦/- વર્ધમાન તપની ૧૫થી વધૂ ઓળી કરનાર તપસ્વીઓના બહુમાન માટે

આ ઉપરાંત જામનગર વિશાશ્રીમાળી જૈન સમાજના પ્રમુખ શ્રી જગદિશભાઇ ઠક્કરના પ્રવચન દરમ્યાન ગંભીર બિમારી માટે ફંડ ભેગુ કરવા બાબત સૂચન કરાતા ૨૧ જ્ઞાતિજનો દરેકે રૂ.૫૦૦૦/-નું દાન જાહેર કરેલ. આમ રૂ. ૧,૦૫,૦૦૦ જમા થઇ ગયા.

આ સમારંભ દરમ્યાન જ જેઓનો આજ જન્મદિન હતો તેમને ભેટ આપવામાં આવી.

આ વખતની સ્મરણિકા જરા જુદી તરી આવે એવી બની છે કારણકે તેમાં ૨૦૦૮ અને ૨૦૦૯ માં ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ કે પ્રોફેશનલ ડિપ્લોમા થયેલ જ્ઞાતિજનોના સંતાનોના ફોટા છાપવામાં આવેલ છે. જે આડકતરી રીતે ઘણા બધા માટે સગપણ બેંકનું કામ કરશે. સુવર્ણ જયંતિ પ્રસંગે લક્કી ડ્રો માં ૧ ગ્રામ સોનાના સિક્કાઓ રાખવામાં આવેલ હતા. તેના ડ્રોની જાહેરાત પણ કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવી. ૩ જ્ઞાતિજનોને સોનાની ૧ ગ્રામની લગડી ઇનામમાં મળી.

અરે! તમોને ખાણીપીણીમાં શું થઇ રહ્યુ છે તે કહેતા તો ભૂલી જ ગયા. ત્યાં તો ચા અને બાફેલા મગ અને ચણા મળી રહ્યા છે.

આ બાજુ પારિતોષિક વિતરણનું કામ ચાલું થયું. તે પુરૂ થતા સાંજના પાંઉ ભાજી, પુલાવ અને રાઇતુ જ્ઞાતિજનોની રાહ જોઇ રહ્યા હતા.તેને ન્યાય આપી જ્ઞાતિજનો પોતપોતાની બસો તરફ ઘર તરફ પ્રયાણ કરવા વળ્યા. ગેટ ઉપર તેમને આઇસક્રીમ આપી રવાના કરવામાં આવ્યા.

ખાવાપીવાની ચીજો ઘણી હોવા છતાં બપોરનું જમવાનુ મધ્યમ કક્ષાનું રહ્યુ. જ્યારે બીજી બધી વખતે ઠીક કહી શકાય તેવુ રહ્યુ.

આ થઇ પ્રસંગની ઉજળી બાજુની વાત. આવડા મોટા પ્રસંગમાં ગરબડ, ગોટાળા કે ઝગડા ન થાય તો જ નવાઇ. તેની વાત આવતી કાલે કરીશું. આજ આટલું બસ.

No comments:

Post a Comment