તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે. આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ . આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ.કોઈ કામ નાનું નથી. કોઈ કામ મોટું નથી.
સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે. દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે..
એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે. બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે.. આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ?
તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છેએ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે?
ઘર હોય, નોકરી- ધંધો હોય કે સમાજ હોય, બે વાત યાદ રાખવી જોઈએ. એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો. સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે..
કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે. કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે. સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે. તમારા કામને ઓળખો. તમારા કામને એન્જોય કરો. બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં?
ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું, એમાં જ તમારું ગૌરવ છે.
આભાર : હિરેન શાહ