Pages

Thursday, October 27, 2011

ઘરના ટોડલે દીવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના…


ઘરના ટોડલે દીવાળીના દીવા
અને
અંતરના ટોડલે સમજણના…
સમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઈ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નીભાવવાની ટેવ છે. બેસતા વર્ષનો દીવસ એ મારો અત્યંત પ્રીય તહેવાર છે. આ એક એવો દીવસ છે જ્યારે માણસ ખરેખર ‘માણસ’ જેવો જ લાગે છે ! ઘણીવાર એક વીચાર મારા મનમાં આપણાં ઉજળા ભાવીની આશા જન્માવે છે. બેસતા વર્ષનો એક દીવસ આપણે બધા પુરા પ્રેમ, આદર અને સદ્ ભાવથી જીવી શકતા હોઈએ તો એ સાબીત કરે છે કે આપણે આખું વર્ષ પણ એ પ્રમાણે જીવી શકીએ એમ છીએ. શું નવા વર્ષના પ્રથમ દીવસે પ્રગટ થતો પ્રેમ, સ્નેહ અને ભાઈચારો આપણે આખું વર્ષ ન ટકાવી શકીએ ? શું હીન્દુ અને મુસલમાનને ‘સાલમુબારક’ અને ‘ઈદમુબારક’ની જેમ ગળે મળવા માટે આખું વર્ષ પ્રેરણા ન આપી શકે ? પ્રયોગ કરવા જેવો છે.
વાતવાતમાં તોફાનો, ઝઘડા, ખુન, છેતરપીંડી અને માણસની અપરમ્પાર નીચતાથી સમાજ પક્ષાઘાતનો સામનો કરી રહ્યો છે. માત્ર સત્તાવીસ રુપીયા ટોલટૅક્સ નહીં ભરવા માટે થઈને હમણાં જ ટોલનાકાના એક કર્મચારીને ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો ! સમાચાર જોયા ત્યારે આખો દીવસ મગજમાં ઘમસાણ ચાલ્યું : શું માણસની જીન્દગીનું આટલું જ મુલ્ય ? માનવજાતીની સૌથી મોટી સમસ્યા જ એ છે કે, તે પથ્થર સાથે ભગવાન જેવો વહેવાર કરે છે અને માણસ સાથે પથ્થર જેવો ! વરસ તો સમયની સાથે આપોઆપ બદલાય જાય છે; પરન્તુ માણસની નીચતા, દુર્દશા અને મુર્ખાઈને વરસની માફક આપોઆપ હટી જવાની આદત નથી! વરસના દીવસો તો નીર્ધારીત હોય છે; પરન્તુ માણસની મુર્ખાઈના દીવસો નીર્ધારીત નથી હોતા ! કેટલીક વાર તો એવું લાગે છે કે, માણસ સ્વભાવે જ પેટ ચોળીને પીડા ઉભી કરનારું પ્રાણી છે ! સુખ માટે માત્ર થોડી સમજદારી જ જરુરી છે, જ્યારે દુ:ખ માટે તો હજાર કારણો છે.
કોઈને ભુખ લાગે છે એની પીડા છે, તો કોઈને પચતું નથી એની પીડા છે ! કોઈને સન્તાન નથી એનું દુ:ખ છે, તો કોઈને સન્તાન વંઠેલ થયાં છે એનું દુ:ખ છે ! કોઈને લગ્ન થતું નથી એની પીડા છે, તો કોઈને છુટાછેડા થતા નથી એની પીડા છે ! કોઈને ઘરમાં ખાંડ નથી એની ચીન્તા છે, તો કોઈને ડાયાબીટીસ થયો છે એની ચીન્તા છે ! કોઈને બાપ નથી એનું દુ:ખ છે, તો કોઈને બાપ બગડેલો છે એનું દુ:ખ છે ! કોઈને મોત આવતું નથી એની પીડા છે, તો કોઈને મોત આંબી રહ્યું છે એની પીડા છે ! કોઈને શરીર પાતળું છે એની ચીન્તા છે, તો કોઈને શરીર લોંઠકું છે એની ચીંતા છે ! કોઈને ઉંઘ નથી આવતી એની પીડા છે, તો કોઈને ઉંઘ પીછો છોડતી નથી એની પીડા છે ! કોઈને કામ કરવું પડે છે એની ચીંતા છે, તો કોઈને કામ મળતું નથી એની ચીંતા છે ! ‘પ્રધાનો’ને ભ્રષ્ટાચાર કેમ કરવો એની ચીન્તા છે, તો ‘અન્ના’ઓને ભ્રષ્ટાચાર કેમ અટકાવવો એની ચીંતા છે ! કોઈને દુધના પૈસા નથી એની ચીન્તા છે, તો કોઈને દારુના પૈસા નથી એની ચીંતા છે ! સંસારમાં થોડાઘણા અંશે દરેક માણસ દુ:ખી છે. ‘ચીન્તાથી મુક્ત રહો’ અને ‘સદાય આનંદમાં રહો’ એવાં પ્રવચનો આપનારા ચીન્તાથી મુક્ત થઈ ગયા છે એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી.
ઘણીવાર આપણી ખોટી દૃષ્ટી અને ખોટા અભીગમના કારણે દુ:ખ આપણો પીછો છોડતું નથી. પોણી દુનીયાને એવો વહેમ છે કે, આપણે બીજાના કારણે દુ:ખી છીએ; પરન્તુ હકીકતમાં આપણે આપણી જ ખોટી માન્યતાઓ, ખોટા નીર્ણયો અને ખોટા ધંધાઓના કારણે દુ:ખી થતા હોઈએ છીએ. ક્યારેક તો એવું લાગે છે કે માણસ દુ:ખના મારગે ચાલીને સુખની શોધ કરવા નીકળ્યો છે ! સુખ મેળવવા માટે માણસ ચુકવી શકવાની તાકાત ન હોય એટલું દેવું કરી બેસે છે, કમાવાની ત્રેવડ ન હોય એટલા ખર્ચાઓને પાળે છે અને ઉછેરવાની તાકાત ન હોય એટલાં બાળકો પેદા કરી નાંખે છે ! કેટલાક માણસો તો પોતાના દેહને છોડવા તૈયાર; પરન્તુ પોતાના વ્યસનને છોડવા તૈયાર નથી હોતા ! મૃત્યુબાદ ‘મોક્ષ’ મેળવવાની મહેનતમાં આપણે વર્તમાન જીવનને જ નર્ક બનાવી રહ્યાં છીએ. એટલી જ મહેનત વર્તમાન જીવનને સુધારવા માટે કરીએ તો આપણે સ્વર્ગની રાહ મૃત્યુ સુધી નહીં જોવી પડે. સુખી થવા માટે જીવનની વાસ્તવીક ફીલસુફીને સમજવી એટલી જ અનીવાર્ય હોય છે.
માનવજીવન એ સતત સંઘર્ષ, તકલીફો, અકસ્માતો ને સમસ્યાઓની હારમાળા છે. આપણે કેટલીકવાર વીચારીએ છીએ કે એક ઘરનું મકાન થઈ જાય એટલે બસ ! દીકરીને સારું સાસરું મળી જાય એટલે બસ ! છોકરો ધંધે ચડી જાય એટલે બસ ! કમ્મરનો દુ:ખાવો મટી જાય એટલે બસ ! પચ્ચીસ–પચાસ લાખની મુડી થઈ જાય એટલે બસ ! આ બધું ધારેલું પાર પડી જાય છે ત્યારે પણ માણસની સમસ્યાઓ મટી જાય છે ખરી? એક પ્રશ્ન ઉકેલીએ ત્યાં બીજીને સામે આવતા કેટલી વાર લાગે છે ? અવીરત સમસ્યાઓ, પારાવાર મુશ્કેલીઓ ને સતત સંઘર્ષ એટલે જ જીવન. ગમે તેવા વીકટ સમયમાં પણ હીમ્મત હાર્યા વગર, માર્ગ કાઢીને ‘યોગ્ય કર્તવ્ય’ કરતા રહેવું અને આગળ વધતા રહેવું એનું જ નામ છે જીન્દગી !
માણસે ‘પુર્વભવના’ કર્મોનું ફળ નહીં; પરન્તુ પોતે કરવાનાં હતાં એ કર્મો ન કર્યાંનું અને ન કરવાનાં કર્મો કર્યાંનું ફળ ભોગવવું પડે છે. માણસને દુ:ખ, સમસ્યા અને સંઘર્ષ ગમતાં નથી; પરન્તુ એ તો જીન્દગીનો જ એક હીસ્સો છે. જો તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરી રહ્યા હો, તો સમજજો કે તમે ખોટી દીશામાં જઈ રહ્યાં છો ! મુશ્કેલી વધે છે ત્યારે માણસમાં એનો સામનો કરવાની દૃષ્ટી અને શક્તી પણ વધે છે. ‘ભગવાન’ને શોધી રહેલા માણસ કરતાં પોતાની ‘ભુલ’ને શોધી રહેલા માણસને હું વધારે સમજદાર માનું છું !
નવું વર્ષ આપ સૌ મીત્રોના જીવનમાં નવો પ્રકાશ પાથરે અને આપ સૌને યશપ્રાપ્તી, આનન્દપ્રાપ્તી અને ધ્યેયપ્રાપ્તી સુધી પહોંચાડે એવી મારી હાર્દીક શુભેચ્છાઓ સ્વીકારશો.
પ્રસાદ
કાયમ સુખી રહેવા માટેના બે રસ્તાઓ દેખાય છે:
૧:    પરીસ્થીતીને અનુકુળ બનવું અથવા પરીસ્થીતીને અનુકુળ બનાવવી !
૨:    જ્યારે કોઈ ઘટના તમારા હાથ બહારની હોય, ત્યારે જે થાય તે થવા દેવું
અને બધું નાશ ભલે પામે; છતાં પણ ડરવું નહીં !
વલ્લભ ઈટાલીયા (સુરત)

અક્ષરાંકન ગોવીન્દ મારુ